નર્મદાબંધના વિરોધમાં યોજાયેલ આદિવાસી રેલીમાં ખડદડાની નવી વસાહતના ગ્રામસંયોજક નરસિંહ તડવી પણ હાજર રહેલ. ગામનો ભણેલો યુવા આગેવાન હોવાથી તેને ભાષણ કરવા કહેલું. નરસિંહ સફારી સૂટ પહેરીને આવેલ. સભાનું કામકાજ શરૂ થતું હતું ત્યારે નરસિંહ તેના ટેકેદારો સાથે આવી પહોંચ્યો. મારાથી સહેજ કહેવાઈ ગયું, ‘ઓહો, નરસિંહભાઈ આજે વટમાં છો ને!’ બાજુમાં ઊભેલા ટેકેદારે કહ્યું, ‘સાહેબ, મનરેગા યોજના.’ નરસિંહે પ્રત્યુત્તર વાળતાં કહ્યું, ‘એમાં ખોટું શું છે? સાહેબ તમે જ ન્યાય કરો, વિકાસ યોજના સિવાય અમારે ગામડામાં બીજું કંઈ આવકનું સાધન છે?’
મનરેગા યોજનાના ખર્ચ અને થયેલ કામોનું મૂલ્યાંકન કરતાં તે સમયના વડા પ્રધાને બિહારના મુખ્ય પ્રધાનને જાહેરમાં કહેલું છે, ‘મનરેગા યોજના ચાય-પાની કે લિયે હી હૈ, તો કામકાજ કે હિસાબ સે ક્યા મતલબ?’ કોઈ પણ કાર્યમાં માન્ય વળતર અને અમાન્ય વળતર વચ્ચેની ભેદરેખા ઘણી પાતળી અને અસ્થિર રહી છે. ચાણક્યના સમયમાં દૂધ, વિદ્યા અને કલા વેચવી પાપ ગણાતું અને આજે તમામ ચીજો ધીકતો ધંધો આપી શકે છે. એક સમયે કલાકારની કલાનું મૂલ્ય પૈસામાં અંકાય તો અપમાન ગણાતું અને આજે સંગીત, નૃત્ય, નાટકના શોનું એડવાન્સ બુકિંગ શિરસ્તો બની ગયું છે.
સમયાંતરે ધાર્મિક અને સામાજિક જીવનનાં મૂલ્યોમાં પરિવર્તનો આપણે જાણીજોઈને આણ્યાં છે તેમ સહ્યાં પણ છે. તો આર્થિક બાબતોમાં કેટલાક નવા ખ્યાલો અને નવી રસમો બદલાઈ રહ્યાં છે, તો તેનો વિરોધ શા માટે? વિમાનમાં ટિકિટ લેનારને ઊભા રહેવું પડતું નથી, પરંતુ બસ કે ટ્રેનની ટિકિટ ખરીદનારને સીટની ખાતરી મળતી નથી. સામાન્ય માનવીને પ્રવાસખર્ચ ઉપરાંત વધારાનો બેસવાનો ખર્ચ આપવો પડે છે. પાવતી આપીને સ્વીકારતાં આ નાણાં ખુલ્લો ભ્રષ્ટાચાર નથી બનતો? ટપાલ ટીકીટ ચોંટાડેલા પત્રો નિશ્ચિત રીતે પહોંચશે તેની ખાતરી નથી. પત્ર નિશ્ચિત રીતે પહોંચાડવો હોય તો વધારાની ટિકિટ લગાડી પોસ્ટલ સર્ટિફિકેટ કરાવવું પડે છે. આ પદ્ધતિમાં ભ્રષ્ટાચાર નથી?
હિંદુસ્તાનનાં લગભગ તમામ રાજ્યનાં વીજળી નિગમો નિયત દર વસૂલ કરીને પણ જરૂરિયાત મુજબ વીજપુરવઠો આપી શકતાં નથી. આથી ઔદ્યોગિક ગૃહો પોતાની વીજળી જાતે ઉત્પાદિત કરે છે અને નાગરિકો ઘરની છતો પર સોલાર પેનલ લગાવે છે. આ રાજ્યના વીજનિગમોનું ભારણ ઘટાડતી આવકારદાયી કામગીરી છે. છતાં વીજ નિગમો પોતાના ખપપૂરતું ઉત્પાદન કરનાર પાસેથી પણ સરચાર્જ અથવા નફો મેળવે છે. આ પદ્ધતિને સત્યનિષ્ઠ ગણીશું? વાહન ખરીદનાર સેલટેક્સ ભરે છે, છતાં રાજ્ય આજીવન રોડ ટેક્સ અને રસ્તા ઉપર ટોલટેક્સ લે છે! આવી કાર્યપ્રણાલીને ઉઘાડી લૂંટ જ કહી શકાય.
