સુરત શહેરમાંથી એક એવો વીડિયો સામે આવ્યો છે, જેણે દરેકના હૃદયને હચમચાવી દીધું છે. બસમાં ચઢી રહેલા એક વૃદ્ધ મુસાફર સાથે બનેલી ઘટના માત્ર અકસ્માત નથી, પરંતુ જાહેર પરિવહનમાં બેદરકારીનું ગંભીર ઉદાહરણ બની ગઈ છે. બસ ચાલકની ઉતાવળને કારણે વૃદ્ધ રસ્તા પર પટકાયા અને થોડું અંતર સુધી બસ સાથે ઢસડાતા રહ્યા. સદનસીબે, બે યુવાનોની સમયસરની બહાદુરીને કારણે મોટી દુર્ઘટના ટળી ગઈ.
આ સમગ્ર ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં શહેરભરમાં ભારે રોષ ફાટી નીકળ્યો. લોકો દ્વારા બસ ચાલક સામે કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠી હતી. હવે સુરત મહાનગરપાલિકાએ પણ આ મામલે તાત્કાલિક પગલાં લીધા છે.
પાલિકા દ્વારા સંબંધિત BRTS બસ ચાલકને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરવામાં આવ્યો છે. સાથે જ તમામ BRTS બસ એજન્સીઓને સ્પષ્ટ સૂચના આપવામાં આવી છે કે મુસાફરોની સુરક્ષા સાથે કોઈપણ પ્રકારની બેદરકારી હવે બિલકુલ ચલાવી લેવામાં આવશે નહીં. આ મામલે BRTSના ચેરમેને જણાવ્યું કે પ્રાથમિક તપાસમાં બસનો દરવાજો ખરાબ હોવાથી અચાનક ખુલી ગયો હતો. તેમ છતાં મુસાફરોની સુરક્ષા માટે ડ્રાઈવર અને સ્ટાફની જવાબદારી સૌથી અગત્યની છે અને કોઈપણ પ્રકારની બેદરકારીને માફ કરવામાં આવશે નહીં.
ચેરમેને વધુમાં જણાવ્યું કે હાલમાં પૂરની પરિસ્થિતિને કારણે BRTS બસોમાં મુસાફરોની સંખ્યામાં ઘટાડો નોંધાયો છે, પરંતુ તે કોઈપણ રીતે સુરક્ષાના નિયમોમાં ઢીલ આપવાનો બહાનો બની શકે નહીં. તમામ એજન્સીઓને દરેક રૂટ પર કડક દેખરેખ રાખવા અને નિયમોનું સંપૂર્ણ પાલન કરવા સૂચના આપવામાં આવી છે. વાયરલ વીડિયોમાં સ્પષ્ટ જોવા મળે છે કે વૃદ્ધ મુસાફર બસમાં ચઢી રહ્યા હતા ત્યારે બસ અચાનક આગળ વધી જાય છે. સંતુલન ગુમાવતા વૃદ્ધ રસ્તા પર પટકાય છે અને બસ સાથે ઢસડાતા રહે છે. આસપાસ ઉભેલા લોકો ગભરાઈ જાય છે,પરંતુ યુવાનો દોડી જઈ બસ અટકાવવાનો પ્રયાસ કરે છે અને વૃદ્ધનો જીવ બચાવવામાં મહત્વની ભૂમિકા ભજવે છે.
સ્થાનિક લોકોનું કહેવું છે કે ઘણી વખત બસ ચાલકો મુસાફરો સંપૂર્ણ રીતે ચઢે કે ઉતરે તે પહેલાં જ બસ આગળ વધારી દેતા હોય છે, જેના કારણે અકસ્માતનું જોખમ વધી જાય છે.જાહેર પરિવહનમાં મુસાફરોની સુરક્ષા પ્રથમ પ્રાથમિકતા હોવી જોઈએ તેવી માંગ હવે વધુ જોરશોરથી ઉઠી રહી છે.આ ઘટનાએ ફરી એકવાર સવાલ ઉભો કર્યો છે કે શું જાહેર પરિવહનમાં સલામતીના નિયમોનું પૂરતું પાલન થઈ રહ્યું છે? શું બસ ચાલકોને નિયમિત તાલીમ અને જવાબદારીનું પૂરતું ભાન કરાવવામાં આવી રહ્યું છે?
હાલ માટે બસ ચાલક સામે કાર્યવાહી થઈ ચૂકી છે, પરંતુ આ ઘટના તમામ ડ્રાઈવરો માટે એક કડક ચેતવણી સમાન છે. થોડા સેકન્ડની ઉતાવળ કોઈ નિર્દોષ વ્યક્તિ માટે જીવલેણ સાબિત થઈ શકે છે. મુસાફરોની સુરક્ષા જ દરેક જાહેર પરિવહન વ્યવસ્થાની સૌથી મોટી જવાબદારી છે, અને તેમાં કોઈપણ પ્રકારની બેદરકારી ક્યારેય સ્વીકાર્ય બની શકે નહીં.