ભારતના ભાગલાની પીડા અને તે સમયના રમખાણોની પૃષ્ઠભૂમિ પર આધારિત સની દેઓલની બહુચર્ચિત ફિલ્મ ‘બંટવારા 1947’નું ટ્રેલર આખરે રિલીઝ થઈ ગયું છે. લાંબા સમયથી ચાહકો આ ટ્રેલરની રાહ જોઈ રહ્યા હતા. ટ્રેલરમાં સની દેઓલ સાથે પ્રીતિ ઝિન્ટા, કરણ દેઓલ, શબાના આઝમી અને અલી ફઝલ જેવા કલાકારો પણ મહત્વની ભૂમિકામાં જોવા મળે છે.
ટ્રેલરની શરૂઆત ભારતના તિરંગા અને ‘ભારત માતા કી જય’ના નારાથી થાય છે. ત્યારબાદ સની દેઓલની એન્ટ્રી થાય છે, જ્યાં તેઓ પ્રીતિ ઝિન્ટાને દેશની આઝાદીની શુભેચ્છા પાઠવતા જોવા મળે છે. ફિલ્મમાં સની દેઓલ મુસ્લિમ પાત્ર ભજવી રહ્યા છે. આઝાદી બાદ ફાટી નીકળેલા કોમી રમખાણોની વચ્ચે તેમનો પરિવાર નવા ઘરમાં રહેવા જાય છે, પરંતુ ત્યાં એક હિન્દુ વૃદ્ધ મહિલા રહેતી હોવાનું સામે આવે છે. મહિલા પોતાનું ઘર છોડવાનો ઇનકાર કરે છે અને ત્યારબાદ તેને બચાવવા માટે સની દેઓલ હિંસક ટોળાનો સામનો કરતા જોવા મળે છે.
ટ્રેલરમાં એક્શનની સાથે લાગણીસભર સંવાદો પણ જોવા મળે છે. કરણ દેઓલનો સંવાદ, “તું મારા બાપને નથી જાણતો… એ ન ઘર જોશે, ન સરહદ, સીધા ઘૂસીને મારશે,” ખાસ ચર્ચામાં છે. ઉપરાંત “મંદિર તોડવું ઇસ્લામ નથી”, “દરેક બાળકનો પહેલો મઝહબ મા હોય છે” અને “માને હિન્દુ-મુસ્લિમમાં ન વહેંચો, મા પોતે જ એક મઝહબ છે” જેવા સંવાદો પણ ટ્રેલરની ખાસિયત બની રહ્યા છે.
આ ફિલ્મનું દિગ્દર્શન રાજકુમાર સંતોષીએ કર્યું છે. ઘણા વર્ષો બાદ સની દેઓલ અને રાજકુમાર સંતોષીની સફળ જોડી ફરી એકવાર સાથે આવી છે. આ પહેલાં બંનેએ ‘ઘાયલ’, ‘ઘાતક’ અને ‘દામિની’ જેવી યાદગાર ફિલ્મો આપી હતી. સની દેઓલે પણ અગાઉ જણાવ્યું હતું કે ચાહકો લાંબા સમયથી તેમના અને રાજકુમાર સંતોષીના પુનઃમિલનની રાહ જોઈ રહ્યા હતા. ‘બંટવારા 1947’નું નિર્માણ આમિર ખાન પ્રોડક્શન્સ દ્વારા કરવામાં આવ્યું છે. ફિલ્મ 14 ઓગસ્ટે સિનેમાઘરોમાં રિલીઝ થશે. સેન્ટ્રલ બોર્ડ ઑફ ફિલ્મ સર્ટિફિકેશન (CBFC)એ ફિલ્મને કોઈપણ કટ વગર ‘A’ સર્ટિફિકેટ આપ્યું છે. સની દેઓલે સોશિયલ મીડિયા પર આ અંગે ખુશી વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે ફિલ્મને કોઈ કાપછાંટ વિના મંજૂરી મળવી સમગ્ર ટીમ માટે ગૌરવની વાત છે.