30 બોલમાં સદી સહિત એકસાથે બન્યા 8 મોટા રેકોર્ડ
34 બોલમાં 108 રનની તોફાની ઇનિંગ્સ, 11 છગ્ગા અને 9 ચોગ્ગા; ભારતે અફઘાનિસ્તાનને 127 રનથી હરાવી T20I સિરીઝમાં 3-0થી ક્લીન સ્વીપ કર્યું : અફઘાનિસ્તાન સામેની ત્રીજી અને અંતિમ T20I મેચમાં ભારતીય ઓપનર અભિષેક શર્માએ એવી તોફાની બેટિંગ કરી કે અફઘાનિસ્તાનના બોલરો પાસે તેનો કોઈ જવાબ રહ્યો નહીં. દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમમાં 17 સપ્ટેમ્બરે રમાયેલી મેચમાં અભિષેકે માત્ર 30 બોલમાં સદી ફટકારીને ભારતીય T20I ક્રિકેટમાં સૌથી ઝડપી સદીનો નવો રેકોર્ડ બનાવ્યો. તેણે પોતાની ઇનિંગ્સમાં 34 બોલમાં 108 રન બનાવ્યા, જેમાં 9 ચોગ્ગા અને 11 છગ્ગાનો સમાવેશ થયો. અંતે રાશિદ ખાને તેને આઉટ કર્યો.
અભિષેકની આ સદી સાથે તેણે રોહિત શર્માનો 9 વર્ષ જૂનો રેકોર્ડ તોડી નાખ્યો. રોહિતે 2017માં શ્રીલંકા સામે 35 બોલમાં T20I સદી ફટકારી હતી, જ્યારે અભિષેકે આ સિદ્ધિ માત્ર 30 બોલમાં મેળવી. એટલું જ નહીં, ટેસ્ટ રમતા દેશના કોઈ બેટ્સમેન દ્વારા T20Iમાં બનાવવામાં આવેલી આ સૌથી ઝડપી સદી બની છે. આ સમગ્ર T20I ક્રિકેટમાં ત્રીજી સૌથી ઝડપી સદી છે. એસ્ટોનિયાના સાહિલ ચૌહાણે 27 બોલમાં અને તુર્કીના મુહમ્મદ ફહાદે 29 બોલમાં સદી ફટકારી હતી, જ્યારે અભિષેકે 30 બોલમાં આ સિદ્ધિ મેળવી છે.અભિષેકે આ મેચમાં એક વધુ ઐતિહાસિક સિદ્ધિ મેળવી. તે T20I ક્રિકેટના ઇતિહાસમાં 30 કે તેથી ઓછા બોલમાં બે સદી ફટકારનાર પ્રથમ બેટ્સમેન બન્યો છે. અગાઉ તેણે ઇંગ્લેન્ડ સામે 2025માં 37 બોલમાં સદી બનાવી હતી. હવે અફઘાનિસ્તાન સામે 30 બોલમાં સદી સાથે તેની T20I સદીઓની સંખ્યા ત્રણ થઈ ગઈ છે.
મેચના પાવરપ્લેમાં પણ અભિષેકે ધમાકેદાર બેટિંગ કરી હતી. પ્રથમ છ ઓવરમાં તેણે માત્ર 22 બોલમાં 76 રન ફટકાર્યા. આ સાથે પુરુષોના T20Iમાં પ્રથમ છ ઓવરમાં કોઈ એક બેટ્સમેન દ્વારા બનાવવામાં આવેલો સૌથી મોટો વ્યક્તિગત સ્કોર નોંધાયો. અભિષેકે શરૂઆતથી જ અફઘાનિસ્તાનના બોલરો પર હુમલો શરૂ કરી દીધો હતો અને પાવરપ્લે દરમિયાન રાશિદ ખાન જેવા અનુભવી સ્પિનરને પણ આક્રમક રીતે રમ્યો હતો.અભિષેકની ઇનિંગ્સનો વધુ એક ખાસ આંકડો એ રહ્યો કે તેના 94.4 ટકા રન બાઉન્ડરીમાંથી આવ્યા, જે T20I ક્રિકેટમાં એક ઇનિંગ્સ માટેનો ઐતિહાસિક આંકડો છે. તેણે 11 છગ્ગા ફટકાર્યા, જે ભારતીય પુરુષ બેટ્સમેન માટે એક T20I ઇનિંગ્સમાં બીજા સૌથી વધુ છગ્ગા છે. તેની સ્ટ્રાઇક રેટ પણ 300થી વધુ રહી હતી, જે તેની વિસ્ફોટક બેટિંગ દર્શાવે છે.
અભિષેકના તોફાન બાદ ભારતે 20 ઓવરમાં 221/7નો વિશાળ સ્કોર ઊભો કર્યો. સંજુ સેમસને પણ અડધી સદી ફટકારીને મહત્વપૂર્ણ યોગદાન આપ્યું. 222 રનના લક્ષ્યાંકનો પીછો કરવા ઉતરેલી અફઘાનિસ્તાનની ટીમ ભારતીય બોલિંગ સામે સંપૂર્ણપણે નિષ્ફળ રહી અને માત્ર 94 રનમાં ઓલઆઉટ થઈ ગઈ. ભારતે આ મેચ 127 રનથી જીતી અને ત્રણ મેચની T20I સિરીઝમાં અફઘાનિસ્તાનનો 3-0થી સફાયો કર્યો.અભિષેકની આ 108 રનની ઇનિંગ્સ સાથે તેણે ત્રણ મેચની સિરીઝમાં કુલ 229 રન બનાવ્યા. ભારત માટે આ મેચ માત્ર સિરીઝ જીત પૂરતી રહી નહીં, પરંતુ અભિષેક શર્માની વિસ્ફોટક બેટિંગે T20I ક્રિકેટના રેકોર્ડ બુકમાં અનેક નવા અધ્યાયો ઉમેર્યા. 30 બોલમાં સદી,રોહિતનો રેકોર્ડ તોડવો, ટેસ્ટ રમતા દેશ સામે સૌથી ઝડપી સદી, બે ઝડપી સદીનો અનોખો રેકોર્ડ અને પાવરપ્લેમાં ઐતિહાસિક સ્કોર અભિષેકે એક જ મેચમાં રેકોર્ડની જાણે સુનામી લાવી દીધી.