Business

જેના કાન સખણા એ ખાય નહિ ડફણાં..!

નાક અને કાન વીંધવાની પ્રથા છોકરીઓમાં પુરાણી છે અને દીકરીઓને એ શોભે પણ ખરી. પણ જ્યારથી મા-બાપના હાથમાં મોબાઈલ આવ્યો ત્યારથી દીકરાઓના કાન વીંધવાનું મા-બાપ ભૂલી ગયાં અને છોકરાઓ પણ કાન વિંધાવતા ને લટિયા લાંબા રાખતા થઈ ગયા. આવું કેમ કરે છે એનું કારણ મને ખબર નથી. કદાચ એવું પણ હોય કે પારકી આવીને કાન વીંધે એ પહેલાં જાતે જ વીંધાવેલા સારા..! એના કપાળમાં કાંદા ફોડું..!

આજે મને કાન વિશે કાનફૂસી કરવાની ઉપડી છે, બોસ..! શરીર બનાવતાં વધ્યો-ઘટ્યો માલ ચહેરાની બંને બાજુએ ઠાલવ્યો હોય એવા બંને કાન માટે કેવી કેવી છોડિયાફાડ કહેવતો આપી છે..! “કાન છે કે કોડિયાં, કાનના કીડા ખરી ગયા, કાનમાં ઝેર રેડ્યું, કાનાફૂસી કરી, કાચા કાનનો નીકળ્યો, એક કાનથી સાંભળે ને બીજા કાનથી કાઢી નાખે, એના કાનમાં તમરાં બોલે, પારકી મા હોય એ જ કાન વીંધે, કાન આમળી નાખવો વગેરે વગેરે..!”

અહાહાહા..! કેવી મોંઘીદાટ મિલકત સાથે ભગવાને આપણને પૃથ્વી ઉપર મોકલ્યા છે, યાર..! અમુક તો એવી એવી સર્કિટ નાખેલી કે બે-ચાર તાજમહાલ વેચી નાખીએ તો પણ ન મળે..! હૃદય ગયું એટલે ગયું..! દુનિયાના વિઝા પૂરા થયા એમ ચાલતી જ પકડવાની..! કોઈ કોઈ વાતે કમી નહિ, યાર..! ભગવાને એવી પણ વ્યવસ્થા કરી કે શરીરના કોઈ અંગમાં તકલીફ પડે તો એના નિષ્ણાત ડૉક્ટર હાજર..! આંખની માથાકૂટ આવે તો આંખના તજજ્ઞ હાજર, નાકની આવે તો નાકના હાજર, દાંતની આવે તો દાંતના હાજર ને કાનની આવે તો કાનના ડૉક્ટર હાજર..! શરીરના સ્પેર પાર્ટ્સનું રિપેરિંગ કરાવવા કે નકલી પાર્ટ્સ નંખાવવા માટેની પણ આગોતરી વ્યવસ્થા કરી આપી છે..!

પેટછૂટી વાત કરું તો શરીરનાં તમામ અંગોમાં કાન મને બહુ ગમે..! બંને કાનની કોઈ ઝંઝટ જ નહિ. ઋષિમુનિની જેમ તપસ્વીની માફક ધૂણી ધખાવીને બેઠા જ હોય..! અનેક આર્કિટેક્ટને ચાર-પાંચ વેકેશનમાં બેસાડીને ભગવાને શરીરની ડિઝાઇન બનાવી હોય એમ કાનની રચનામાં કોઈ મોટી માથાકૂટ જ નહિ. યુનિવર્સલ એક જ ડિઝાઇન..! કાનની રચના જોઈએ તો શરીરની બાઉન્ડરી બહાર બિનઅધિકૃત બાંધકામ થયેલું હોય એવું લાગે, પણ બાંધણી એવી કે શરીરની શોભા વધારે. એકદમ નિઃસ્પૃહી ને બિનઉપદ્રવી..! સિવાય કે કાન વાટે કાનફૂસી કરીને કોઈ જીભની અદાલતમાં કેસ પહોંચાડે તો જ દંગલ થાય. દેખાવ આતંકવાદી થાણા જેવો, પણ સ્વભાવ શાંત..! સિવાય કે કોઈ નિર્દોષ કાનનો ઉપયોગ કરીને આતંક ફેલાવવાનો પ્રયાસ કરે તો જ ધીંગાણાં થાય.

