Entertainment

પહેલીવાર કેવડિયા ખાતે નેશનલ ફિલ્મ એવોર્ડ્સ સમારોહ યોજાયો

અનંત નાગને દાદાસાહેબ ફાળકે એવોર્ડ એનાયત

ગુજરાતના નર્મદા જિલ્લામાં સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે યોજાયેલા ભવ્ય સમારંભમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુના હસ્તે ભારતીય સિનેમાના સર્વોચ્ચ 72મા રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર અર્પણ કરવામાં આવ્યા હતા. જેમાં કન્નડ સિનેમાના દિગ્ગજ અભિનેતા અનંત નાગને પ્રતિષ્ઠિત ‘દાદાસાહેબ ફાળકે એવોર્ડ’થી સન્માનિત કરવામાં આવ્યા હતા.

આદિત્ય સુહાસ જાંભાળે દિગ્દર્શિત હિન્દી ફિલ્મ ‘આર્ટિકલ 370’ને શ્રેષ્ઠ ફીચર ફિલ્મનો એવોર્ડ મળ્યો હતો. આ ફિલ્મમાં શાનદાર અભિનય બદલ યામી ગૌતમને શ્રેષ્ઠ અભિનેત્રીનો પુરસ્કાર પ્રાપ્ત થયો હતો. જ્યારે મલયાલમ ફિલ્મ ‘ભ્રમયુગમ’ માટે મમુટી અને હિન્દી ફિલ્મ ‘ચંદુ ચેમ્પિયન’ માટે કાર્તિક આર્યનને સંયુક્ત રીતે શ્રેષ્ઠ અભિનેતાનો રાષ્ટ્રીય પુરસ્કાર આપવામાં આવ્યો હતો. ‘આર્ટિકલ 370’ ફિલ્મે શ્રેષ્ઠ ફિલ્મ, શ્રેષ્ઠ અભિનેત્રી અને શ્રેષ્ઠ સંગીત નિર્દેશન સહિત કુલ 3 રાષ્ટ્રીય પુરસ્કારો પોતાના નામે કર્યા હતા.

તમિલ ફિલ્મ ‘અમરન’ માટે રાજકુમાર પેરિયાસામીને શ્રેષ્ઠ દિગ્દર્શકનો એવોર્ડ મળ્યો હતો. જ્યારે અભિનેતામાંથી દિગ્દર્શક બનેલા રણદીપ હૂડાને તેમની ફિલ્મ ‘સ્વાતંત્ર્ય વીર સાવરકર’ માટે શ્રેષ્ઠ ડેબ્યૂ ડિરેક્ટરનો પુરસ્કાર એનાયત કરાયો હતો. ગુજરાતી સિનેમા ક્ષેત્રે અભિષેક જૈન દિગ્દર્શિત ફિલ્મ ‘મારણ’ને શ્રેષ્ઠ ગુજરાતી ફિલ્મનો રાષ્ટ્રીય પુરસ્કાર પ્રાપ્ત થયો હતો.અન્ય પુરસ્કારોમાં સંજય મિશ્રાને ફિલ્મ ‘ભક્ષક’ માટે શ્રેષ્ઠ સહાયક અભિનેતા અને સેચના નામિદાસને તમિલ ફિલ્મ ‘મહારાજા’ માટે શ્રેષ્ઠ સહાયક અભિનેત્રીનો એવોર્ડ મળ્યો હતો. ‘સ્ત્રી 2’ના પ્રખ્યાત ગીત ‘આજ કી રાત’ માટે વિજય ગંગુલીને શ્રેષ્ઠ કોરિયોગ્રાફી અને ફિલ્મ ‘મેદાન’ના ‘જાને દો’ ગીત માટે મનોજ મુન્તશિરને શ્રેષ્ઠ ગીતકારનો એવોર્ડ મળ્યો હતો. સુમિરા રોય નિર્દેશિત ‘ભંગાર’ને શ્રેષ્ઠ નોન-ફીચર ફિલ્મ જાહેર કરવામાં આવી હતી.

72મા રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારના મુખ્ય વિજેતાઓ
દાદાસાહેબ ફાળકે એવોર્ડ: અનંત નાગ (કન્નડ કલાકાર)
શ્રેષ્ઠ ફીચર ફિલ્મ: આર્ટિકલ 370 (દિગ્દર્શક: આદિત્ય સુહાસ જાંભાળે)
શ્રેષ્ઠ અભિનેત્રી: યાશ્મી ગૌતમ (ફિલ્મ: આર્ટિકલ 370)
શ્રેષ્ઠ અભિનેતા: મમુટી (ભ્રમયુગમ) અને કાર્તિક આર્યન (ચંદુ ચેમ્પિયન)
શ્રેષ્ઠ ગુજરાતી ફિલ્મ: મારણ (દિગ્દર્શક: અભિષેક જૈન)
શ્રેષ્ઠ ડેબ્યૂ ડિરેક્ટર: રણદીપ હૂડા (સ્વાતંત્ર્ય વીર સાવરકર)
શ્રેષ્ઠ સહાયક અભિનેતા: સંજય મિશ્રા (ભક્ષક)

રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર હવે દેશના વિવિધ પ્રવાસન સ્થળોએ યોજાશે: કેન્દ્રીય મંત્રી
ગુજરાતના નર્મદા જિલ્લા સ્થિત એકતા નગરમાં સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે 72મા રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર સમારંભનું આયોજન કરવામાં આવ્યું હતું. કેન્દ્રીય માહિતી અને પ્રસારણ મંત્રી અશ્વિની વૈષ્ણવે જાહેરાત કરી હતી કે હવેથી રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર સમારંભો દિલ્હીને બદલે રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો દ્વારા સૂચવવામાં આવેલા દેશના પ્રમુખ પ્રવાસન સ્થળો પર યોજાશે.મંત્રીએ રાજ્યોને શ્રેષ્ઠ પ્રવાસન સ્થળોના પ્રસ્તાવ મોકલવા આહ્વાન કર્યું હતું. વિરોધ પક્ષો દ્વારા સમારંભ સ્થળ બદલવા અંગે કરાયેલી ટીકાઓ સામે તેમણે સંકુચિત રાજકારણથી ઉપર ઉઠીને રાષ્ટ્રહિતને પ્રથમ પ્રાથમિકતા આપવા અપીલ કરી હતી.

Most Popular

To Top