ભારતની સૌથી મોટી પ્રાઈવેટ પોર્ટ ઓપરેટર કંપની અદાણી પોર્ટ્સ એન્ડ સ્પેશિયલ ઈકોનોમિક ઝોન (APSEZ) બ્રિટનના મરીન બિઝનેસમાં મોટો ધમાકો કરવાની યોજના બનાવી રહી છે. અહેવાલો મુજબ, અદાણી ગ્રુપ યુકેની સૌથી મોટી પોર્ટ ઓપરેટર કંપની ‘એસોસિએટેડ બ્રિટિશ પોર્ટ્સ’ (ABP) માં બહુમતી હિસ્સેદારી ખરીદવા માટે બોલી લગાવવા પર ગંભીરતાથી વિચાર કરી રહ્યું છે.
વર્ષ 2031 સુધીમાં વિશ્વની સૌથી મોટી ગ્લોબલ ટ્રાન્સપોર્ટ યુટિલિટી બનવાના લક્ષ્યાંકને હાંસલ કરવા માટે અદાણી ગ્રુપ માટે આ વિદેશી સંપાદન ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે.
હિસ્સેદારી વેચાણ અને યુકે પોર્ટ્સનું મહત્વ
મળતી માહિતી મુજબ, ABP કંપનીની લગભગ 63.9% કંટ્રોલિંગ હિસ્સેદારી હાલ વેચાણ માટે ઉપલબ્ધ છે. આ હિસ્સેદારી કેનેડાના બે મોટા પેન્શન ફંડ્સ પાસે છે, જેમણે પોતાના શેર વેચવા માટે બેંકર્સની નિમણૂક પણ કરી દીધી છે.
- કેનેડિયન ફંડ્સનો હિસ્સો: કેનેડા પેન્શન પ્લાન ઇન્વેસ્ટમેન્ટ બોર્ડ (CPPIB) પાસે 30% અને ઓન્ટારિયો મ્યુનિસિપલ એમ્પ્લોઇઝ રિટાયરમેન્ટ સિસ્ટમ (OMERS) પાસે 33.88% હિસ્સેદારી છે.
- અન્ય શેરહોલ્ડર્સ: સિંગાપોરનો GIC (20%), કુવૈત ઇન્વેસ્ટમેન્ટ ઓથોરિટીનો રેન હાઉસ ઇન્ફ્રાસ્ટ્રક્ચર (10%) અને હર્મિસ ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો એન્કરેજ પોર્ટ્સ LLP હિસ્સો ધરાવે છે.
- વિશાળ નેટવર્ક: ABP બ્રિટનના ઇંગ્લેન્ડ, સ્કોટલેન્ડ અને વેલ્સમાં 21 મહત્વના પોર્ટ્સનું સંચાલન કરે છે, જેમાં દેશનો સૌથી મોટો પોર્ટ ‘ઇમિહામ’ અને દર વર્ષે £40 અબજનું એક્સપોર્ટ કરતો ‘સાઉથેમ્પ્ટન’ પોર્ટ સામેલ છે.
- ઓફશોર વાઇન્ડ ગ્રીડ: ABP બ્રિટનના ઓફશોર વાઇન્ડ એનર્જી સેક્ટરની 50% થી વધુ પ્રવૃત્તિઓ માટે મેન્ટેનન્સ સર્વિસ પૂરી પાડે છે.
નાણાકીય આંકડા અને અદાણીનું ગ્લોબલ વિસ્તરણ
ABP કંપની યુકેના દરિયાઈ વેપારનો લગભગ 25% હિસ્સો કંટ્રોલ કરે છે. વર્ષ 2025માં આ 21 પોર્ટ્સે 42.5 મિલિયન ટન બલ્ક કાર્ગો હેન્ડલ કરીને £819.8 મિલિયન (આશરે Rs 10,400 કરોડ) નો રેવન્યુ મેળવ્યો હતો.
- અદાણીની વર્તમાન ક્ષમતા: APSEZ ભારતમાં 15 અને વિદેશમાં (ઇઝરાયેલ, તાંઝાનિયા, શ્રીલંકા અને ઓસ્ટ્રેલિયા) 4 ગ્લોબલ પોર્ટ્સ ચલાવે છે. નાણાકીય વર્ષ 2026 માં કંપનીએ કુલ 501 મિલિયન ટન કાર્ગો હેન્ડલ કર્યો છે.
- ભવિષ્યનું લક્ષ્યાંક: અદાણી પોર્ટ્સ વર્ષ 2030 સુધીમાં પોતાની કાર્ગો ક્ષમતા 1 અબજ ટન કરવાની યોજના ધરાવે છે.
- રૂપિયા 1 લાખ કરોડનું કેપેક્સ: કંપની આગામી 5 વર્ષમાં Rs 1 લાખ કરોડનું રોકાણ કરશે, જેમાંથી Rs 63,000 કરોડ દેશના અને Rs 7,000 કરોડ વિદેશી પોર્ટ્સના વિસ્તરણ માટે વપરાશે.
જો આ સોદો પાર પડશે તો બ્રિટનના ચોથા ભાગના દરિયાઈ વેપાર પર અદાણી ગ્રુપનું વર્ચસ્વ સ્થાપિત થઈ જશે.