Business

હોટેલો, રેસ્તોરાંઓમાં સ્વચ્છતા અને આરોગ્યના નિયમોનું કડક પાલન કરાવાય તે ખૂબ જરૂરી છે

વાસી દૂધ, સડેલું માંસ, શાકભાજી પર ફૂગ–આ બધું કોઈ મામૂલી રસ્તા કિનારે આવેલી ખાણી-પીણીની દુકાને નહીં, પરંતુ બેંગલુરુની તાજ યશવંતપુર અને શાંગરી-લા જેવી સૌથી વૈભવશાળી હોટલો અને રિસોર્ટ્સમાં જોવા મળ્યું છે. શહેરની કેટલીક સૌથી પ્રતિષ્ઠિત લક્ઝરી હોટલોમાં કરવામાં આવેલા વ્યાપક નિરીક્ષણ દરમિયાન ખાદ્ય સુરક્ષાના નિયમોના ઉલ્લંઘનની એક લાંબી યાદી સામે આવી છે, જેના પગલે કર્ણાટકના ખાદ્ય સુરક્ષા અને ડ્રગ એડમિનિસ્ટ્રેશન વિભાગે કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે. આ તપાસ અભિયાનમાં શહેરભરની પ્રીમિયમ હોસ્પિટાલિટી સંસ્થાઓને નિશાન બનાવવામાં આવી હતી.  આ ઓપરેશનના ભાગરૂપે, અધિકારીઓએ લેબોરેટરી ટેસ્ટિંગ માટે વિવિધ સંસ્થાઓમાંથી ખાદ્ય પદાર્થોના ૩૫ સેમ્પલ એકત્રિત કર્યા હતા. આ સેમ્પલ્સમાં ચિકન, મટન, માછલી, ખાદ્ય તેલ, દૂધ, મસાલા, ચાનો પાવડર, ચીઝ, ટોમેટો સોસ, લીંબુનો રસ અને અન્ય ખાદ્ય ચીજોનો સમાવેશ થાય છે. સત્તાવાળાઓએ જણાવ્યું હતું કે સેમ્પલ્સને વિગતવાર વિશ્લેષણ માટે પ્રયોગશાળાઓમાં મોકલવામાં આવ્યા છે, અને આગળની કાર્યવાહી તેના રિપોર્ટના આધારે કરવામાં આવશે.

આ તપાસમાં વિવિધ હોટલોમાં અનેક કથિત ઉલ્લંઘનો સામે આવ્યા છે. અધિકારીઓએ અસ્વચ્છ રસોડા અને સ્ટોરેજ એરિયા, એક્સપાયરી ડેટ  વીતી ગઈ હોય તેવા ખાદ્ય પદાર્થો, શાકભાજી પર ફૂગ, ખોટી રીતે ખાદ્ય પદાર્થોની હેન્ડલિંગ પ્રક્રિયા, ખોટી બ્રાન્ડ વાળા ખાદ્ય પદાર્થોની હાજરી, ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (FSSAI)ના લેબલિંગ નિયમોનું અનાદર, અને શાકાહારી તથા માંસાહારી ખાદ્ય પદાર્થો માટે અલગ સ્ટોરેજ સુવિધા જાળવવામાં નિષ્ફળતા અંગેનો અહેવાલ આપ્યો છે.

તપાસ બાદ ખાદ્ય સુરક્ષા અધિકારીઓએ સંબંધિત ફૂડ બિઝનેસ ઓપરેટર્સને નોટિસ ફટકારી છે. અધિકારીઓએ જણાવ્યું હતું કે જ્યાં પણ નિયમોનું ઉલ્લંઘન જોવા મળ્યું છે તે સંસ્થાઓ સામે કાયદેસરની કાર્યવાહી શરૂ કરવામાં આવશે. હવે કાર્યવાહી કરવાની વાત થાય છે પરંતુ સાચી વાત તો એ છે કે સમયાંતરે ચકાસણીઓ કરવામાં આવે અને નિયમોનું પાલન કરાવવામાં આવે તો હોટેલો અને રેસ્તોરાંઓ આટલી હદે બેદરકારી દાખવવાની હિંમત જ નહીં કરે. અહીં  વિચારવાની વાત એ છે કે આટલી મોટી અને પ્રતિષ્ઠિત કહેવાતી હોટેલોના રસોડાઓમાં આવી હાલત હોય તો સામાન્ય હોટેલો કે રેસ્તોરાંઓમાં તો કેવી હાલત રહેતી હશે?

