સંજય દત્ત વિશે લખું છું તો હું 25-26 વર્ષ જૂની યાદોની ખીણમાં ઊછળીને પડતો હોઉં એવું લાગે છે. 1990માં કોલેજમાંથી નીકળીને હું રમેશ તલવાર દિગ્દર્શિત ફિલ્મ ‘સાહિબા’માં ત્રીજો આસિસ્ટન્ટ હતો, જેમાં સંજુ હીરો હતો. કેમેરા સામે પહેલીવાર શોટ-સીન-ટેક નંબર બોલીને લાકડાની સ્લેટની પટ્ટી પછાડી તો સંજુના ચહેરા પર ચોકની ખૂબ બધી ભૂક્કી ઊડી. શોટ કટ થયો. બધાં મને ઘૂરકીને જોવા માંડ્યા, પણ સંજુએ કહ્યું, “રિલેક્સ!” પછી તેણે મારો હાથ પકડીને ક્લેપ મારતાં શીખવ્યું. થોડાં વર્ષ પહેલાં જ્યારે સંજુબાબાને જેલ થઈ ત્યારે મને થયું કે, કાશ! ત્યારે હું સંજુને કહી શકત, “સંજુબાબા, રિલેક્સ!”

‘સાહિબા’ ફિલ્મના મૈસૂરના શૂટિંગમાં નિર્માતાએ સ્ટાર્સને ફાઇવ-સ્ટાર હોટેલમાં અને અમને આસિસ્ટન્ટોને બહુ ગંદી હોટેલમાં ઉતારેલા. સંજુએ મારું મોઢું પડેલું જોયું અને તરત જ કહ્યું, “મારી રૂમમાં આવી જા.” પરીકથાની જેમ લલિતા મહેલ પેલેસના આલિશાન પ્રેસિડેન્શિયલ રૂમમાં રહેવાનો મોકો મળ્યો. કોઈ પણ ઓળખાણ, લાભ કે ગણિત વિના તેણે અજાણ્યા છોકરાને સાચવી લીધો. એ જ ફિલ્મના શૂટિંગમાં વર્કરોને પૈસા ન મળે ત્યારે સંજુ યુનિયન લીડરની જેમ શૂટિંગ રોકીને નિર્માતાના નાક નીચેથી પૈસા કઢાવતો. સંજુને બોમ્બબ્લાસ્ટ કેસમાં સજા થઈ ત્યારે મને થયું કે મેં જોયેલા આ સંજય દત્તની આ માનવીય બાજુ હવે કોણ માનશે?
‘સાહિબા’ ફિલ્મમાં મનાલીમાં એક એક્શન સિક્વન્સમાં સાંકડા પહાડી રસ્તાઓ વચ્ચે ઘેટાંનું ટોળું સંજુને રોકે છે અને સંજુ કેવી રીતે ઘોડો કૂદાવીને રસ્તો કરે છે એવું દૃશ્ય હતું. ડિરેક્ટરે મને કહ્યું, “તું એક્શન ડિરેક્ટર સાથે જઈને આ સીન શૂટ કર! આપણને આસિસ્ટન્ટ તરીકે આવો ચાન્સ ફરી ક્યાં મળે?” મેં તો ચારે બાજુથી, જાતજાતના એંગલથી શોટ લેવાના શરૂ કર્યા. સંજુ પહાડીમાં ઘોડો દોડાવતો જાય અને હું રિટેક પર રિટેક કરાવું. એ કંટાળે પણ શું કરે? પાછું આ શૂટિંગ પતાવીને સંજુએ તરત જ મનાલીથી કુલ્લુ જઈને મુંબઈની ફ્લાઇટ પકડવાની હતી. પછી ખબર પડી કે સંજુ મારે કારણે ફ્લાઇટ ચૂકી ગયો છે અને ગુસ્સામાં મને શોધતાં હોકી-સ્ટિક લઈને મનાલીના સેટ પર આવ્યો. હું ઝાડીમાં છૂપાઈ ગયો. એ મને શોધ્યા કરે. અમારા વચ્ચે બે કલાક સંતાકૂકડી ચાલી અને મને સ્થાનિક ભરવાડના કપડામાં છૂપાયેલો જોઈને હસી પડ્યો અને કહ્યું, “સાલે, તેરે કો શોટ લેને કા બહુત કીડા હૈ ના? અભી તો તેરે કો એક દિન ડિરેક્ટર બનના હી પડેગા.”
છેક 1990ના એ શબ્દો તેણે 1997-98માં પાળ્યા અને મારી સાથે લેખક-નિર્દેશક તરીકે ‘ખૂબસૂરત’ (1999) નામની સફળ ફિલ્મ કરી. હું લેખકમાંથી ફિલ્મ-નિર્દેશક બન્યો, એ સંજુને કારણે જ. માત્ર 28 વર્ષના નવા છોકરા પર કરોડોની ફિલ્મ માટે ભરોસો કોણ મૂકે? ફિલ્મ શરૂ કરવા સંજુ પોતાના કોર્ટ કેસની સુનાવણીમાંથી સમય કાઢીને પોલિડોર નામની મ્યુઝિક કંપનીમાં નિર્માતાને મળવા વી.ટી.થી છેક વર્લી સુધી આવતો. પણ ત્યાં વાત ન જામી તો તેણે ઝામુ સુગંધ સાથે મામલો ગોઠવી આપ્યો. ‘ખૂબસૂરત’ માટે તેણે ઓછા પૈસા લીધા હતા. દિવસે એ ટાડા કોર્ટમાં જાય અને સાંજે શૂટિંગ કરે. ખૂબ અકળાય, પણ સેટ પર કામ ચૂપચાપ કરી જાય. ખરેખર, સંજુબાબા એટલે ન સમજાય એવો અધૂરો, ભટકેલો, પણ ખૂબ જ લાગણીશીલ માણસ.
