Business

ચૂંટણી પંચ એ સરકારનું મંત્રાલય નથી

ઇલેક્શન કમિશનની વાત આવે ત્યારે ભારતના જાંબાઝ ચૂંટણી કમિશનર ટી. એન. શેષન યાદ આવ્યા વિના રહે નહીં. તેમની ખુદ્દારીનો એક કિસ્સો નોંધપાત્ર છે. તેમણે કાયદા મંત્રીની હાજરીમાં જ વડાપ્રધાનને સ્પષ્ટ કહી દીધું હતું કે ચૂંટણી પંચ સરકારનું મંત્રાલય નથી. આવી નિડરતા અને સ્વાભિમાન ધરાવતા અમલદારો આજે શોધવા પડે એ કમનસીબી છે. શાળામાં નાગરિકશાસ્ત્ર ભણતી વખતે વિદ્યાર્થીઓને શીખવવામાં આવે છે કે ભારતનું ચૂંટણી પંચ સ્વાયત્ત સંસ્થા છે અને સરકાર તેના નિર્ણયોમાં હસ્તક્ષેપ કરી શકતી નથી. બંધારણે ચૂંટણી પંચને સ્વતંત્રતા આપી છે, પરંતુ પાઠ્યપુસ્તકોમાં લખેલી વાતો અને વાસ્તવિકતા વચ્ચે અંતર જોવા મળે છે.

સુપ્રીમ કોર્ટના પૂર્વ ન્યાયાધીશ રોહિંટન ફલી નરીમાને પણ ચૂંટણી પંચની કામગીરી અંગે ચિંતા વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે બંધારણ અને લોકશાહીના હૃદય સમાન મતદાનનો અધિકાર ગંભીર જોખમમાં છે. સ્વતંત્ર સંસ્થા દ્વારા ગેરરીતિ કે પક્ષપાત ચલાવી શકાય નહીં. છેલ્લા કેટલાક સમયથી ચૂંટણી પંચની કામગીરી ચર્ચાનો વિષય બની છે. ચૂંટણી કમિશનરના રાજીનામાની માગ સાથે દેશભરમાં થઈ રહેલા આંદોલનો પણ આ અસંતોષ દર્શાવે છે. ચૂંટણી પંચની વિશ્વસનીયતા સામે સવાલો ઊભા થાય એ લોકશાહી માટે ચિંતાજનક છે. દેશવાસીઓની અપેક્ષા એટલી જ છે કે નાગરિકશાસ્ત્રમાં ભણાવાતી ચૂંટણી પંચની સ્વાયત્તતા માત્ર પુસ્તકો પૂરતી નહીં, પરંતુ વાસ્તવિકતામાં પણ જળવાઈ રહે.
નવસારી   – ડૉ. જે. એમ. નાયક – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top