Gujarat

ગુજરાતમાં મિલકતોના ફરીદ-વેચાણ પર રાજ્ય સરકારનો સૌથી મોટો નિર્ણય: હવે ‘અશાંતધારા’ નહીં, ‘સ્પેસિફાઇડ એરિયા’ શબ્દથી થશે કાર્યવાહી

ગેરકાયદે સોદા કરનારાઓ સામે SIT, મોનિટરિંગ કમિટી અને કડક કાયદાકીય કાર્યવાહીનો અમલ

સંવેદનશીલ વિસ્તારોમાં મિલકતના ટ્રાન્સફર માટે નવા નિયમો અમલમાં; ગેરકાયદે સોદા કરનારાઓ સામે કડક કાર્યવાહી, 6 મહિનામાં રકમ પરત નહીં કરે તો મૂળ માલિકને મિલકત પરત સોંપવાનો નિયમ, જિલ્લા કલેક્ટરને વિશેષ સત્તા

ગુજરાતમાં મિલકતના સોદા માટે સરકારે અમલમાં લાવ્યા નવા નિયમો, ‘અશાંતધારા’ને બદલે હવે ‘સ્પેસિફાઇડ એરિયા’ શબ્દનો થશે સત્તાવાર ઉપયોગ,ગુજરાત સરકારે રાજ્યમાં કોમી તણાવગ્રસ્ત, અતિ સંવેદનશીલ વિસ્તારોમાં મિલકતોના ખરીદ-વેચાણ અને ટ્રાન્સફરની પ્રક્રિયાને વધુ પારદર્શક, કાયદેસર અને સુવ્યવસ્થિત બનાવવા માટે મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. સરકારે હવે અત્યાર સુધી પ્રચલિત રહેલા ‘અશાંતધારા’ શબ્દને બદલે ‘સ્પેસિફાઇડ એરિયા (Specified Area)’ શબ્દનો સત્તાવાર ઉપયોગ કરવાનો નિર્ણય જાહેર કર્યો છે.

સરકારના નવા નોટિફિકેશન અનુસાર આ ફેરફાર માત્ર શબ્દપ્રયોગ પૂરતો નથી, પરંતુ સમગ્ર પ્રક્રિયાને વધુ સ્પષ્ટ, કાયદેસર અને આધુનિક બનાવવાનો પ્રયાસ છે. નવા નિયમો હેઠળ મિલકતોના ટ્રાન્સફર, ખરીદ-વેચાણ અને મંજૂરીની પ્રક્રિયામાં અનેક મહત્વપૂર્ણ સુધારા કરવામાં આવ્યા છે.

પર્સન એગ્રીવ્ડ’ શબ્દની નવી વ્યાખ્યા
સરકારે નવા નિયમોમાં ‘પર્સન એગ્રીવ્ડ (Person Aggrieved)’ શબ્દની સ્પષ્ટ વ્યાખ્યા પણ જાહેર કરી છે. મિલકતના સોદાથી સીધી અસર થતી વ્યક્તિને આ શ્રેણીમાં ગણવામાં આવશે. આવા કેસોમાં જિલ્લા સ્તરે રચાયેલી મોનિટરિંગ કમિટી સમગ્ર મામલાની સમીક્ષા કરીને જિલ્લા કલેક્ટર તેમજ રાજ્ય સરકારને જરૂરી ભલામણો કરશે.

જિલ્લા કલેક્ટરને મળશે વિશેષ સત્તા
જો કોઈ વિસ્તારમાં કોમી તણાવ, સામાજિક અસંતુલન અથવા કાયદો-વ્યવસ્થાની સ્થિતિ બગડવાની શક્યતા જણાશે તો જિલ્લા કલેક્ટર તે વિસ્તારને ‘સ્પેસિફાઇડ એરિયા’ જાહેર કરી શકશે. તે પહેલાં મિલકતના ટ્રાન્સફર અંગે વિગતવાર તપાસ હાથ ધરાશે અને તમામ પાસાઓની સમીક્ષા કરવામાં આવશે.જો તપાસ દરમિયાન જણાશે કે મિલકતના ટ્રાન્સફરથી જાહેર શાંતિ ભંગ થવાની શક્યતા છે, તો કલેક્ટર સોદાને મંજૂરી આપવાનો ઇનકાર પણ કરી શકશે.

ગેરકાયદે સોદા પર SIT કરશે તપાસ
મિલકતોના ગેરકાયદે ટ્રાન્સફર અને કાયદાનો દુરુપયોગ અટકાવવા માટે રાજ્ય સરકારે સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ (SIT) બનાવવાનો નિર્ણય કર્યો છે. કોઈપણ શંકાસ્પદ અથવા ગેરરીતિપૂર્ણ સોદાની તપાસ SIT દ્વારા કરવામાં આવશે.
આ ઉપરાંત સમગ્ર પ્રક્રિયા પર નજર રાખવા માટે મોનિટરિંગ કમિટી પણ કાર્યરત રહેશે, જે નિયમિત રીતે કેસોની સમીક્ષા કરશે અને જરૂરી માર્ગદર્શન આપશે.

6 મહિનામાં રકમ પરત નહીં કરે તો મિલકત મૂળ માલિકને પરત મળશે
નવા નિયમોનો સૌથી મહત્વપૂર્ણ મુદ્દો એ છે કે જો ગેરકાયદે મિલકત ટ્રાન્સફરનો સોદો રદ કરવામાં આવે અને ખરીદદારે વેચનારને 6 મહિનાની અંદર ચૂકવેલી રકમ પરત ન કરે, તો સંબંધિત મિલકત ફરીથી મૂળ માલિકને પરત સોંપવાની જોગવાઈ કરવામાં આવી છે.સરકારનું માનવું છે કે આ જોગવાઈથી ગેરકાયદે સોદાઓ પર અસરકારક નિયંત્રણ આવશે અને મિલકતના વ્યવહારોમાં વિશ્વાસ વધશે.

ડિજિટલ મોનિટરિંગ અને કડક કાર્યવાહી
સરકારે સમગ્ર પ્રક્રિયામાં ડિજિટલ મોનિટરિંગને પણ મહત્વ આપ્યું છે. શંકાસ્પદ સોદાઓની સતત દેખરેખ રાખવામાં આવશે અને નિયમોનો ભંગ કરનારાઓ સામે કાયદેસર કાર્યવાહી કરવામાં આવશે. ગેરકાયદે દસ્તાવેજો, ખોટી માહિતી અથવા નિયમોનું ઉલ્લંઘન સાબિત થશે તો સંબંધિત વ્યક્તિઓ સામે કડક પગલાં લેવામાં આવશે.

પારદર્શક અને સુરક્ષિત મિલકત વ્યવહાર તરફ સરકારનું વધુ એક પગલું
રાજ્ય સરકારના જણાવ્યા મુજબ નવા નિયમોનો મુખ્ય હેતુ મિલકતોના વ્યવહારોમાં પારદર્શિતા વધારવાનો, ગેરકાયદે સોદાઓ અટકાવવાનો, સંવેદનશીલ વિસ્તારોમાં કાયદો અને વ્યવસ્થા જાળવવાનો તેમજ નાગરિકોના હિતોનું રક્ષણ કરવાનો છે. નવા નિયમો અમલમાં આવ્યા બાદ સમગ્ર રાજ્યમાં મિલકતોના ખરીદ-વેચાણની પ્રક્રિયા વધુ જવાબદાર, સુરક્ષિત અને કાયદેસર બનશે.

Most Popular

To Top