SURAT

સુરતમાં 13 વર્ષની છોકરીના 34 વર્ષના પુરુષ સાથે બાળલગ્ન કરાવાતા હોબાળો

સુરત: શહેરના પાંડેસરા વિસ્તારમાં પરિવારજનો દ્વારા માત્ર 13 વર્ષની માસુમ બાળકીનાં લગ્ન કરાવવાની ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં ભારે ચકચાર મચી ગઈ હતી. માસુમ બાળકીના 34 વર્ષીય પુરુષ સાથે લગ્ન કરાવવાની ઘટનાને પગલે સ્થાનિક પોલીસ સહિત વહીવટી તંત્ર દોડતું થઈ ગયું હતું.

  • મુંબઈ રહેતા 34 વર્ષીય યુવક સાથે મંદિરમાં લગ્ન કરાવવામાં આવ્યા હતા
  • પાંડેસરા પોલીસે પિતા વિરૂદ્ધ ફરિયાદ નોંધવાને બદલે બાંહેધરી પત્ર લખાવ્યું

તંત્ર દ્વારા બાળકીના માતા–પિતાને સમજાવવામાં આવ્યા બાદ બાળકીને પરિવારજનો સાથે મોકલી આપવામાં આવી છે. આશ્ચર્યજનક બાબત છે કે બાળકીના બળજબરી બાળલગ્ન કરાવનાર માતા–પિતા વિરૂદ્ધ અત્યાર સુધી ફરિયાદ દાખલ કરવામાં આવી નથી.

આ ઘટનાની મળતી માહિતી અનુસાર પાંડેસરાના હરિઓમ નગરમાં રહેતા એક પિતાએ પોતાની માત્ર 13 વર્ષની માસુમ દીકરીના બે દિવસ પૂર્વે લગ્ન કરાવ્યા હતા. માસુમ બાળકીના પિતાએ મુંબઈ ખાતે રહેતી પોતાની માસીના પરિચિત યુવક સાથે વિવાહ નક્કી કર્યા હતા. ત્યાર બાદ પાંડેસરામાં જ આવેલા કાશી વિશ્વનાથ મંદિરમાં આ બંનેના ધાર્મિક રીત – રિવાજ મુજબ લગ્ન કરાવી દેવામાં આવ્યા હતા.

લગ્ન માટે મનાઈ કરતી હોવા છતાં દીકરીના બળજબરીપૂર્વક લગ્ન કરાવવામાં આવી રહ્યાં હતાં તેથી બાળકીએ લગ્ન બાદ હિંમત દાખવી પડોશમાં રહેતા પરિવારને જાણ કરી હતી. પડોશીઓ સમક્ષ તે રડવા લાગી હતી. તેથી પડોશીઓએ સ્થાનિક પોલીસનો સંપર્ક કર્યો હતો. માહિતી મળતાં જ પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી. જ્યાં બાળકીએ પોલીસ સમક્ષ પોતાની સમગ્ર આપવીતિ વર્ણવતાં એક તબક્કે પોલીસ પણ ચોંકી ઉઠી હતી.

મુંબઈથી લગ્ન કરવા માટે આવેલા મુરતિયાને તો પોલીસે લીલા તોરણે વળાવી દીધો હતો. જો કે, બાળકીના માતા–પિતાને આ પ્રકારનું ગેરકાયદેસર કૃત્ય કરવા માટે કાયદેસરના પગલાં ભરવાની ચીમકી ઉચ્ચારી હતી. બીજી તરફ બાળકીના પિતા દ્વારા પણ આ પ્રકારના કૃત્ય બદલ બાંહેધરી આપવાની સાથે બાળકીની મરજી વિરૂદ્ધ કરવામાં આવેલા લગ્ન ફોક કરવાનું પણ જણાવ્યું હતું. જેને પગલે પોલીસ દ્વારા અત્યાર સુધી કોઈ ફરિયાદ દાખલ કરવામાં આવી નથી.

પાડોશીઓ અને બાળમિત્રની સતર્કતાથી બાળકીનું ભવિષ્ય બચ્યું
વધુમાં મળતી માહિતી અનુસાર આ ઘટના અંગે મહિલા અને બાળમિત્રો ના કોર્ડીનેટર પિયુષ કુમાર શાહ પર પાંડેસરા હરિઓમ નગરમાં રહેતા પરિવારનો ફોન આવ્યો હતો. ફોન પર એવી માહિતી મળી હતી કે 13 વર્ષની બાળકીના બાળલગ્ન તેના માબાપે બાળકીના મરજી વિરૂદ્ધ તેનાથી ત્રણ ગણી ઉંમરના 34 વર્ષ ના ઈન્દ્રજીત નામના પુરુષ સાથે બળજબરીથી પાંડેસરાના કાશી વિશ્વનાથ મંદિરમાં કરાવી દીધા છે. સવાર પડતા જ તેઓ બાળકી ની મરજી વિરૂદ્ધ બળજબરી થી મુંબઈ મોકલી દેવાના હોય બાળકી ડરીને તેના પડોશીના રૂમમાં પહોચીને પડોશીને મદદ કરવા રડતા રડતા વિનંતી કરતી હતી માહિતી મળતાં જ બાળમિત્રએ પાંડેસરા પોલીસ ને જાણ કરીને PCR માં પોલીસ સ્ટેશન બધાને લઈ ગયા હતા.

પાંડેસરા પોલીસે બાળકી ના માં બાપ ને કાયદાકીય અને સામાજિક રીતે વિગતવાર માહિતી આપીને સમજાવેલ અને મુરતિયા ને પણ સમજાવતા બધા આવા બળજબરી થી બાળકી ની મરજી વિરૂધ્ધ થયેલ બાળ લગ્ન ને ફોક કરવા રાજી કર્યા. તમામ પાસે પોલીસ દ્વારા બાહેધરી રૂપે લખાણ લઈને સહી કરાવીને બાળકી ને તેના માં બાપ સાથે મોકલી છે. આ સાથે જ તેઓ ના આજુબાજુ અને મકાન માલિક ને પણ બાદ માં કોઈ તકલીફ કે અણબનાવ થાય તો કોન્ટેક્ટ કરવાની સમજ આપીને છૂટા કર્યા છે.

Most Popular

To Top