વેપારી બહાર જતાં જ તકનો લાભ લીધો, કાઉન્ટર પરથી દાગીનાથી ભરેલી કાચની બરણી ઉઠાવી, સમગ્ર ઘટના CCTVમાં કેદ, પોલીસે ગણતરીના કલાકોમાં જ ચોર મહિલાને ઝડપી પાડી
વડોદરા તા.21
વડોદરા શહેરના એમ.જી. રોડ પર જૈન મંદિર સામે આવેલી રિદ્ધિ જવેલર્સમાં ધોળા દિવસે એક મહિલા તસ્કરે ચોરીને અંજામ આપ્યો હતો. વેપારી અંગત કામસર બહાર ગયા હોવાનો લાભ લઈ મહિલાએ દુકાનમાં હાજર તેમની દીકરીની નજર ચૂકવી કાઉન્ટર પરથી રૂ.1.50 લાખના ચાંદીના દાગીનાથી ભરેલી કાચની બરણી ઉઠાવી ફરાર થઈ ગઈ હતી. સમગ્ર ઘટના CCTV કેમેરામાં કેદ થતાં પોલીસે અજાણી મહિલા સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી અને ગણતરીના કલાકોમાં જ ચોર મહિલાને ઝડપી પાડી તેની પાસેથી ચાંદીની વસ્તુઓ મળીને ₹1,00,000 ઉપરાંત નો મુદ્દામાલ રિકવર કર્યો છે.
વડોદરાના આજવા રોડ સ્થિત આદેશ્વરનગરમાં રહેતા અને એમ.જી. રોડ પર જૈન મંદિર સામે આવેલી રિદ્ધિ જવેલર્સના સંચાલક સુભાષભાઈ માંગેલાલભાઈ જૈને એમ.જી. રોડ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. ફરિયાદ મુજબ, 18 જુલાઈના રોજ સાંજે આશરે 4:15 વાગ્યે તેઓ અંગત કામસર સોની બજારના ઘડિયાળી પોળ વિસ્તારમાં ગયા હતા અને દુકાનની જવાબદારી તેમની દીકરી રિયાશીને સોંપી હતી.
થોડા સમય બાદ રિયાશીએ ફોન કરીને જણાવ્યું કે એક મહિલા ઉતાવળમાં દુકાનમાંથી બહાર નીકળી ગઈ છે અને તેને શંકા છે કે તે કોઈ વસ્તુ લઈ ગઈ છે. આ જાણ થતાં સુભાષભાઈ તાત્કાલિક દુકાને પહોંચ્યા હતા. તપાસ કરતાં કેશ કાઉન્ટર પાસે શો-પીસ તરીકે રાખેલી ચાંદીના દાગીનાની પાંચ કાચની બરણીઓમાંથી એક બરણી ગાયબ હોવાનું સામે આવ્યું હતું.
ત્યારબાદ દુકાનના CCTV ફૂટેજ ચેક કરતાં એક અજાણી મહિલા ગ્રાહકના સ્વાંગમાં દુકાનમાં પ્રવેશી હતી અને તક મળતાં દીકરીની નજર ચૂકવી દાગીનાથી ભરેલી કાચની બરણી ઉઠાવી શાંતિથી બહાર નીકળી જતી સ્પષ્ટ જોવા મળી હતી.
ફરિયાદ મુજબ ચોરી થયેલા દાગીનામાં અંદાજે 11 ચાંદીના છડા કિંમત રૂ.80 હજાર અને 14 ચાંદીના લક્કી કિંમત રૂ.70 હજાર મળી રૂ.1.50 લાખના ચાંદીના દાગીનાની ચોરી થઈ છે.

ઘટનાના CCTV ફૂટેજના આધારે એમ.જી. રોડ પોલીસે અજાણી મહિલા તસ્કર રેખા ગોદડીયાને ગણતરીના કલાકોમાં જ ઝડપી પાડી હતી. પોલીસે મહિલા ચોર પાસેથી ચોરી કરેલો રૂપિયા એક લાખ ઉપરાંતનો મુદ્દામાલ રિકવર કર્યો છે.