કાલોલ-ડેરોલ સ્ટેશન રોડ પર GIDC કોલોની સામે ગમખ્વાર અકસ્માત; બાઇક ચાલક અજય પાસવાનનું કરૂણ મોત
કાલોલ, તા. 4: કાલોલ-ડેરોલ સ્ટેશન રોડ પર જી.આઈ.ડી.સી. કોલોની સામે રોંગ સાઈડમાં પૂરઝડપે આવતી મોટરસાઇકલ આઇશર ટ્રક સાથે અથડાતાં ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં બાઇક ચાલકને માથા અને મોંના ભાગે ગંભીર ઇજાઓ પહોંચતાં તેનું ઘટનાસ્થળે જ કરૂણ મોત નીપજ્યું હતું.

મળતી માહિતી મુજબ, તા. 2 ઓક્ટોબર 2026ના રોજ સાંજે આશરે 7:45 વાગ્યે સુરતથી ડાકોર તરફ જઈ રહેલી આઇશર ગાડી નં. GJ-05-CY-2313 કાલોલ GIDC કોલોની પાસેથી પસાર થઈ રહી હતી. તે સમયે ડેરોલ સ્ટેશન તરફથી આવતી મોટરસાઇકલ નં. GJ-17-AC-2329નો ચાલક રોંગ સાઈડમાં પૂરઝડપે અને ગફલતભરી રીતે બાઇક હંકારી લાવ્યો હોવાનો આક્ષેપ છે.
ટક્કર એટલી જોરદાર કે બાઇક ચાલક કેબિન સાથે અથડાઈને રોડ પર પટકાયો
બાઇક ચાલકે આઇશર ગાડીના આગળના ભાગની ડાબી બાજુએ જોરદાર ટક્કર મારી હતી. ટક્કરના પગલે બાઇક ચાલક ઉછળીને આઇશરના કેબિન સાથે અથડાયો હતો અને ત્યારબાદ રોડ પર પટકાયો હતો. ગંભીર ઇજાઓને કારણે તેનું સ્થળ પર જ મોત નીપજ્યું હતું.
મૃતકની ઓળખ અજય દીનાનાથ પાસવાન, મૂળ ગોરખપુર, ઉત્તર પ્રદેશ તરીકે થઈ છે. અકસ્માત બાદ આસપાસના લોકો ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને 108 એમ્બ્યુલન્સ તથા 112 જનરક્ષક ટીમને જાણ કરવામાં આવી હતી.
અકસ્માત અંગે આઇશર ચાલક અફજલ ઇસ્માઇલ સૈયદ, રહે. કતારગામ, સુરતની ફરિયાદના આધારે કાલોલ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો છે. પોલીસે ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા અને મોટર વાહન અધિનિયમની સંબંધિત કલમો હેઠળ કાર્યવાહી હાથ ધરી છે. સમગ્ર તપાસ પોલીસ સબ-ઇન્સ્પેક્ટર એસ. આર. મકવાણાને સોંપવામાં આવી છે.
રિપોર્ટર: વીરેન્દ્ર મહેતા