નામ દાખલ કરવાની કાર્યવાહી માટે આરોપીએ લાંચની માંગણી કરી
જાંબુઘોડા મામલતદાર કચેરીમાં જ રૂપિયિ સ્વીકારતા સુરપાલસિંહ ઝાલા રંગેહાથ દબોચાયો
વડોદરા, તા. 5
જમીનના વેચાણ દસ્તાવેજ બાદ સરકારી રેકોર્ડમાં નામ દાખલ કરવાની કાર્યવાહી માટે અરજદાર પાસેથી રૂ. 25 હજારની લાંચ માંગનાર જાંબુઘોડા મામલતદાર કચેરીનો ક્લાર્ક એસીબીના છટકામાં રંગેહાથ ઝડપાઈ ગયો હતો. મહીસાગર એસીબીની ટીમે ગોઠવેલી ટ્રેપમા આરોપી લાંચની રકમ સ્વીકારતાં આબાદ ઝડપાઈ ગયો હતો.
જાંબુઘોડા વિસ્તારમાં રહેતા અરજદારે જમીન વેચાણ રાખી હતી અને વેચાણ દસ્તાવેજ થયા બાદ જમીનમાં નામ દાખલ કરવા માટે જાંબુઘોડા મામલતદાર કચેરીમાં અરજી કરવામાં આવી હતી. આ અરજી અંગેની કાર્યવાહી કરી જમીનની નોંધ પાડવા માટે એટીવીટી શાખામાં ક્લાર્ક તરીકે ફરજ બજાવતા સુરપાલસિંહ ભુરસિંહ ઝાલા (ઉં.વ. 38) દ્વારા રૂ.25 હજારની લાંચની માંગણી કરવામાં આવી હતી.
અરજદાર લાંચની રકમ આપવા માંગતા ન હોવાથી તેમણે મહીસાગર એસીબીનો સંપર્ક કરી ફરિયાદ નોંધાવી હતી. જેના આધારે એ.સી.બી.ની ટીમે શનિવારના રોજ જાંબુઘોડા મામલતદાર કચેરી ખાતે લાંચનું છટકું ગોઠવ્યું હતું.
છટકા દરમિયાન અરજદાર આરોપી સાથે વાતચીત કરી લાંચની રકમ રૂ.25 હજાર આપી હતી. આરોપીએ લાંચની રકમ સ્વીકારતાં જ એસીબીની ટીમે તેને રંગેહાથ ઝડપી લીધો હતો. આરોપી પાસેથી લાંચની સંપૂર્ણ રૂ.25 હજારની રકમ રિકવર કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે પકડાયેલા આરોપી સુરપાલસિંહ ઝાલા ગોધરાની જૈન સમ્રાટ સોસાયટીમાં રહે છે અને મૂળ મહીસાગર જિલ્લાના લુણાવાડા તાલુકાના કાકચીયા ગામનો રહેવાસી હોવાનું જાણવા મળ્યું છે.