ચહેરાની બંને બાજુના ઓપન પ્લોટમાં એવાં ગોઠવાયેલાં કે તીર્થસ્થળ જેવાં લાગે. કોઈ દયાળુ દાનેશ્વરીએ ચહેરા ઉપર બે ચબૂતરા બાંધ્યા હોય એમ શોભા પણ વધારે..! રસ્તાના આઇલેન્ડ જેવાં..! ગમે એવી સુનામી આવે કે બોમ્બધડાકા થાય, પોતે શાંતિના દૂત જેવા..! શરીરના એમ્બેસેડર એટલે બંને કર્ણો..! પોતે નિર્લેપ રહે ને બરાડા મોંઢા પાસે પડાવે..! જગતને સંદેશ પણ આપે કે, ‘સુખી રહેવું હોય તો મારી જેમ સરળ, શાંત અને સીધા-સાદા થઈને રહેવાનું..! કોઈની હળી નહિ કરવાની, નહિ તો કાન અને ગાલ બંને લાલ થઈ જાય..!’

બંને કાન સ્વયં એવા અહિંસક કે ક્યારેય સ્થાનભ્રષ્ટ થઈને મારામારી કરવા નીચે ઊતરતા નથી. દયાળુ પણ એવા કે કોઈ ડાબા કાન ઉપર પ્રહાર કરે તો જમણો કાન આગળ ધરે..! સ્થિતપ્રજ્ઞ થઈને જોયા કરશે, પણ ધમકી નહિ આપે કે ‘હું તને જોઈ લઈશ..!’ બાકી બીજાં અંગો તોફાને ચઢે તો શરીરને રમણભમણ કરી નાખે..! માત્ર બોચી જ હાથમાં આવવી જોઈએ..!

કાન આમળવાના જલ્લાદ પ્રયોગોનો અનુભવ આપણને ભણતા ત્યારથી જ થયેલો, એની બધાને ખબર છે. કોઈ પણ આવીને કાન ખેંચવાની કરામત કરે એટલે આંખ સામે નિશાળ દેખાવા માંડે. મગજના યંત્રની સ્વિચ કાનની બુટ્ટીમાં હોય એમ શિક્ષક કાન જ મરોડતા. નાક આમળવાનો બળપ્રયોગ કોઈ શિક્ષકે કર્યો હોય એવું ધ્યાનમાં નથી. શરદી હાથમાં આવી જાય..! કાનની છેડતી કરવામાં કોઈ જોખમ જ નહિ. કોઈએ ગાલને બદલે કાનમાં બચકાં ભર્યાં હોય એવું પણ સાંભળ્યું નથી..! પછી તો જેવો જેવો મામલો..!

પ્રત્યેક કાન અને નાકનો પણ એક સિદ્ધાંત છે. આંખમાં કણી પડે તો કોઈની આંખ ભાડે લેવી પડે. એક કાન દુઃખી થતો હોય તો બાજુનો કાન પૂછવા નહિ આવે કે, ‘માય આઇ હેલ્પ યુ, બ્રધર..?’ બે સગા ભાઈ વચ્ચે અણબનાવ હોય એમ બે કાન વચ્ચે પણ અબોલા હોય..! માણસ કાનનો સ્પર્શ કરી શકે, પણ કાન માણસનો સ્પર્શ કરવા આવે નહિ. કાન આમળવાની, કાનની હળી કરવાની કે કાન ભંભેરવાની છૂટ, પણ કર્ણદર્શન કરવું હોય તો અરીસાની મદદ લેવી પડે. જેમ હવાને મહેસૂસ કરી શકાય, પણ જોઈ શકાતી નથી, એમ કાન, નાક અને આંખને સ્પર્શી શકાય, પણ જોઈ શકાય નહિ..! ફોટા સાથે લગ્ન કરીને ઘણા જિંદગી ખેંચી નાખે એમ ગાડું ગબડાવ્યા કરવાનું..! બીજું શું..?

તુંડે તુંડે મતિર્ભિન્નાની માફક માણસે માણસે કાનની ડિઝાઇન અલગ..! કોઈના કાન લસણની ગાંઠ જેવા, કોઈના મંજીરા જેવા, કોઈના તુરિયાં જેવા કે કોઈના ચીભડાં જેવાં હોય. ઘણામાં તો શોધવું પડે કે બંદાને ભગવાને કાનની મિલકત આપેલી છે કે નહિ? કે પછી કાન વગર જ પાર્સલ થયેલા છે? આપણે ત્યાં ‘મિસ વર્લ્ડ’ની સ્પર્ધા થાય છે એવી ‘મિસ ઇયર’ની સ્પર્ધા પણ થવી જોઈએ..! ખબર તો પડે કે કયા દેશનો કાન સૌથી વધારે સૌંદર્યપ્રધાન છે ને કોનો કાન ગુણિયલ છે..! વિવિધ કાનના પ્રકાર પણ જાણવા મળે..! કાચા કાનવાળાને પાકા કાનવાળાના ભેદની ખબર પણ પડે..!