સંજુ જેલમાં હતો એ દરમિયાન હું ‘નયા નુક્કડ’, ‘ફિલ્મી ચક્કર’ જેવી સિરિયલો અને ‘રંગીલા’ ફિલ્મ વગેરે કરી ચૂક્યો હતો. જેલવાસ પછી તેની પહેલી ફિલ્મ ‘દૌડ’ના સેટ પર સંજુના હાથ ધ્રૂજતા હતા. એવામાં તેણે મને જોયો અને ભેટી પડ્યો. સાસરામાં પિયરપક્ષનું સગું મળે તો વહુ જેવી હરખાય એવી ખુશી તેની આંખોમાં ચમકી. બે-ચાર ગાળો આપીને કહ્યું, “સાલા, મૈં જેલ મેં ક્યા અંદર ગયા… તુ તો બાહર બડા રાઇટર બન ગયા?”
એ જ ‘દૌડ’ના પહેલા દિવસના શૂટિંગમાં દિલ્હીના નાટ્યજગતમાંથી આવેલા એક બોરિંગ અભિનેતાએ સંજુને પૂછ્યું, “પોલીસ ઓફિસર તરીકે હું તમારો પીછો કરું છું, તો તમે કેવી રીતે ભાગશો? જેથી મને મારા પાત્રની બોડી લેંગ્વેજ ખબર પડે.” સંજુએ કહ્યું, “ડિરેક્ટરને બોલા હૈ તો મૈં ભાગુંગા… ઔર ફિર પોલીસ પીછે પડી હો તો કોઈ કૈસે ભાગતા હૈ, યે મુઝે ક્યા પતા? મેરા પોલીસ સે કભી વાસ્તા પડા હૈ ક્યા?” અને બધાં હસી પડ્યાં. સંજુ પોતાની દરેક ભૂલ કે દુઃખ વિશે જાત પર હસી શકે છે, અથવા તો તેણે હસવું પડે છે. ‘ખૂબસૂરત’ ફિલ્મ વખતે સંજુએ રમતિયાળ ગીતનો આઇડિયા આપ્યો. માત્ર 15 જ મિનિટમાં માઇક પર તેણે એ ગીત ગાઈ નાખ્યું. એ જ ફિલ્મના સ્વિટ્ઝરલેન્ડના શૂટિંગમાં એક ગુજ્જુભાઈ રોકડા પૈસા સંભાળવા નિર્માતા વતી આવેલા. પૈસાની ગરમીને લીધે એ ભાઈ બધાં સાથે અકળાઈને વાત કરે અને વર્કરોને બરાબર ખાવા-પીવાનું પણ ન આપે. સંજુને થયું કે આને પાઠ ભણાવવો પડશે. પછી એક રાત્રે દારૂ પીવાનું નાટક કરીને સંજુએ પેલા ગુજ્જુભાઈને કહ્યું કે, “ટાડા કોર્ટમાં જામીન તરીકે અત્યારે ને અત્યારે દસ લાખ મોકલવાના છે. એની વ્યવસ્થા કરી આપો, નહીં તો હું કાલે શૂટિંગ નહીં કરું. તમારા ઘરે ફોન કરો, મારો માણસ પૈસા લેવા આવશે.”
પેલા ગુજ્જુભાઈ તો ડરી ગયા. એવામાં મેં ગુજ્જુભાઈનો પક્ષ લેવાનું નાટક કરીને સંજય સાથે ખોટેખોટો ઝગડો કર્યો કે, “શૂટિંગ રોકીને તું આમ બ્લેકમેલ ન કરી શકે.” પછી બોલાચાલીમાં અમે બેઉએ રીતસર હાથાપાઈનું નાટક કર્યું. હું ખોટેખોટો બેહોશ થઈ ગયો, સંજુએ ચાકુ ઉપાડ્યું અને પેલા ગુજ્જુભાઈ પાછળ દોડ્યો. એ ભાઈ કોઈક અજાણ્યા વિદેશીની રૂમમાં ઘૂસી જઈ સોફા પાછળ છૂપાઈ ગયા. વિદેશીએ હોટેલના મેનેજરને બોલાવ્યો, મેનેજરે સ્થાનિક પોલીસને બોલાવી. આ નાટક અમે સતત બે દિવસ ચલાવ્યું.
ત્રીજા દિવસે રોકડા પૈસા અમને આપીને ગુજ્જુભાઈ ભારત પાછા જતા રહ્યા.
આજે સંજય દત્તનો 67મો જન્મદિવસ છે. સંજુ વિચિત્ર કુંડળીમાં અટપટી ગ્રહદશામાં અટવાયેલા ગ્રહ સમો એક શાપિત સ્ટાર છે.