Gujarat

ગુજરાત મિત્ર ની ઝુંબેશને પગલે સુરતીઓને મોટી રાહત! સ્મીમેર MBBSમાં હવે 131 બેઠકો પર સ્થાનિક વિદ્યાર્થીઓને અનામત મળશે

વર્ષોથી ચાલતો વિવાદ અંતે ઉકેલાયો

સુરતના વિદ્યાર્થીઓ માટે એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. સુરત મહાનગરપાલિકા સંચાલિત સ્મીમેર (SMIMER) મેડિકલ કોલેજમાં હવે MBBS પ્રવેશ માટે સ્થાનિક સુરતના વિદ્યાર્થીઓને અગાઉ કરતાં વધુ અનામત મળશે. અત્યાર સુધી સ્થાનિક વિદ્યાર્થીઓ માટે માત્ર 70 બેઠકો અનામત રાખવામાં આવતી હતી, પરંતુ હવે નવી દરખાસ્ત મુજબ 131 બેઠકો સુરતના વિદ્યાર્થીઓ માટે અનામત રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

આ નિર્ણયથી વર્ષોથી સુરતના વિદ્યાર્થીઓ સાથે થતો અન્યાય દૂર થશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે. આ મુદ્દે લાંબા સમયથી વિદ્યાર્થી સંગઠનો, સામાજિક આગેવાનો અને વિવિધ સંસ્થાઓ દ્વારા રજૂઆતો કરવામાં આવી રહી હતી.

વર્ષોથી સુરતના વિદ્યાર્થીઓ સાથે થતો હતો અન્યાય
સ્મીમેર મેડિકલ કોલેજ સુરત મહાનગરપાલિકા દ્વારા સંચાલિત છે અને તેની સ્થાપના સુરતના નાગરિકોના ટેક્સના નાણાંથી કરવામાં આવી હતી.છતાં સ્થાનિક વિદ્યાર્થીઓને MBBS પ્રવેશમાં પૂરતો લાભ મળતો નહોતો.શરૂઆતમાં કોલેજમાં કુલ 100 બેઠકો હતી, જેમાંથી સ્થાનિક વિદ્યાર્થીઓ માટે 70 બેઠકો અનામત હતી. બાદમાં MBBSની બેઠકો વધીને 250 થઈ ગઈ, પરંતુ સ્થાનિક ક્વોટો માત્ર 70 બેઠકો સુધી જ મર્યાદિત રહ્યો. પરિણામે સુરતના અનેક વિદ્યાર્થીઓને અન્ય શહેરોની ખાનગી મેડિકલ કોલેજોમાં લાખો રૂપિયાની ફી ચૂકવીને અભ્યાસ કરવો પડતો હતો.

સતત વિરોધ બાદ તંત્ર હરકતમાં આવ્યું
આ મુદ્દે છેલ્લા કેટલાક વર્ષોથી વિદ્યાર્થી સંગઠનો, સામાજિક સંસ્થાઓ અને શહેરના આગેવાનો દ્વારા સતત રજૂઆતો કરવામાં આવી રહી હતી. વિવિધ મંચો પરથી સુરતના વિદ્યાર્થીઓને ન્યાય આપવાની માંગ ઉઠાવવામાં આવી હતી.
આ મુદ્દાને લઈને અખબારોમાં પણ સતત અભિયાન ચલાવવામાં આવ્યું હતું, જેના કારણે સમગ્ર મામલો સરકાર અને તંત્રના ધ્યાન પર આવ્યો હતો.