ઉત્સવપ્રિય ગુજરાતના ગરીબ કલ્યાણ મેળા, કૃષિરથ, વાઈબ્રન્ટ, પતંગ મહોત્સવ, કન્યા કેળવણી જેવા આયોજનો માટે સરકારી અધિકારીઓને પોતાની રીતે વ્યવસ્થા કરવા જણાવાય છે ત્યારે ‘મોસાળમાં જમણ ને મા પીરસનાર’ની સ્થિતિ સર્જાય છે. અનુકૂળ ન્યાય પણ ખરીદી શકાય છે અને વિકાસકાર્યોનાં ઝાડને તો ઉધઈ ખાઈ ચૂકી છે. આમ છતાં દેશનો કોમનમેન પ્રામાણિક રહે તેવી અપેક્ષા હાસ્યાસ્પદ નથી?
ગુજરાતના રેવન્યુ વિભાગમાં ખેતીની જમીન બિનખેતીમાં ફેરવવામાં નિશ્ચિત ભાવો ચાલે છે. વિભાગના ભાવો ભરપાઈ કરનારની ફાઈલ ૪૦થી ૪૮ દિવસમાં ક્લિયર થઈ જાય છે, જ્યારે આ પદ્ધતિથી બહાર રહી કોઈ વગદાર વ્યક્તિને પણ જમીન એન.એ. કરાવવી હોય તો ૬થી ૮ માસનો ગાળો સહન કરવો પડે છે. ઉદ્યોગધંધા શરૂ કરવા, ઘરના બાંધકામને મંજૂર કરાવવા કે માલસામાન ફેરવવા માગતા લોકોને પણ આવા અનુભવો થતા રહે છે.
આ સ્થિતિ છતાં સમાજમાં દર્શન એવું ઉપસી રહ્યું છે કે લોકોને પૈસા ખર્ચવામાં વાંધો નથી, પરંતુ વાંધો પોતાનું કામ ન થાય તે સામે છે. બદલાતા સમયમાં જીવન વધુ સ્પર્ધાત્મક અને અનિશ્ચિત બની રહ્યું છે. કોઈ પણ લાભને આવતી કાલ ઉપર મુલતવી રાખવા વ્યક્તિ તૈયાર નથી. આથી શહેર કે ગામડાનો માણસ પૈસા વેરીને પણ પોતાનું કામ કઢાવવામાં જોખમ લેતો થયો છે અને જ્યાં કોઈ પદ્ધતિ આકાર લે છે ત્યાં લોકોની વિશ્વસનીયતા વધે છે.
લાભ લેનાર વ્યક્તિ હોય કે સમૂહ, પૈસા ખર્ચનાર માટે ફરક પડતો નથી. આમ છતાં ટિકિટના છૂટા પૈસા પરત ન આપવાનો અભિગમ વ્યાજબી ગણાતો નથી. ઉકેલ ભ્રષ્ટાચાર સામે બરાડા પાડવામાં નહીં પરંતુ પદ્ધતિઓના વિકાસને પ્રોત્સાહિત કરવામાં રહેલો જણાય છે. વિજ્ઞાન અને ટેકનોલોજીના સહારે રેલવે બુકિંગ, બેંકિંગ, શિક્ષણમાં નિમણૂકો જેવાં ક્ષેત્રોને ભ્રષ્ટાચારના આરોપમાંથી બહાર લાવવા અનિવાર્ય બન્યું છે. ભ્રષ્ટાચાર વિરોધીઓનો આક્ષેપ ભાવાત્મક અને સાપેક્ષ છે, પરંતુ પ્રજાએ અપનાવેલો ઉકેલ ઘણી વખત સહેવી પડતી તકલીફોના ઈલાજરૂપે પદ્ધતિનો ભાગ બની જાય છે. માત્ર ભ્રષ્ટાચારના વિરોધમાં ઉકેલ નથી મળવાનો. પીડા વેઠી ચૂકેલા બૌદ્ધિકોએ ભાવુકતામાં ખેંચાયા વિના રોગના કારણ તરફ જોઈ નવા ઉકેલ માટે વિચારવું પડશે.
નૈતિક વ્યવહારના હિમાયતીઓને ખોફ વ્યક્તિગત લાભ સામે છે, પરંતુ રાજ્ય કે રાજકીય પક્ષો જાહેર રીતે પ્રજાનું શોષણ કરે તો તેને કેવી રીતે સ્વીકૃતિ આપી શકાય તે પણ સળગતો પ્રશ્ન છે, જે વિકાસ આડે બંધ બની ઊભો છે. આર્થિક વ્યવહારના ભ્રષ્ટાચારનો વિરોધ કરનારનું દૃષ્ટિબિંદુ લોકોની નૈતિકતામાં આવેલ ગિરાવટ ઉપર કેન્દ્રિત થાય છે, પરંતુ સમાજનો અનુભવ જુદી દિશામાં ચાલી રહ્યો છે. રાષ્ટ્રના હેતુને પ્રાધાન્ય આપતા વ્યક્તિ, સમૂહ, સમાજ કે રાજકીય પક્ષોની અ-નૈતિક આવકને પદ્ધતિનાં માધ્યમથી રોકીએ તો જ સ્વાર્થી જીવનવિચાર તૂટશે.
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.