Business

વિદ્યાર્થીઓમાં આપઘાતના બનાવો માટે ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓના કેમ્પસોનો માહોલ પણ જવાબદાર

દેશની પ્રતિષ્ઠિત ઉચ્ચ ટેકનીકલ શિક્ષણ સંસ્થા આઇઆઇટી બોમ્બેમાં હાલ થોડા દિવસ પહેલા એક વિદ્યાર્થીએ આપઘાત કર્યો, જેનાથી વિદ્યાર્થીઓના આત્મહત્યાના બનાવો ફરી એકવાર ચર્ચાના કેન્દ્રમાં આવી ગયા છે. ખાસ કરીને ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓમાં વિદ્યાર્થીઓમાં આત્મહત્યાના બનાવોનું ઉંચુ પ્રમાણ ખરેખર ચિંતાજનક છે. રાજકીય પક્ષ એનસીપીએ તો એટલે સુધી કહ્યું છે કે વિદ્યાર્થીઓમાં આપઘાતના બનાવોની સમસ્યા એ આજની એક મોટી સમસ્યા બની ગઇ છે અને દેશમાં આજે ખેડૂતોના આપઘાત કરતા વિદ્યાર્થીઓના આપઘાત વધી ગયા છે અને હાલના આંકડાઓ જોતા આ વાતમાં તથ્ય પણ જણાય છે.

આ ઘટના ગત મહિને આઈઆઈટી દિલ્હીના એક વિદ્યાર્થી દ્વારા કરાયેલી આત્મહત્યા બાદ બની છે. દેશની આ અગ્રણી ટેકનિકલ સંસ્થાઓમાં તાજેતરના વર્ષોમાં બનેલી આવી અનેક આત્મહત્યાઓની ઘટનાઓમાંથી આ પણ એક છે. શિક્ષણ મંત્રાલયે જુલાઈ ૨૦૨૩માં સંસદમાં માહિતી આપી હતી કે ૨૦૧૮ થી ૨૦૨૩ દરમિયાન પાંચ વર્ષમાં તમામ આઈઆઈટીમાં ૩૯ વિદ્યાર્થીઓએ આત્મહત્યા કરી છે. ‘ગ્લોબલ આઈઆઈટી એલ્યુમનાઈ સપોર્ટ ગ્રુપ’ દ્વારા એકત્ર કરાયેલા ડેટા અનુસાર, છેલ્લા ૨૦ વર્ષમાં વિદ્યાર્થીઓના ૧૭૧ અકુદરતી મૃત્યુ નોંધાયા છે, જેમાંના ૮૨ ટકા કેસ કેમ્પસમાં થયેલી આત્મહત્યાના છે. હાલના આંકડાઓ જોઇએ તો આઇઆઇટીઝમાં વર્ષ ૨૦૨૫માં વિક્રમી ૧૬ આપઘાતના બનાવો બન્યા હતા, તેના પહેલા ૨૦૨૪માં ૧૫ અને ૨૦૨૩માં ૧૪ બનાવો બન્યા હતા.

આ વર્ષે અત્યાર સુધીમાં ૯ બનાવો બન્યા છે. આંકડાઓ મુજબ છેલ્લા પાંચ વર્ષમાં દેશની આઇઆઇટીઝમાં સૌથી વધુ આપઘાતના બનાવ આઇઆઇટી ખડગપુરમાં બન્યા છે જે ૧૧ છે તેના પછી કાનપુર, મદ્રાસ અને દિલ્હી અનુક્રમે ૯, ૯ અને ૮ના આંકડા સાથે આવે છે. ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓમાં વિદ્યાર્થીઓની માનસિક સ્વાસ્થ્ય સંબંધી ચિંતાઓ દૂર કરવા અને આત્મહત્યા અટકાવવા માટે રચાયેલી નેશનલ ટાસ્ક ફોર્સે તેના વચગાળાના અહેવાલમાં નોંધ્યું છે કે, શૈક્ષણિક સંસ્થાઓમાં આત્મહત્યાની આ “મહામારી” માટે શૈક્ષણિક દબાણ, જ્ઞાતિ આધારિત ભેદભાવ, નાણાકીય તણાવ અને જાતીય સતામણી, પરીક્ષામાં નિષ્ફળતા વગેરે જેવા અનેક પરિબળો જવાબદાર છે.

ઉચ્ચ શિક્ષણના વિદ્યાર્થીઓમાં આપઘાતના બનાવો અંગેની ચર્ચા આ સ્થળે આ પહેલા પણ થઇ ચુકી છે પરંતુ નેશનલ ટાસ્ક ફોર્સના હાલમાં આવેલા અહેવાલની ચર્ચા ખાસ એટલા માટે જરૂરી છે કે આ ઉચ્ચ શિક્ષણની કહેવાતી સંસ્થાઓમાં વિદ્યાર્થીઓમાં આત્મહત્યાની સમસ્યાને હાથ ધરવા માટે સજ્જતા ખૂબ ઓછી જણાઇ છે. જૂન ૨૦૨૬માં સાર્વજનિક કરાયેલા આ અહેવાલમાં નોંધવામાં આવ્યું હતું કે, તમામ આઈઆઈટીના ફેકલ્ટી સભ્યો માનસિક સ્વાસ્થ્યની સમસ્યાઓનો ઉકેલ લાવવા માટે પોતાને અસક્ષમ અનુભવતા હતા અને ૯૦ ટકા ફેકલ્ટી પાસે આવી સંવેદનશીલ ચિંતાઓ ધરાવતા વિદ્યાર્થીઓને સહયોગ આપવા માટે યોગ્ય તાલીમનો અભાવ હતો.

