Vadodara

કેડ સમા પાણી ભરાતા બાજવા છાણી ગરનાળુ બ્લોક,લોકોને હાલાકી

સતત બીજા દિવસે વરસાદથી ગરનાળુ બંધ રહેતા લોકો જનજીવન પર અસર :

( પ્રતિનિધિ )વડોદરા,તા.22

વડોદરામાં મેઘરાજા મહેરબાન થયા છે. સતત બીજા દિવસે આજે સવારે પણ વરસાદ ચાલુ રહેતા શહેરના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની શરૂઆત થઈ ગઈ છે. સામાન્ય વરસાદમાં જ શહેરના ગરનાળાઓમાં પાણી ભરાવાનો સિલસિલો શરૂ થયો છે.

બાજવા છાણી ગરનાળામાં કેડ સમા પાણી ભરાઈ જતા ગરનાળુ મ બ્લોક થઈ ગયું છે. જેના કારણે અવર-જવરનો મુખ્ય રસ્તો બંધ થતા સ્થાનિક લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો છે. સ્થાનિકોના જણાવ્યા મુજબ છેલ્લા ઘણા વર્ષોથી ચોમાસામાં આ ગરનાળામાં પાણી ભરાવાની સમસ્યા સર્જાય છે. અનેક વખત તંત્રને રજૂઆત કરવા છતાં આજદિન સુધી કોઈ નિરાકરણ આવ્યું નથી. અનેક અધિકારીઓ અને મોટા નેતાઓ પણ અહીં મુલાકાત લઈ ચૂક્યા છે પરંતુ માત્ર ઠાલા વચનો અને વાયદા જ મળ્યા છે.

પાણીના નિકાલ માટે તંત્ર દ્વારા એક કર્મચારી મુકવામાં આવ્યો હતો, પરંતુ ગત વર્ષે પગાર ન મળતા તેમણે નોકરી છોડી દીધી હતી. સ્થાનિક બુધાભાઈએ જણાવ્યું કે, પાણી ભરાઈ જતા અમારે રેલવે લાઈન કૂદીને જીવના જોખમે આખું ફરી ફરીને જવાની ફરજ પડે છે. વરસાદને પગલે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યા વધી રહી છે,નોકરિયાત વર્ગ,સ્કૂલમાં અભ્યાસે જતા બાળકો અને રોજ કમાઈ રોજ પેટિયું રડતા લોકોને ભારે હાલાકી વેઠવી પડી રહી છે. ત્યારે, લોકો દ્વારા તાત્કાલિક નિકાલની માંગ ઉઠી છે.

Most Popular

To Top