Business

“લોકગીત-ગરબો” એ સમાજશિક્ષણનું અગત્યનું માધ્યમ છે, સમાજજીવનનો વારસો છે

‘ગરબો’ એટલે જેના ગર્ભમાં પ્રકાશ છે તે. છિદ્રોવાળા માટીના ઘડામાં દીવો મૂકવામાં આવે તેને ગરબો કહે છે. ગરબો અભિવ્યક્તિનું પ્રતીક છે. નિયમો અને બંધનોથી ઘેરાયેલું સમાજજીવન જો માટીનો ઘડો હોય તો તેમાં રહેલાં છિદ્રો આપણા તહેવારો છે. આ છિદ્રો આપણી લાગણીઓ અને અભિવ્યક્તિને બહાર આવવાની તક આપે છે. દીવાને પ્રજ્વલિત રહેવા હવા જોઈએ અને પ્રકાશ ફેલાવવા જગ્યા જોઈએ. ઘડો દીવાને પવનથી બચાવે છે, જ્યારે છિદ્રો હવા અને પ્રકાશનો માર્ગ બને છે. એ જ રીતે પરંપરાગત તહેવારો માણસને પોતાની લાગણીઓ વ્યક્ત કરવાની તક આપે છે.

આથી કોઈ સમાજને સમજવો હોય તો તેનાં લોકગીતો, ઉત્સવો, પરંપરાઓ અને વ્યવહારોનો અભ્યાસ કરવો જોઈએ. ગરબો ગુજરાતની લોકઅભિવ્યક્તિનું સશક્ત માધ્યમ છે. તે સાહિત્ય પણ છે અને નૃત્ય પણ. આપણા લોકપ્રિય ગરબાઓમાં સમાજવ્યવસ્થા, પરંપરાઓ, પ્રેમ, વિરહ અને જીવનની અનુભૂતિઓનો વારસો સચવાયો છે. લોકસાહિત્ય સમાજનું દર્પણ છે, જે તેનો સાચો ચહેરો બતાવે છે.આજે નવરાત્રિનો ઉત્સવ ચરમસીમાએ છે. યુવાનો પાર્ટી પ્લોટમાં અને બાળકો સહિત વડીલો સોસાયટીઓ તથા પોળોમાં ગરબે ઘૂમી રહ્યા છે. આ ગરબામાં છુપાયેલા સમાજશાસ્ત્રને સમજવાનો પ્રયાસ કરીએ.

ભારતમાં દેવીની ઉપાસનાની દૃષ્ટિએ વર્ષ દરમિયાન ચાર નવરાત્રિ આવે છે. જોકે શરદ નવરાત્રિ ગુજરાતમાં ગરબા માટે વિશેષ મહત્ત્વ ધરાવે છે. નવરાત્રિ દેશભરમાં ઉજવાય છે, પરંતુ ગરબા ગાવા અને સમૂહમાં નૃત્ય કરવાની પરંપરા ગુજરાતની વિશિષ્ટ ઓળખ બની છે. સંભવતઃ ખેતીપ્રધાન સમાજમાં ચોમાસુ પાક ઊગ્યા પછી પાકની સંભાળ માટે લોકો રાત્રે જાગતા હશે. ઘરકામમાંથી નવરી પડેલી સ્ત્રીઓએ ચોકમાં માતાજીની સ્તુતિ, આરતી અને ભક્તિગીતો ગાવાનું શરૂ કર્યું હશે. ધીમે ધીમે તેમાં તાળી અને નૃત્ય ઉમેરાયાં હશે. શરૂઆત ભક્તિથી થઈ, પરંતુ પછી સ્ત્રીઓએ પોતાની લાગણીઓ અને જીવનના અનુભવો પણ ગરબામાં વ્યક્ત કરવાનું શરૂ કર્યું. પ્રાચીન ગરબાઓમાં માતાજીની ભક્તિ જોવા મળે છે, જ્યારે અનેક અર્વાચીન ગરબાઓમાં જીવનની વાસ્તવિકતાઓ ઝીલાય છે. ‘માનો ગરબો એ રમે રાજને દરબાર’ જેવા ગરબામાં સુથારની નારને ગરબી બનાવવાનું, માળીને ફૂલ સજાવવાનું અને ઘાંચીની નારને દીવામાં તેલ પૂરવાનું કહેવામાં આવે છે. આ માત્ર ધાર્મિક વિધિ નથી, પરંતુ સમાજની વિવિધ કોમના સહિયારા યોગદાનનું પ્રતીક છે. સમાજરૂપી ગરબો સૌના સહકારથી જ શોભે છે.

