જીએસટી કાઉન્સિલ હવે ટેક્સના દરોમાં ફેરફાર અંગેના કોઈ પણ પ્રસ્તાવ પર વર્ષમાં માત્ર એક જ વાર વિચારણા કરશે. નાણા મંત્રાલયના સ્રોતો અનુસાર, હવેથી જીએસટી દરોમાં કરવામાં આવતા તમામ ફેરફારો નવા નાણાકીય વર્ષની શરૂઆત એટલે કે 1 એપ્રિલથી જ અમલમાં મૂકવામાં આવશે.
8 ઓક્ટોબરે યોજાનારી જીએસટી કાઉન્સિલની 57મી બેઠકના એજન્ડામાં દરોમાં ફેરફારનો મુદ્દો સામેલ નથી, પરંતુ અમુક નિયમોને સ્પષ્ટ કરવા અને સુધારવા માટે મર્યાદિત મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવશે.આગામી બેઠકમાં સ્પષ્ટતા આપવાના હેતુથી કાઉન્સિલ એક મહત્વપૂર્ણ પ્રસ્તાવને મંજૂરી આપી શકે છે, જેમાં ઈ-કોમર્સ પ્લેટફોર્મ દ્વારા થતી ડિલિવરી પર ઈનપુટ ટેક્સ ક્રેડિટ (આઈટીસી) વગર 5 ટકાનો સિંગલ જીએસટી દર લાગુ થઈ શકે છે. અધિકારીઓના જણાવ્યા મુજબ, વ્યવસાયો માટે વારંવારના ડિસ્કાઉન્ટ કે રાહતો કરતાં દરોમાં સ્થિરતા વધુ મહત્વની છે, કારણ કે સ્થિર ટેક્સ માળખું કોન્ટ્રાક્ટના ભાવ નક્કી કરવા અને મૂડી રોકાણનું આયોજન કરવામાં મદદ કરે છે.
ઉલ્લેખનીય છે કે કેન્દ્રીય નાણા મંત્રી નિર્મલા સીતારમનની અધ્યક્ષતામાં કાઉન્સિલે ગયા વર્ષે સપ્ટેમ્બરમાં ચાર તબક્કાના જીએસટી માળખા (5, 12, 18 અને 28 ટકા)ને બદલે 5 અને 18 ટકાનું બે તબક્કાનું માળખું બનાવ્યું હતું. આ ફેરફારથી વપરાશમાં વધારો થયો છે અને ચાલુ વર્ષના જૂન મહિનાથી જીએસટીની માસિક આવકમાં બે અંકમાં વૃદ્ધિ જોવા મળી છે.