Gujarat

સુરતના હીરા વેપારીને ₹425 કરોડનો દંડ ફટકારાયો,પણ આધાર હતો ખોટા ચુકાદાઓનો

સુરતના હીરા વેપારી વિપુલ ગઢિયાને કસ્ટમ્સ વિભાગ દ્વારા ફટકારવામાં આવેલા આશરે ₹425.27 કરોડના જંગી દંડના મામલે સુપ્રીમ કોર્ટે મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો છે. સુપ્રીમ કોર્ટે કસ્ટમ્સ અધિકારી દ્વારા પસાર કરાયેલો દંડનો આદેશ રદ કરી દીધો છે. આ કેસમાં સૌથી ચોંકાવનારી બાબત એ સામે આવી કે અધિકારીના નિર્ણયમાં એવા કાયદાકીય ચુકાદાઓ અને સંદર્ભોનો આધાર લેવામાં આવ્યો હતો, જે હકીકતમાં અસ્તિત્વમાં જ નહોતા.આ સમગ્ર મામલો સુરતના હીરા વેપારી વિપુલ ગઢિયા સાથે સંકળાયેલો છે. એક હીરાની ખેપને લઈને કસ્ટમ્સ વિભાગે કાર્યવાહી શરૂ કરી હતી. લેબોરેટરી તપાસ બાદ આ હીરાને લેબમાં બનાવાયેલા હીરા તરીકે જાહેર કરવામાં આવ્યા હતા. ત્યારબાદ કસ્ટમ્સ અધિકારીએ કસ્ટમ્સ કાયદાની કલમ 114 હેઠળ કાર્યવાહી કરીને ગઢિયા સામે આશરે ₹425.27 કરોડનો દંડ ફટકાર્યો હતો.


કસ્ટમ્સના આ નિર્ણયને વેપારીએ ગુજરાત હાઇકોર્ટમાં પડકાર્યો હતો. જોકે હાઇકોર્ટે તેમની અરજી ફગાવી દેતાં મામલો આખરે સુપ્રીમ કોર્ટ સુધી પહોંચ્યો હતો.સુપ્રીમ કોર્ટમાં સુનાવણી દરમિયાન કસ્ટમ્સ અધિકારીના આદેશમાં દર્શાવવામાં આવેલા કાયદાકીય સંદર્ભોની તપાસ કરવામાં આવી. ત્યારે જાણવા મળ્યું કે નિર્ણયમાં કેટલાક એવા ચુકાદાઓનો ઉલ્લેખ હતો, જે વાસ્તવમાં અસ્તિત્વમાં જ નહોતા. કેટલાક વાસ્તવિક ચુકાદાઓના સંદર્ભો પણ આપવામાં આવ્યા હતા, પરંતુ તેમાં એવો કાયદાકીય સિદ્ધાંત જોવા મળ્યો નહોતો, જેના આધારે અધિકારીએ ₹425 કરોડથી વધુનો દંડ લાદ્યો હતો.આ કેસમાં AI એટલે કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના ઉપયોગે પણ ખાસ ધ્યાન ખેંચ્યું. અધિકારી દ્વારા નિર્ણય તૈયાર કરતી વખતે AIની મદદ લેવામાં આવી હોવાની બાબત સામે આવી હતી. સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ કર્યું કે AI કાયદાકીય કામમાં સહાયક સાધન બની શકે છે, પરંતુ AI દ્વારા મળેલી માહિતીની ચકાસણી કર્યા વગર તેને અંતિમ કાયદાકીય આધાર બનાવવો યોગ્ય નથી.


કોર્ટે મહત્વપૂર્ણ ટિપ્પણી કરતાં જણાવ્યું કે AI દ્વારા આપવામાં આવેલી માહિતીમાં ખોટા અથવા અસ્તિત્વમાં ન હોય તેવા કાયદાકીય ચુકાદાઓ અને સંદર્ભો આવી શકે છે. તેથી કોઈપણ કાયદાકીય અધિકારીએ AI પાસેથી મળેલી માહિતીનું સ્વતંત્ર રીતે વેરિફિકેશન કરવું જરૂરી છે.ખાસ કરીને જ્યારે કોઈ વ્યક્તિ સામે કરોડો રૂપિયાનો દંડ અથવા ગંભીર કાયદાકીય કાર્યવાહી કરવામાં આવી રહી હોય, ત્યારે નિર્ણયનો દરેક આધાર ચોક્કસ અને વિશ્વસનીય હોવો જરૂરી છે.તેમજ સુપ્રીમ કોર્ટે કુદરતી ન્યાય અને યોગ્ય કાયદાકીય પ્રક્રિયાના સિદ્ધાંતોને પણ મહત્વ આપ્યું. ખોટા કાયદાકીય સંદર્ભોના આધારે તૈયાર કરાયેલા આદેશને વિશ્વસનીય ન ગણાવી શકાય, તેથી કોર્ટે ગુજરાત હાઇકોર્ટનો આદેશ તેમજ કસ્ટમ્સ અધિકારીનો મૂળ દંડનો આદેશ બંને રદ કરી દીધા.


હવે સમગ્ર મામલો સમાન કક્ષાના અન્ય કસ્ટમ્સ અધિકારી સમક્ષ નવેસરથી ચલાવવામાં આવશે. અગાઉ દંડ ફટકારનાર અધિકારી આ નવી કાર્યવાહીનો ભાગ નહીં રહે. મૂળ આદેશ તૈયાર કરનાર અધિકારી સામે કાયદા મુજબ કાર્યવાહી કરવી કે નહીં તેનો નિર્ણય પણ નિયુક્તિ સત્તાધિકારી પર છોડવામાં આવ્યો છે.આ ચુકાદો સુરતના હીરા વેપારી માટે મોટી રાહત સાથે સાથે સરકારી તંત્રમાં AIના ઉપયોગ અંગે પણ મહત્વનો સંદેશ આપે છે,ટેક્નોલોજી નિર્ણય લેવામાં મદદ કરી શકે, પરંતુ કાયદાની જગ્યાએ માનવીય ચકાસણી અને જવાબદારી લઈ શકતી નથી.

Most Popular

To Top