દક્ષિણ આફ્રિકાના ભારતીય મૂળના ન્યાયશાસ્ત્રી નવનીથમ પિલ્લાઇ, જેઓ નવિના ટૂંકા નામે ઓળખાય છે, જેમણે UN માનવ અધિકારના ભૂતપૂર્વ વડા તરીકે નરસંહાર અને જાતીય હિંસા અંગેના આંતરરાષ્ટ્રીય કાયદાને નવું રૂપ આપવામાં મદદ કરી હતી, તેમને શાંતિ અને આંતરરાષ્ટ્રીય કાયદાને પ્રોત્સાહન આપવાના પ્રયાસો માટે શુક્રવારે 2026નો નોબેલ શાંતિ પુરસ્કાર મળ્યો છે. વિશ્વમાં અનેક લોકોએ આ જાહેરાતને વધાવી લીધી છે. ભારત માટે પણ એક રીતે આ ગૌરવની વાત છે, જો કે અમુક ચોક્કસ મુદ્વાઓને કારણે ભારતનો પ્રતિસાદ ધીમો અને દબાયેલો રહ્યો છે.
નવનીથમનું નામ આમ તો બહુ જાણીતુ નથી પરંતુ આંતરરાષ્ટ્રીય કાયદાવિદો અને પીઢ પત્રકારો તેમને જાણે છે. માનવ અધિકારોના હનન બાબતે તેઓ ખૂબ બોલકા રહ્યા છે અને તેથી અમુક વર્ગોમાં તેઓ અળખામણા પણ બન્યા છે. 23 સપ્ટેમ્બર, 1941ના રોજ ડરબનમાં તમિલ મૂળના ભારતીય માતાપિતાને ત્યાં જન્મેલા પિલ્લાઇ રંગભેદની નીતિના માહોલ હેઠળ ઉછેર્યા હતા અને બાદમાં તેમણે વંશીય ભેદભાવને પડકારવા, રંગભેદ વિરોધી કાર્યકરોનો બચાવ કરવા અને માનવ અધિકારો તથા સમાનતાને આગળ ધપાવવાની કારકિર્દી બનાવી હતી. પિલ્લાઇના પિતા બસ ડ્રાઇવર હતા. નાણાકીય મુશ્કેલીઓ હોવા છતાં, તેમના માતાપિતાએ શિક્ષણ પર ભાર મૂક્યો અને આગ્રહ રાખ્યો કે તેમની પુત્રીઓને પણ પુત્રોની જેમ જ શિક્ષણ મળવું જોઈએ.
પિલ્લાઇએ નાતાલ યુનિવર્સિટીમાં અભ્યાસ કર્યો અને બાદમાં હાર્વર્ડ યુનિવર્સિટીમાંથી અનુસ્નાતક કાયદાની ડિગ્રી મેળવી. ઉચ્ચ શિક્ષણ માટે સાઉથ આફ્રિકાના ભારતીય સમુદાયે પણ તેમને મદદ કરી. ‘ઇન્સ્ટિટ્યૂટ ફોર આફ્રિકન વુમન ઇન લો’ અનુસાર, 1967માં તેઓ દક્ષિણ આફ્રિકાના નાતાલ પ્રાંતમાં કાયદાની પ્રેક્ટિસ શરૂ કરનાર પ્રથમ અશ્વેત મહિલા બની ગયા. તેમણે રંગભેદ વિરોધી કાર્યકર્તાઓનો બચાવ કરવામાં અને રાજકીય કેદીઓ પ્રત્યેના વ્યવહાર તરફ ધ્યાન દોરવામાં દાયકાઓ વિતાવ્યા. નેલ્સન મંડેલાને પણ તેમના પ્રયાસોથી કારાવાસમાં રાહત મળી હતી. તેમણે રંગભેદ વિરોધી કાર્યકરો માટે લડત આપી હતી.