સમિતિના અહેવાલ મુજબ, 23 IITs સહિત 31 કેન્દ્રિય ભંડોળથી ચાલતી સંસ્થાઓ તરફથી મળેલા પ્રતિસાદો દર્શાવે છે કે, 18 સંસ્થાઓમાં ઓછામાં ઓછા એક માનસિક સ્વાસ્થ્ય સેવા પ્રદાતા (કાઉન્સિલર/નિષ્ણાત) હતા, પરંતુ માત્ર ચાર સંસ્થાઓએ જ શિક્ષકો માટેના માર્ગદર્શન કાર્યક્રમો માટે ઔપચારિક તાલીમની જાણ કરી હતી, અને માત્ર 10 સંસ્થાઓએ સાથી વિદ્યાર્થીઓના સહકાર માટેના પ્રયાસો માટે ઔપચારિક તાલીમ આપી હોવાનું જણાવ્યું હતું. સમિતિએ નોંધ્યું હતું કે સંસ્થાઓમાં “કાઉન્સિલર” શબ્દનો ઉપયોગ અસંગત રીતે કરવામાં આવ્યો હતો, જેના કારણે ખરેખર કેટલા તાલીમબદ્ધ માનસિક-સ્વાસ્થ્ય નિષ્ણાતો ઉપલબ્ધ હતા તેનું મૂલ્યાંકન કરવું મુશ્કેલ બન્યું હતું.

ખરેખર તો ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓએ પોતે જ પોતાને ત્યાંનો માહોલ સુધારવા માટે પગલા ભરવા જોઇએ અને વિવિધ કાર્યક્રમો અમલમાં મૂકવા જોઇએ. IIT ખડગપુરે એક નવી પહેલ અમલમાં મૂકી છે, જે અંતર્ગત વિદ્યાર્થીઓ ઇલેક્ટ્રોનિક ઉપકરણો બાજુ પર મૂકીને એકબીજા સાથે વાતચીત કરવા પ્રોત્સાહિત થાય અને એકલતા દૂર કરી શકાય તે માટે સાંજના સમયે પાવર બ્લેકઆઉટ  કરવામાં આવે છે.

IIT ગુવાહાટીનું ‘નો યોર નેબર’ (તમારા પાડોશીને ઓળખો) અભિયાન પણ આ જ રીતે સાથી વિદ્યાર્થીઓ વચ્ચેના સંબંધોને મજબૂત કરવાનો ગોલ ધરાવે છે. અભ્યાસક્રમમાં સુધારો, કેમ્પસ પર વેલનેસ અને કાઉન્સેલિંગ સેન્ટરો, વેલનેસ વેબસાઇટ્સ અને એપ્લિકેશન્સ, ગેટકીપર ટ્રેનિંગ તથા એવા અન્ય પગલાંઓમાં સામેલ છે જે વિવિધ IITs દ્વારા વિદ્યાર્થીઓના માનસિક સ્વાસ્થ્યનું રક્ષણ કરવા અને આત્મહત્યાઓ રોકવા માટે લેવામાં આવ્યા છે. આ બધી પહેલ કરવામાં આવી તે સારી બાબત છે પરંતુ ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓના કેમ્પસોમાંનો માહોલ સુધારવો પણ ઘણો જરૂરી છે.

રેગિંગ જેવી પ્રવૃતિઓ માટે ઝીરો ટોલરન્સ અપનાવવું જોઇએ, બીજી બાજુ શિસ્તના નામે ખાસ કરીને હોસ્ટેલના પદાધિકારીઓ વિદ્યાર્થીઓ સાથે અતિ કઠોર વર્તન કરે, જ્યાં સહાનુભૂતિની જરૂર હોય ત્યાં બિન સહાનુભૂતિપૂર્ણ વર્તન કરે તે અટકવું જોઇએ. આ માટે સ્ટાફને ખાસ તાલીમ અપાવી જોઇએ. કેમ્પસોમાં જ્ઞાતિવાદી ભેદભાવ, નબળા વર્ગના વિદ્યાર્થીઓની પ્રતાડના અટકાવવા માટે પણ ખાસ પગલાઓ જરૂરી છે. ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓના પ્રતિષ્ઠાનોમાં મિત્રાચારીભર્યો અને ન્યાયપૂર્ણ માહોલ સર્જાય તે જરૂરી છે.

Most Popular

To Top