કઇ હોટેલોમાં આ ખરાબ ખાદ્ય સામગ્રી મળી આવી હતી તેમના નામો અને વિગતો પણ જાણવા જેવા છે. ધ લલિત અશોક ખાતે અધિકારીઓએ ૭૬ કિલો માંસ, ૨૦૦ કિલો શાકભાજી અને ૩૨ લીટર એક્સપાયર થયેલું દૂધ જપ્ત કરીને તેનો નાશ કર્યો હતો. શાંગરી-લા બેંગલુરુ: ખાતેથી ૧૫ કિલો માંસ જપ્ત કરવામાં આવ્યું હતું. ફોર સીઝન્સ હોટેલ બેંગલુરુ: ખાતે અધિકારીઓએ ૧૯ કિલો માંસ જપ્ત કર્યું હતું. વિવંતા બેંગલુરુ વ્હાઇટફિલ્ડ: ખાતે ત્રણ કિલો એક્સપાયરી ડેટ વાળી બેકરી પ્રોડક્ટ્સનો નાશ કરવામાં આવ્યો હતો. તાજ યશવંતપુર: ખાતે અધિકારીઓએ ૭૨ કિલો માંસ અને માછલી જપ્ત કરી હતી. સૌથી મોટી રિકવરી રેડિસન બ્લુ (ધ એટ્રિયા) ખાતે થઈ હતી, જ્યાં સત્તાવાળાઓએ ૧૦૫ કિલો એક્સપાયર થયેલા ખાદ્ય પદાર્થો જપ્ત કરીને તેનો નાશ કર્યો હતો.

આ જથ્થામાં ૫૦ કિલો ચિકન, ૨૫ કિલો માંસ, ૨૩ કિલો માછલી અને ૭ કિલો શાકભાજીનો સમાવેશ થાય છે! ફરી એકવાર એ વાત દોહરાવીએ કે આટલી મોટી અને પ્રતિષ્ઠિત કહેવાતી હોટેલો જો આવી બેદરકારી દાખવતી હોય તો નાની અને સામાન્ય રેસ્તોરાંઓમાં તો કેવી સ્થિતિ હશે? અને રસ્તા પર ચાલતી ખાણીપીણીની રેંકડીઓ અને સ્ટોલોની તો વાત જ શું કરવી? જો કે બધી જ જગ્યાએ કંઇ આવી બેદરકારી હોતી નથી. કેટલીક નાની ઇટરીઓ કે રેસ્તોરાંઓમાં પણ સ્વચ્છતાની ખૂબ કાળજી રાખવામાં આવે છે પરંતુ આપણે ત્યાં આવું અપવાદરૂપ કિસ્સાઓમાં જોવા મળે છે. મોટા ભાગના રેસ્તોરાંઓ ગ્રાહકોને તેમના કિચન જોવા દેતા નથી. વાત સ્પષ્ટ છે – તેમને પોલ ખુલી જવાનો ભય હોય છે.

નબળી સ્વચ્છતાના કારણે ખોરાક બનાવવાની અને તેના સંગ્રહ કરવાની જગ્યાઓમાં ઉંદર, વંદા અને માખીઓની હાજરી હોવી એ આપણે ત્યાં રેસ્તોરાંઓના કિચનમાં સામાન્ય બાબત છે. વળી  ફૂડ હેન્ડલર્સ (ખોરાક બનાવનાર/પીરસનાર) માં વ્યક્તિગત સ્વચ્છતાનો અભાવ એ ભારતમાં મોટી સમસ્યા છે. હોટેલો કે રેસ્તોરાંઓ જ નહીં, રેલવે ટ્રેનોની કેટરિંગ સર્વિસના કિચનમાં પણ ઘણી વખત ભયંકર અસ્વચ્છતા જોા મળે છે અને આ બધી બાબતો છેવટે તો લોકોના આરોગ્ય સાથે ચેડા કરનારી છે. આ બાબતે કડક નિયમો ઘડવામાં આવે અને તેમનું ચુસ્ત રીતે પાલન કરાવવામાં આવે તે ખૂબ જરૂરી છે. સરકારી તંત્રો આ બાબતે ભારે બેદરકરી દાખવે છે અને આ બધુ઼ ચાલતુ રહે છે.  

Most Popular

To Top