હવે 70 નહીં, સીધી 131 બેઠકો
નવી દરખાસ્ત મુજબ સ્મીમેરની કુલ 250 MBBS બેઠકોમાંથી:
15 ટકા (38 બેઠકો) – NRI ક્વોટા
10 ટકા (25 બેઠકો) – મેનેજમેન્ટ ક્વોટા
75 ટકા (188 બેઠકો) – સરકારી ક્વોટા
આ 188 સરકારી બેઠકોમાંથી હવે 70 ટકા એટલે કે 131 બેઠકો સુરતના સ્થાનિક વિદ્યાર્થીઓ માટે અનામત રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

અગાઉ આ જ ક્વોટામાં સ્થાનિક વિદ્યાર્થીઓને માત્ર 70 બેઠકો મળતી હતી.
વધતી વસ્તી અને ડોક્ટરોની જરૂરિયાતને ધ્યાનમાં રાખીને નિર્ણય, સુરત શહેરની વસ્તી સતત વધી રહી છે. હાલમાં શહેરમાં અંદાજે 45 લાખથી વધુની વસ્તી વસે છે અને દર વર્ષે તેમાં નોંધપાત્ર વધારો થઈ રહ્યો છે.બીજી તરફ શહેરમાં સરકારી હોસ્પિટલોમાં ડોક્ટરોની માંગ પણ સતત વધી રહી છે. આવી સ્થિતિમાં સ્થાનિક વિદ્યાર્થીઓને વધુ તક મળે તો ભવિષ્યમાં શહેરને વધુ ડોક્ટરો મળી શકે તેવો મત નિષ્ણાતો વ્યક્ત કરી રહ્યા છે.

સ્થાયી સમિતિની બેઠકમાં મળશે મંજૂરી
આ નવી દરખાસ્તને આગામી સ્થાયી સમિતિની બેઠકમાં મંજૂરી માટે રજૂ કરવામાં આવશે. ત્યારબાદ રાજ્ય સરકારની મંજૂરી મેળવવાની પ્રક્રિયા હાથ ધરાશે.સરકારી મંજૂરી મળ્યા બાદ નવા નિયમ મુજબ આગામી MBBS પ્રવેશ પ્રક્રિયામાં સ્થાનિક વિદ્યાર્થીઓને વધારેલી અનામતનો લાભ મળશે.

વિદ્યાર્થીઓ અને વાલીઓમાં ખુશીનો માહોલ
નવા નિર્ણયના સમાચાર બાદ સુરતના વિદ્યાર્થીઓ અને વાલીઓમાં ખુશી જોવા મળી રહી છે.ઘણા વાલીઓનું માનવું છે કે સુરતના નાગરિકોના ટેક્સથી ચાલતી મેડિકલ કોલેજમાં પ્રથમ અધિકાર સ્થાનિક વિદ્યાર્થીઓનો હોવો જોઈએ. હવે વધારેલી અનામતને કારણે વધુ વિદ્યાર્થીઓને પોતાના શહેરમાં જ ઓછા ખર્ચે MBBSનો અભ્યાસ કરવાની તક મળશે.

સરકાર સામે હવે અમલનો પડકાર
દરખાસ્ત તૈયાર થઈ ગઈ હોવા છતાં હવે સૌથી મોટો પડકાર સરકાર પાસેથી અંતિમ મંજૂરી મેળવવાનો રહેશે.
જો સરકાર આ દરખાસ્તને મંજૂરી આપે છે તો આગામી શૈક્ષણિક સત્રથી સુરતના વિદ્યાર્થીઓને સીધો લાભ મળશે અને વર્ષોથી ચાલતો વિવાદ પણ સમાપ્ત થશે.

સુરત માટે ઐતિહાસિક નિર્ણય
સ્મીમેર MBBS પ્રવેશમાં સ્થાનિક વિદ્યાર્થીઓ માટે 70 બેઠકોમાંથી વધારીને 131 બેઠકો અનામત કરવાનો નિર્ણય સુરત માટે ઐતિહાસિક માનવામાં આવી રહ્યો છે. જો સરકારની અંતિમ મંજૂરી મળી જશે તો સુરતના અનેક વિદ્યાર્થીઓનું ડોક્ટર બનવાનું સપનું હવે પોતાના શહેરમાં જ સાકાર થઈ શકશે. વર્ષોથી ઉઠતી માંગને આખરે તંત્રએ સ્વીકારી છે અને હવે તમામની નજર સરકારની અંતિમ મંજૂરી પર છે.

Most Popular

To Top