‘મા પાવા તે ગઢથી ઊતર્યાં મા કાળી રે, માએ વસાવ્યું ચાંપાનેર પાવાગઢવાળી રે’ જેવા ગરબામાં પણ નગરવસવાટ અને સામાજિક વ્યવસ્થાની ઝલક મળે છે. સોની, સુથાર, માળી સહિત વિવિધ વ્યવસાય સાથે જોડાયેલા લોકોના યોગદાનથી જ સમાજ અને શહેરનો વિકાસ થાય છે. કોઈ દેશ કે સભ્યતા એક વ્યક્તિ કે એક વર્ગથી વિકસતી નથી; સૌના સહિયારા પ્રયત્નોથી પ્રગતિ શક્ય બને છે. ગરબામાં દેશપ્રેમની લાગણી પણ ભળે છે, જે ‘કેસરિયો રંગ તને લાગ્યો અલ્યા ગરબા’ જેવા ગીતોમાં અનુભવાય છે. ‘મહેંદી તે વાવી માળવે ને તેનો રંગ ગયો ગુજરાત રે’ ગરબો પણ સમજવા જેવો છે. ઉપરછલ્લી રીતે જોઈએ તો તે મહેંદીના છોડની વાત લાગે, પરંતુ તેની અંદર એક પરિણીત સ્ત્રીની લાગણીઓ છુપાયેલી છે. માળવામાં પરણેલી દીકરીનો પતિ ગુજરાતમાં નોકરી માટે ગયો છે. નાનો દિયર મહેંદીનો છોડ લાવીને ભાભીને હાથ રંગવા આગ્રહ કરે છે. ભાભી કહે છે, ‘મહેંદી મૂકીને વીરા શું રે કરું, તેનો જોનારો પરદેશ રે.’ તહેવાર છે, શણગાર છે, મહેંદી છે, પરંતુ જેની સામે સજવું છે તે પતિ જ હાજર નથી. આ પંક્તિમાં વિરહ અને એકલતાની વેદના વ્યક્ત થાય છે.

ગરબા પહેલાં ગવાતા છંદોમાં પણ લોકજીવનની ઝાંખી મળે છે. અષાઢના વરસાદનું વર્ણન કરતા આવા ગીતોમાં ચોમાસાની રાહ જોતી પત્નીની વ્યથા વ્યક્ત થાય છે. ચારા માટે બીજા પ્રદેશમાં ગયેલો પતિ વરસાદ થતાં પાછો ફરશે એવી આશા પત્ની રાખે છે. વરસાદ વરસે છે, દેડકા બોલે છે, પક્ષીઓ ટહુકે છે, છતાં પતિ પાછો આવતો નથી. કુદરતનું સૌંદર્ય પણ વિરહની વેદનાને ઓછી કરી શકતું નથી. ગરબાઓમાં રાધા-કૃષ્ણનો પ્રેમ, ‘ઓ રંગ રસિયા ક્યાં રમી આવ્યા રાસ’ જેવા મીઠા ઝઘડા, સાસરિયાના ત્રાસની ફરિયાદો અને ‘જોબનિયું આજ આવ્યું ને કાલ જાશે’ જેવી યુવાનીની ક્ષણભંગુરતાની અનુભૂતિ પણ જોવા મળે છે.

આમ, ગરબો માત્ર મનોરંજન કે નૃત્ય નથી. તે લોકજીવનનો દસ્તાવેજ, લાગણીઓની અભિવ્યક્તિ અને લોકશિક્ષણનું માધ્યમ છે. ગરબાના શબ્દો અને તેના અર્થને સમજીએ તો ગુજરાતના સમાજજીવન, સ્ત્રીઓની લાગણીઓ, સામાજિક સહકાર અને સંસ્કૃતિને વધુ સારી રીતે સમજી શકીએ. ગરબાના તાલે માત્ર પગ જ નથી ફરતા, પરંતુ તેની સાથે ગુજરાતનો સમૃદ્ધ લોકવારસો પણ જીવંત રહે છે.
– આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

Most Popular

To Top