બાકી, પસંદગીના સ્થળે કાનનો સેટ બેસાડવા, ડિઝાઇન બદલવા કે આખેઆખા કાન બદલવાની દિશામાં આપણે જોઈએ એટલું ખેડાણ કર્યું નથી. કન્યાદાન, રક્તદાન, દેહદાન, ભૂમિદાન અને અન્નદાનની માફક ‘કર્ણદાન’ કરવાનો મહિમા પણ બહાર આવ્યો નથી. બહુ બહુ તો કાનનાં શટર બંધ થાય તો શ્રવણયંત્રની મદદથી ખોલી આપે, બાકી ફલાણા હીરો-હિરોઈન જેવા કાન નાખી આપવાની દુકાનો ખૂલી નથી..! કાન હૈ તો કહાન હૈ..!

કાનનું કામકાજ એટલું જ કે અવાજના તરંગોને ઝીલીને શ્રવણસુવિધા દ્વારા મગજ સુધી પહોંચાડવાનું..! પછીનો કારભાર અંદરનો સ્ટાફ સંભાળે..! દુકાન આગળ લટકાવાતાં લીંબુ-મરચાંની માફક વળગેલા બંને કાન માત્ર મોંઢાની શોભા છે. કાનનાં ડબલાં દ્વારા પ્રવેશ પામેલા શબ્દો આશીર્વાદ છે કે ગાળ, એનું પૃથક્કરણ અંદરનો સ્ટાફ કરે..! બંગલામાં જેમ આગળનો ડ્રોઇંગ રૂમ ચોખ્ખો ચટાક હોય એમ કાન ચોખ્ખા ચટાક, માથાકૂટ બધી અંદર હોય..! બાહ્ય કર્ણ, મધ્ય કર્ણ અને અંતઃકર્ણની ત્રણ સર્કિટમાંથી એકાદ નિષ્ફળ જાય તો માણસ સાંભળવાની શક્તિ ગુમાવી દે. લોકલ કંપનીનો માલ હોય તો વૉરંટી પિરિયડમાં રિટર્ન કરી દેવાય, પણ આ તો ભગવાનની પ્રોડક્ટ..! માલ બદલાવવો હોય તો જાતે જ ઉપર જવું પડે..!

કાનનું કામ સાંભળવાનું અને સંભળાવાનું કામ જીભનું..! કાન હંમેશાં ઑનલાઇન ખરા, પણ પોતે કોઈ માથાકૂટમાં નહિ પડે. સાંભળીને હવાલો જીભને સોંપી દે..! જેમના કાનનાં શટર બંધ કે બગડેલાં હોય એને તો ભારે તકલીફ..! મુકેશનાં ગીતો હોય કે મગનલાલનાં, લતાનાં હોય કે લલિતાનાં, એને કોઈ ફરક નહિ પડે..! વાઇફ સાથે ખાનગી વાર્તાલાપ કરવો હોય તો પણ બરાડા પાડવા પડે..! અમુક વખતે તો એવા બરાડા પાડવા પડે કે બોચીએ પરસેવાના ઝરા ફૂટે ને પાડોશી દોડી આવે, તે અલગ..! માટે જેના કાન સખણા એ ખાય નહિ ડફણાં..!

લાસ્ટ ધ બોલ
ચમનિયો કાનના ડૉક્ટર પાસે જઈને કહે, ‘સાહેબ..! મને મારા કાનમાં કોઈ ગરબડ લાગે છે. મારી વાઇફ જે કંઈ બોલે તે મને સંભળાતું નથી..!’
ડૉક્ટર કહે, ‘એને કાનની ગરબડ નહિ કહેવાય. કુદરતની મહેરબાની કહેવાય..! જેમણે પૂર્વજન્મમાં સારાં કર્મો કરેલાં હોય એને જ આવી કુદરતી બક્ષિસ મળે..!’
ચમનિયો મનમાં બોલ્યો, ‘તારા કપાળમાં કાંદા ફોડું..!’
– આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

Most Popular

To Top