તેમની કારકિર્દી તેમને પાછળથી દક્ષિણ આફ્રિકાની હાઇકોર્ટ, રવાંડા માટેની ઇન્ટરનેશનલ ક્રિમિનલ ટ્રિબ્યુનલ અને ઇન્ટરનેશનલ ક્રિમિનલ કોર્ટ સુધી લઈ ગઈ. તેમણે રવાંડા ટ્રિબ્યુનલના જજ અને પ્રમુખ તરીકે તથા 2008થી 2014 સુધી માનવ અધિકારો માટેના યુએન હાઇ કમિશનર તરીકે સેવા આપી હતી. નોબેલ પીસ સમિતિએ તેમને તેમના સમયના સૌથી આદરણીય આંતરરાષ્ટ્રીય ન્યાયશાસ્ત્રીઓમાંના એક તરીકે વર્ણવ્યા અને ભારપૂર્વક જણાવ્યું કે શાંતિ જાળવવા અને હિંસા વિના સંઘર્ષોનો ઉકેલ લાવવા માટે કાયદાનું શાસન આવશ્યક છે.
યુએનના મહામંત્રી એન્ટોનિયો ગુટેરેસે યોગ્ય રીતે જ તેમને ન્યાય માટેનો સ્વતંત્ર અવાજ ગણાવ્યા અને કહ્યું કે તેમને આ ઇનામ મળ્યું તેના પરથી એને બળ મળે છે કે શાંતિ આંતરરાષ્ટ્રીય કાયદાઓ મુજબ સ્થપાવી જોઇએ અને નહીં કે શક્તિશાળી લોકોના વિચારો પ્રમાણે. ભારતમાં તમિલનાડુ સહિત કેટલાક પ્રાદેશિક સ્તરે તેમની નોબેલ પ્રાપ્તિને આવકારવામાં આવી છે પરંતુ અમુક બાબતોમાં વૈચારિક ટક્કર થતી હોવાના દેખીતા કારણોસર ભારત સરકારે તેમને ઉમળકાભેર અભિનંદન આપવાનું ટાળ્યું છે.
તેમની ન્યાયિક કારકિર્દીનું સૌથી પરિણામલક્ષી પ્રકરણ રવાંડા માટેની ઇન્ટરનેશનલ ક્રિમિનલ ટ્રિબ્યુનલમાં તેમનું કાર્ય હતું, જ્યાં તેઓ જીન-પોલ અકાયેસુ સામેના સીમાચિન્હરૂપ કેસના ન્યાયાધીશોમાંના એક હતા. અકાયેસુ ભૂતપૂર્વ મેયર હતા જેમને 1994ના રવાંડા માનવસંહાર દરમિયાન નરસંહાર, માનવતા વિરુદ્ધના ગુનાઓ અને હિંસા માટે પ્રત્યક્ષ અને જાહેર ઉશ્કેરણી માટે દોષિત ઠેરવવામાં આવ્યા હતા.
સપ્ટેમ્બર 2025માં, પિલ્લાઇની અધ્યક્ષતામાં પૂર્વ જેરૂસલેમ અને ઇઝરાયેલ સહિતના કબ્જા હેઠળના પેલેસ્ટાઇની પ્રદેશ અંગેના સ્વતંત્ર આંતરરાષ્ટ્રીય તપાસ પંચે તારણ કાઢ્યું હતું કે ઇઝરાયેલી સત્તાવાળાઓ અને સુરક્ષા દળોએ ગાઝામાં પેલેસ્ટિનીઓ વિરુદ્ધ જેનોસાઇડ કર્યું હતું અને કરવાનું ચાલુ રાખ્યું હતું. સ્વાભાવિક રીતે ઇઝરાયેલે નવનીથમને નોબેલ પ્રાઇઝ મળ્યું તેની સખત ટીકા કરી છે અને તેમને યહુદીઓના દુશ્મન ગણાવ્યા છે. તો અમેરિકી પ્રમુખ ટ્રમ્પે નવનીથમને અમેરિકા વિરોધી ગણાવીને પોતાની દાઝ કાઢી છે. એક વાત ચોકકસ છે કે નવનીથમને મળેલા શાંતિના નોબેલ ઇનામથી આંતરરાષ્ટ્રીય કાયદાઓને માન આપવા માટેના અભિગમને બળ મળ્યું છે.