World

હોર્મુઝ જળમાર્ગ પર તણાવ ઘટાડવા ઓમાનની પહેલ, ઈરાન સાથે સંયુક્ત સંચાલનનો પ્રસ્તાવ, અમેરિકા ટ્રાન્ઝિટ ફીના વિરોધમાં

ઓમાને ઈરાનને હોર્મુઝ સામુદ્રધુની માંથી પસાર થતા જહાજોના સંચાલન માટે ગલ્ફ દેશોના સમર્થનવાળો એક નવો પ્રસ્તાવ આપ્યો છે. આ પ્રસ્તાવ હેઠળ આ વ્યુહાત્મક દરિયાઈ માર્ગનો ઉપયોગ કરતા જહાજો પાસેથી સ્વેચ્છાએ યોગદાન મેળવવાની વ્યવસ્થા રજૂ કરવામાં આવી છે. આ પહેલનો મુખ્ય હેતુ અમેરિકા, ઈઝરાયેલ અને ઈરાન વચ્ચેના સંઘર્ષને કારણે છેલ્લા કેટલાક મહિનાઓથી ખોરવાયેલા આંતરરાષ્ટ્રીય દરિયાઈ વેપારને ફરી પૂર્વવત કરવાનો છે.

જોકે, બીજી તરફ અમેરિકાએ સ્પષ્ટ કર્યું છે કે હોર્મુઝ સામુદ્રધુની એક આંતરરાષ્ટ્રીય દરિયાઈ માર્ગ છે અને ત્યાંથી પસાર થતા જહાજો પર કોઈ પણ પ્રકારનો ટોલ કે ટ્રાન્ઝિટ ચાર્જ લાદવાનો પ્રસ્તાવ તેમને મંજૂર નથી.

ઓમાનનો મધ્યસ્થી કરવાનો પ્રયાસ અને મલાક્કાનું મોડેલ

રોઇટર્સના અહેવાલ મુજબ, ઓમાનના પ્રસ્તાવમાં તેહરાનને એકચક્રી શાસન આપવાને બદલે ઈરાન અને ઓમાન બંને સાથે મળીને જહાજોનું સંચાલન કરે તેવું સૂચન છે.

  • જહાજો પાસેથી લેવામાં આવતી રકમ ફરજિયાતને બદલે સ્વેચ્છાએ હશે.
  • આ યોજના ‘મલાક્કા સામુદ્રધુની’ ના મોડેલ પર આધારિત છે, જ્યાં ઈન્ડોનેશિયા, મલેશિયા અને સિંગાપોર નેવિગેશન, પર્યાવરણ સુરક્ષા અને રેસ્ક્યુ ઓપરેશન માટે સ્વેચ્છાએ ફંડ મેળવે છે.
  • અગાઉ ઈરાને ઓમાન સાથે સંયુક્ત સંચાલન કરવાની સાથે જહાજો પર સર્વિસ ચાર્જ લાદવાની દરખાસ્ત કરી હતી.
  • પશ્ચિમના રાજદ્વારીઓ મુજબ, આ નવો પ્રસ્તાવ ઈરાન અને અમેરિકા વચ્ચેના મતભેદો ઉકેલવા માટે લાવવામાં આવ્યો છે.

અમેરિકાનો વિરોધ અને ટ્રમ્પની ચેતવણી

અમેરિકી અધિકારીઓએ સ્પષ્ટ કર્યું છે કે તેઓ વેપારી જહાજો પર લાદવામાં આવતા કોઈ પણ ફરજિયાત કે સ્વેચ્છાએ લેવાતા ચાર્જનો વિરોધ કરે છે. વિશ્વનો પાંચમો ભાગનો ઓઇલ અને એલએનજી પુરવઠો આ માર્ગેથી પસાર થાય છે, જેથી તેનું મુક્ત રહેવું જરૂરી છે.

અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે જણાવ્યું હતું કે ઈરાન સાથે વાટાઘાટો ચાલી રહી છે, પરંતુ જો વાતચીત નિષ્ફળ જશે તો તેઓ ફરી સૈન્ય હુમલા કરવા માટે તૈયાર છે. તેમણે ઈરાનની ભૂગર્ભ ‘પિકએક્સ માઉન્ટેન’ સુવિધાને નષ્ટ કરવાની ચેતવણી પણ આપી હતી. બીજી તરફ, ઈરાને અમેરિકાની નવી વાટાઘાટોની માંગને ફગાવી દીધી છે અને તાજેતરમાં યુએસ બોમ્બમારો અટક્યા બાદ ક્રૂડ ઓઇલના ભાવમાં 5% થી વધુનો ઘટાડો નોંધાયો છે.

Most Popular

To Top