National

ભારે વરસાદ બાદ ગુજરાતમાં પરિવહન વ્યવસ્થા ખોરવાઈ, 7 નેશનલ હાઇવે સહિત 1204 રસ્તા બંધ, 22 ટ્રેનો રદ, શાકભાજીની આવકમાં ઘટાડો

દક્ષિણ અને મધ્ય ગુજરાતમાં પડેલા ભારે વરસાદે સમગ્ર રાજ્યનું જનજીવન ખોરવી નાખ્યું છે. અમદાવાદમાં એક જ દિવસમાં 11 ઇંચથી વધુ વરસાદ નોંધાતા શહેરના અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ થઈ ગયા હતા. વરસાદની અસર એટલી ગંભીર રહી કે રાજ્યમાં 7 નેશનલ હાઇવે, 30 સ્ટેટ હાઇવે સહિત કુલ 1,204 રસ્તા વાહનવ્યવહાર માટે બંધ કરવા પડ્યા છે. સાથે જ 22 ટ્રેનો રદ કરવામાં આવી છે, જ્યારે અનેક ફ્લાઇટ્સ પણ મોડી પડી છે. વરસાદની ગંભીર પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને રાજ્યના અનેક જિલ્લાઓમાં શાળા-કોલેજો અને આંગણવાડીઓને રજા જાહેર કરવામાં આવી છે. અમદાવાદમાં પણ તમામ શૈક્ષણિક સંસ્થાઓ બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ઘણી ખાનગી કંપનીઓએ કર્મચારીઓને વર્ક ફ્રોમ હોમની સુવિધા આપી છે જેથી લોકોને જોખમ વચ્ચે મુસાફરી ન કરવી પડે.

અમદાવાદ-રાજકોટ નેશનલ હાઇવે પર બાવળા નજીક ભારે વરસાદના કારણે પૂરની સ્થિતિ સર્જાતા બગોદરાથી સનાથલ સુધીનો માર્ગ સંપૂર્ણપણે બંધ કરવામાં આવ્યો છે. ગેલોપ્સ પાર્ક વિસ્તારમાં પૂરના પાણીમાં ફસાયેલા લગભગ 900 લોકોને પોલીસ અને SDRFની ટીમોએ રેસ્ક્યૂ કરીને સુરક્ષિત સ્થળે પહોંચાડ્યા હતા. હાઇવે બંધ થતાં અમદાવાદ અને રાજકોટ વચ્ચે જતા વાહનોને ધોલેરા એક્સપ્રેસ-વે તરફ ડાયવર્ઝન આપવામાં આવ્યું છે. ભારે વરસાદની અસર હવે બજાર પર પણ જોવા મળી રહી છે. અમદાવાદની જમાલપુર APMCમાં શાકભાજીની આવકમાં નોંધપાત્ર ઘટાડો થયો છે. ભારે વરસાદ અને રસ્તા બંધ હોવાથી ખેડૂતો સમયસર માલ મોકલી શકતા નથી. જોકે હાલમાં પુરવઠો ઓછો હોવા છતાં શાકભાજીના ભાવમાં મોટો વધારો થયો નથી. જો વરસાદ લાંબો સમય ચાલુ રહેશે તો આગામી દિવસોમાં તેની અસર બજારમાં જોવા મળી શકે છે.

અમદાવાદમાં વરસાદ બાદ પાણીજન્ય અને મચ્છરજન્ય રોગોનો ખતરો વધતાં આરોગ્ય વિભાગ એલર્ટ થયો છે. AMC દ્વારા મોબાઇલ મેડિકલ વાન અને મેડિકલ ટીમોને અસરગ્રસ્ત વિસ્તારોમાં મોકલવામાં આવી છે. લોકોને સ્થળ પર જ આરોગ્ય તપાસ, દવાઓ અને માર્ગદર્શન આપવામાં આવી રહ્યું છે. સાથે જ પીવાના પાણીની ગુણવત્તા ચકાસવા માટે ક્લોરીન ટેસ્ટ અને પાણીના નમૂનાઓની તપાસ પણ શરૂ કરવામાં આવી છે. આરોગ્ય વિભાગે શહેરમાં ઘર-ઘર સર્વે હાથ ધર્યો છે. અત્યાર સુધીમાં 46 હજારથી વધુ મકાનોની તપાસ કરવામાં આવી છે, જેમાંથી 764 સ્થળોએ મચ્છરના લાર્વા મળી આવ્યા છે. મેલેરિયા અને ડેન્ગ્યુ જેવી બીમારીઓને રોકવા માટે ખાસ કામગીરી કરવામાં આવી રહી છે.

દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદના કારણે પશ્ચિમ રેલવેનો ટ્રેન વ્યવહાર પણ ખોરવાઈ ગયો છે. ઘોલવડ, ઉમરગામ અને બીલીમોરા નજીક રેલવે ટ્રેક પર પાણી ફરી વળતાં સુરત-મુંબઈ રૂટની અનેક ટ્રેનો રદ અથવા મોડી પડી છે. હાલમાં સુરત અને વાપી તરફ જતી ટ્રેન સેવા સંપૂર્ણપણે સામાન્ય બની શકી નથી. બસ સેવા પણ મર્યાદિત રીતે ચાલી રહી છે. તંત્રને આશા છે કે પાણી ઓસર્યા બાદ ટ્રેન અને બસ વ્યવહાર ફરી શરૂ થઈ શકશે. માર્ગ અને મકાન વિભાગના જણાવ્યા મુજબ સૌથી વધુ રસ્તાઓ સુરત, તાપી, નવસારી અને વલસાડ જિલ્લામાં બંધ થયા છે. વરસાદના કારણે અનેક પુલ અને રસ્તાઓ પર પાણી ફરી વળતાં વાહનવ્યવહાર રોકી દેવામાં આવ્યો છે. જોકે અગાઉ બંધ કરાયેલા 103 રસ્તાઓ ફરી શરૂ કરવામાં આવ્યા છે, પરંતુ હજુ પણ 1,204 રસ્તાઓ બંધ હોવાથી લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.

અમદાવાદ એરપોર્ટ પર પણ વરસાદની અસર જોવા મળી છે. અમદાવાદથી મુંબઈ જતી એક ફ્લાઇટ રદ કરવામાં આવી છે, જ્યારે ભુવનેશ્વર અને પટના જતી ફ્લાઇટ્સ સહિત અનેક ફ્લાઇટ્સ મોડી ચાલી રહી છે. શ્રીનગર અને નવી દિલ્હીથી આવતી ફ્લાઇટ્સ પણ વિલંબથી પહોંચી છે. એરપોર્ટ સત્તાવાળાઓએ મુસાફરોને એરપોર્ટ પર જવા પહેલાં પોતાની ફ્લાઇટનું સ્ટેટસ તપાસવાની સલાહ આપી છે. રાજ્યમાં વરસાદને કારણે પરિવહન, વેપાર, આરોગ્ય અને શિક્ષણ સહિત અનેક ક્ષેત્રો પ્રભાવિત થયા છે. વહીવટી તંત્ર દ્વારા સતત સ્થિતિ પર નજર રાખવામાં આવી રહી છે અને લોકોને બિનજરૂરી મુસાફરી ટાળવા તેમજ તંત્રની સૂચનાઓનું પાલન કરવાની અપીલ કરવામાં આવી છે.

Most Popular

To Top