ઉપરવાસમાં પડી રહેલા ભારે વરસાદને કારણે ઉકાઈ ડેમની સપાટી વધીને 313.14 ફૂટ પહોંચી છે, જેના કારણે ખેડૂતોમાં ખુશીની લહેર જોવા મળી રહી છે.બીજી બાજુ સુરત શહેરમાં સતત વરસી રહેલા ભારે વરસાદે જનજીવનને ગંભીર અસર પહોંચાડી છે. શહેરના અનેક વિસ્તારોમાં વરસાદી પાણી ભરાઈ જતાં સામાન્ય નાગરિકોથી લઈને વાહનચાલકો સુધી સૌને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. સુરત ના ભેસ્તાન નજીકના નવીન ફ્લોરિંગ રોડ પર વરસાદી પાણી ભરાતા સમગ્ર માર્ગ પાણીમાં ગરકાવ થઈ ગયો હતો. તેમજ પાણીના કારણે વાહનોની અવરજવર ધીમી પડી ગઈ અને રોજિંદા અવરજવર કરતા લોકો મુશ્કેલીમાં મુકાયા. રાહદારીઓને પણ પાણી વચ્ચેથી પસાર થવાની ફરજ પડતા ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો.
બીજી તરફ સુરત ના પાલ-ઉમરા બ્રિજ નજીક પણ વરસાદી પાણી ભરાતા ટ્રાફિકજામની સ્થિતિ સર્જાઈ હતી. વાહનોની લાંબી કતારો લાગતાં લોકો કલાકો સુધી રસ્તા પર અટવાઈ રહ્યા હતા, ઓફિસ જતાં કર્મચારીઓ, વિદ્યાર્થીઓ અને અન્ય મુસાફરોને સમયસર પોતાના ગંતવ્યસ્થાને પહોંચવામાં મુશ્કેલી પડી. વાહનચાલકોએ તંત્ર સમક્ષ વરસાદી પાણીના ઝડપી નિકાલની માંગ ઉઠાવી છે.ભારે વરસાદના કારણે સુરત શહેરના અનેક રેલવે અંડરપાસ પણ પાણીમાં ગરકાવ થઈ ગયા. ખાસ કરીને ઉધના વિસ્તારથી ડીંડોલી તરફ જતા રેલવે અંડરપાસમાં પાણી ભરાતા વાહનવ્યવહાર લગભગ સંપૂર્ણપણે ખોરવાઈ ગયો હતો. અનેક વાહનોને વૈકલ્પિક માર્ગ અપનાવવાની ફરજ પડી, જેના કારણે અન્ય માર્ગો પર પણ ટ્રાફિકનું ભારણ વધી ગયું.
સુરત મહાનગરપાલિકા વિસ્તારના અનેક મુખ્ય રસ્તાઓ અને નીચાણવાળા વિસ્તારોમાં પણ પાણી ભરાવાની સ્થિતિ જોવા મળી. દર વર્ષે પ્રી-મોન્સૂન કામગીરીના દાવાઓ કરવામાં આવે છે, પરંતુ વરસાદ શરૂ થતાં જ અનેક વિસ્તારોમાં પાણી ભરાતા ફરી એકવાર મનપાની કામગીરી સામે સવાલો ઊભા થયા છે. સ્થાનિકોમાં ભારે અસંતોષ જોવા મળી રહ્યો છે અને યોગ્ય ડ્રેનેજ વ્યવસ્થા અંગે ચર્ચા તેજ બની છે.હવામાન વિભાગે સુરત સહિત સમગ્ર દક્ષિણ ગુજરાતમાં હજુ પણ વરસાદની આગાહી વ્યક્ત કરી છે.આજે પણ વહેલી સવારથી વરસાદી માહોલ યથાવત રહ્યો હતો,જેના કારણે અનેક વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યા યથાવત રહી.
પરિસ્થિતિની ગંભીરતાને ધ્યાનમાં રાખીને સુરત મહાનગરપાલિકાના કમિશનર એમ. નાગરાજને ઉધના સહિતના વિવિધ અસરગ્રસ્ત વિસ્તારોની સ્થળ મુલાકાત લીધી. તેમણે અધિકારીઓને તાત્કાલિક પાણીના નિકાલની કામગીરી ઝડપી બનાવવા તેમજ રાહત કામગીરીમાં કોઈ બેદરકારી ન રાખવા સૂચના આપી. તંત્ર દ્વારા પમ્પિંગ મશીનો અને કર્મચારીઓની મદદથી પાણી કાઢવાની કામગીરી શરૂ કરવામાં આવી છે.હવે સૌની નજર આગામી વરસાદ પર છે. જો વરસાદનું જોર યથાવત રહેશે તો શહેરમાં વધુ જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ શકે છે. ત્યારે નાગરિકોની માંગ છે કે તંત્ર માત્ર દાવા નહીં, પરંતુ કાયમી ઉકેલ લાવી શહેરને વરસાદી સંકટમાંથી મુક્ત કરે.