બિહારની રાજધાની પટનામાં મંગળવારે સવારે બોમ્બ હુમલાની ધમકી મળતાં સમગ્ર પ્રશાસન અને સુરક્ષા તંત્રમાં દોડધામ મચી ગઈ હતી. મુખ્યમંત્રી નિવાસસ્થાન, મુખ્યમંત્રી સચિવાલય અને પટના સચિવાલયને નિશાન બનાવવાની ધમકી ઈમેલ મારફતે આપવામાં આવી હતી. ધમકી મળતાની સાથે જ પોલીસ, સુરક્ષા એજન્સીઓ અને વરિષ્ઠ અધિકારીઓને હાઈ એલર્ટ પર મૂકવામાં આવ્યા હતા અને સંવેદનશીલ વિસ્તારોમાં સુરક્ષા વ્યવસ્થા વધુ કડક કરવામાં આવી હતી. માહિતી અનુસાર, મંગળવારે સવારે લગભગ 7:57 વાગ્યે મુખ્યમંત્રી સચિવાલય અને બિહાર ભવનને એક ધમકીભર્યો ઈમેલ મોકલવામાં આવ્યો હતો. ઈમેલ મોકલનાર વ્યક્તિએ પોતાને ખાલિસ્તાન નેશનલ આર્મી સાથે સંકળાયેલો હોવાનું જણાવ્યું હતું. ઈમેલમાં અલગ-અલગ સમયે બે સ્થળોએ બોમ્બ વિસ્ફોટ કરવાની ધમકી આપવામાં આવી હતી, જેના કારણે પ્રશાસન તરત જ હરકતમાં આવ્યું હતું.
ધમકીભર્યા ઈમેલમાં વિસ્ફોટના સમયનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. તેમાં દાવો કરવામાં આવ્યો હતો કે પહેલો વિસ્ફોટ 21 જુલાઈના રોજ બપોરે 3:11 વાગ્યે પટના સચિવાલયને નિશાન બનાવી કરવામાં આવશે. ત્યારબાદ રાત્રે 9:11 વાગ્યે મુખ્યમંત્રી કાર્યાલય અને મુખ્યમંત્રી નિવાસસ્થાન પર હુમલો કરવામાં આવશે તેવી ધમકી આપવામાં આવી હતી. ઈમેલમાં કેનેડામાં માર્યા ગયેલા ખાલિસ્તાની હરદીપ સિંહ નિજ્જરના મોતનો બદલો લેવાનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. સાથે જ મોકલનાર વ્યક્તિએ એવો આરોપ મૂક્યો હતો કે બિહારના મુખ્યમંત્રી સમ્રાટ ચૌધરી ભૂતપૂર્વ ભારતીય હાઈ કમિશનર સંજય વર્માને પટનામાં છુપાવી રહ્યા છે અને તેમને નિશાન બનાવવા માટે આ હુમલો કરવામાં આવશે.
ધમકી મળ્યા બાદ સચિવાલય પોલીસ સ્ટેશને સમગ્ર મામલાની પુષ્ટિ કરી હતી. મુખ્યમંત્રી સચિવાલય તરફથી લેખિત અરજી મળ્યા બાદ પોલીસે અજાણ્યા વ્યક્તિ સામે કેસ નોંધ્યો છે અને તપાસ શરૂ કરી છે. સુરક્ષાના ભાગરૂપે ડોગ સ્ક્વોડ, બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડ અને અન્ય સુરક્ષા દળોને મુખ્યમંત્રી સચિવાલય, મુખ્યમંત્રી નિવાસસ્થાન અને પટના સચિવાલય ખાતે તાત્કાલિક મોકલવામાં આવ્યા હતા. સમગ્ર સંકુલ તેમજ આસપાસના વિસ્તારોમાં સઘન તપાસ હાથ ધરવામાં આવી છે. સુરક્ષા એજન્સીઓએ દરેક ખૂણાની તપાસ કરી રહી છે જેથી કોઈ શંકાસ્પદ વસ્તુ મળી આવે તો તાત્કાલિક કાર્યવાહી કરી શકાય.
સાથે જ સાયબર સેલની વિશેષ ટીમ ધમકીભર્યો ઈમેલ મોકલનાર સુધી પહોંચવાનો પ્રયાસ કરી રહી છે. પોલીસ ઈમેલ આઈડી અને તેના આઈપી એડ્રેસની તપાસ કરીને ઈમેલ ક્યાંથી મોકલાયો અને તેની પાછળ કોણ છે તે જાણવા ટેકનિકલ તપાસ કરી રહી છે. અધિકારીઓએ લોકોને અફવાઓથી દૂર રહેવા અને માત્ર સત્તાવાર માહિતી પર વિશ્વાસ રાખવાની અપીલ કરી છે. હાલ સમગ્ર મામલે તપાસ ચાલુ છે અને સુરક્ષા એજન્સીઓ દરેક પાસાની ગંભીરતાથી તપાસ કરી રહી છે.