Gujarat

ગુજરાતમાં મેઘતાંડવ: 24 કલાકમાં 265 તાલુકા ભીંજાયા, સાંતલપુરમાં 15 ઇંચ વરસાદથી જળબંબાકાર

ગુજરાતમાં ચોમાસાના વર્તમાન રાઉન્ડમાં મેઘરાજા આક્રમક મૂડમાં જોવા મળી રહ્યા છે. દક્ષિણ અને મધ્ય ગુજરાતને ધમરોળ્યા બાદ હવે વરસાદી સિસ્ટમ ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્ર પર બરાબરની મહેરબાન થઈ છે. સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર (SEOC), ગાંધીનગર દ્વારા જાહેર કરવામાં આવેલા તાજા આંકડા અનુસાર, આજે સવારે 6 કલાકે પૂરા થયેલા છેલ્લા 24 કલાક દરમિયાન રાજ્યના કુલ 265 તાલુકામાં સાર્વત્રિક વરસાદ નોંધાયો છે.

આ મેઘમહેર વચ્ચે પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકામાં આકાશી આફત ત્રાટકી હોય તેમ સૌથી વધુ 15 ઇંચ જેટલો મુશળધાર વરસાદ ખાબક્યો છે. સતત વરસેલા વરસાદને કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જતાં જનજીવન અસ્તવ્યસ્ત બન્યું છે અને માર્ગ વ્યવહાર પર માઠી અસર પડી છે.

ક્યાં કેટલો ખાબક્યો વરસાદ

રાજ્યમાં પડેલા વરસાદ પર નજર કરીએ તો ઉત્તર ગુજરાત અને ખેડા જિલ્લામાં મેઘરાજાએ તોફાની બેટિંગ કરી છે:

  • ઉત્તર ગુજરાત અને સરહદી પટ્ટો: પાટણના સાંતલપુરમાં 15 ઇંચ બાદ રાધનપુરમાં 13.46 ઇંચ અને વાવ-થરાદના ભાભરમાં 11.30 ઇંચ. આ સિવાય બનાસકાંઠાના દાંતીવાડામાં 7.09 ઇંચ, સુઈગામમાં 6.81 ઇંચ, ઓગડમાં 5.98 ઇંચ, થરાદમાં 5.12 ઇંચ અને ડીસામાં 5 ઇંચ વરસાદ નોંધાયો છે.
  • મધ્ય ગુજરાતનો પટ્ટો: ખેડાના નડીયાદમાં 10.31 ઇંચ અને મહેમદાબાદમાં 8.39 ઇંચ ભારે વરસાદથી માર્ગો જળમગ્ન બન્યા છે. ગાંધીનગરના દહેગામમાં 5.71 ઇંચ અને આણંદના સોજીત્રામાં 5.04 ઇંચ આંકડો પહોંચ્યો છે.
  • સૌરાષ્ટ્ર અને અન્ય વિસ્તારો: સુરેન્દ્રનગરના થાનગઢમાં 7.09 ઇંચ અને મોરબીના વાંકાનેરમાં 6.93 ઇંચ પાણી ખાબક્યું છે. આ ઉપરાંત કઠલાલ, વસો, રાપર, મહુધા અને ધનસુરામાં પણ 4 ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે.

હવામાન વિભાગ અને અંબાલાલ પટેલની મોટી આગાહી

હવામાન વિભાગની અતિભારે વરસાદની ચેતવણી વચ્ચે રાજ્યના જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે ચોંકાવનારી આગાહી કરી છે. તેમના જણાવ્યા મુજબ, હાલ રાજ્યમાં સક્રિય થયેલી વરસાદી સિસ્ટમ ખૂબ મજબૂત છે.

  • અતિભારે વરસાદનું એલર્ટ: ઉત્તર અને મધ્ય ગુજરાતના મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા અને મહિસાગર જિલ્લામાં કેટલાક સ્થળોએ અતિભારેથી અત્યંત ભારે વરસાદ પડી શકે છે.
  • નદીઓમાં પૂરની શક્યતા: ઉત્તર ગુજરાતના કેટલાક ભાગોમાં 26 અને 27 જુલાઈ દરમિયાન આકાશી આફત ચાલુ રહેશે, જેના કારણે સ્થાનિક નદીઓ અને કોઝવેમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ શકે છે.
  • નર્મદા ડેમની સપાટીમાં વધારો: મધ્ય પ્રદેશના કેચમેન્ટ એરિયામાં ભારે વરસાદને કારણે નર્મદા નદીમાં પ્રચંડ પાણીની આવક થવાની શક્યતા છે, જેનાથી સરદાર સરોવર નર્મદા બંધની જળસપાટીમાં સતત વધારો નોંધાશે.

તંત્રે પરિસ્થિતિને પહોંચી વળવા માટે એનડીઆરએફ અને એસડીઆરએફની ટીમ રેડ એલર્ટ વાળા વિસ્તારોમાં તૈનાત કરી દીધી છે.

Most Popular

To Top