યમનના હુથી વિદ્રોહીઓ દ્વારા લાલ સમુદ્રના મુખ્ય પ્રવેશદ્વાર ગણાતા બાબ અલ-મંદેબ જળડમરૂમધ્ય પર પ્રતિબંધ અને દરિયાઈ હુમલાની ધમકી આપ્યા બાદ વૈશ્વિક અર્થતંત્ર પર મોટો ખતરો મંડરાઈ રહ્યો છે. હોર્મુઝની સામુદ્રધુનીમાં અવરોધ ઊભો થયા બાદ સાઉદી અરેબિયા માટે ઓઈલ નિકાસ કરવાનો આ જ એકમાત્ર વિકલ્પ બચ્યો હતો. જો આ માર્ગ પણ પૂરેપૂરો બંધ થઈ જશે, તો કાચા તેલના ભાવમાં ભડકો થવાની સાથે વિશ્વભરમાં મોંઘવારીનો નવો રાઉન્ડ શરૂ થઈ શકે છે.
હુથીઓની જાહેરાત બાદ બજારમાં ક્રૂડ ઓઈલનો ભાવ વધીને $89 પ્રતિ બેરલ નજીક પહોંચી ગયો છે. જોકે, આ વર્ષે તેલના ભાવ $126 ની ટોચે પહોંચી ચૂક્યા છે. નિષ્ણાતોના મતે, આ નાકાબંધીના કારણે ૨૦૨૩ ની સરખામણીએ આ મહત્વના દરિયાઈ માર્ગો પરથી થતી જહાજોની અવરજવર ઘટીને માત્ર ત્રીજા ભાગની જ રહી ગઈ છે.
એશિયા અને યુરોપના દેશો પર શું અસર પડશે?
લાલ સમુદ્ર અને એડનની ખાડીને જોડતો આ માર્ગ એશિયા, મધ્ય પૂર્વ અને યુરોપ વચ્ચે તેલ તથા બળતણની હેરફેર માટે અતિ મહત્વનો છે. જો આ રસ્તો સંપૂર્ણ બંધ થાય તો તેની ગંભીર અસરો નીચે મુજબ થશે:
- સાઉદી નિકાસને ફટકો: સાઉદી અરેબિયાના યાન્બુ બંદર પરથી રોજનું 30 લાખ બેરલથી વધુ તેલ એશિયા તરફ જાય છે. આ માર્ગ બંધ થતાં જહાજોએ આખા આફ્રિકા ખંડનો ફરીને (કેપ ઓફ ગુડ હોપ થઈને) લાંબો ફેરો મારવો પડશે.
- એશિયન રિફાઇનરીઓને વિલંબ: ભારત અને એશિયાની રિફાઇનરીઓને મળતા કાચા તેલમાં અંદાજે એક મહિના જેટલો મોડો સપ્લાય મળશે, જેનાથી પ્રોસેસિંગ મોડું થશે.
- ડીઝલ અને વિમાન ઇંધણ મોંઘું: યુરોપમાં એશિયાથી જતું ડીઝલ અને જેટ ફ્યુઅલ અટકી જતાં શુક્રવારે યુરોપિયન ડીઝલ માર્જિન $65 પ્રતિ બેરલ ની રેકોર્ડ સપાટીએ પહોંચી ગયું હતું.
- તેલના ભાવ અને ભાડા વધશે: માલવાહક જહાજોના રૂટ લાંબા થતાં દરિયાઈ ભાડું અને વિમા પ્રીમિયમ વધી જશે. જો સપ્લાય શોર્ટ થશે તો ક્રૂડ ઓઈલના ભાવ ફરી $115 થી $120પ્રતિ બેરલ ની સપાટી વટાવી શકે છે.
સ્ટ્રેટાસ એડવાઈઝર્સના પ્રમુખ જોન પેસીના જણાવ્યા મુજબ, જો આ માર્ગ પરથી તેલનો પુરવઠો રોકાઈ જશે, તો માત્ર તેલ બજાર જ નહીં પરંતુ સમગ્ર વૈશ્વિક અર્થતંત્ર ડામાડોળ થઈ શકે છે અને વિશ્વ મંદી તરફ ધકેલાઈ શકે છે.