Gujarat

ગુજરાત સચિવાલયમાં વહીવટી પ્રક્રિયાને મળશે નવી ગતિ! રાજ્ય સરકારનો મોટો નિર્ણય

સેકશન ઓફિસરના 28 નવા પદોને મંજૂરી; હવે ફાઈલોના ઝડપી નિકાલ સાથે સરકારના નિર્ણયો થશે વધુ અસરકારક

સેકશન ઓફિસરની કુલ સંખ્યા 606થી વધીને 634 થશે; મુખ્યમંત્રી કાર્યાલય સહિત 26 વિભાગો અને 19 કચેરીઓને મળશે સીધો લાભ, વહીવટી કામગીરીમાં આવશે ઝડપ અને પારદર્શિતા

ગુજરાત સરકારે રાજ્યના વહીવટી તંત્રને વધુ કાર્યક્ષમ, ઝડપી અને સુવ્યવસ્થિત બનાવવા માટે મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. સામાન્ય વહીવટ વિભાગ (GAD) દ્વારા સચિવાલયમાં સેકશન ઓફિસર (વર્ગ-2) ના 28 નવા પદોને મંજૂરી આપવામાં આવી છે. આ નિર્ણય બાદ સેકશન ઓફિસરની કુલ સંખ્યા 606થી વધીને 634 થશે. રાજ્ય સરકારના જણાવ્યા અનુસાર છેલ્લા કેટલાક વર્ષોમાં સરકારી યોજનાઓ, વહીવટી જવાબદારીઓ અને વિભાગીય કામગીરીમાં નોંધપાત્ર વધારો થયો છે. તેના કારણે વિવિધ વિભાગોમાં ફાઈલોના નિકાલમાં વધુ સમય લાગતો હતો. હવે નવા પદોની રચના થતાં ફાઈલોના ઝડપી નિકાલ, નિર્ણય પ્રક્રિયામાં ઝડપ અને કાર્યક્ષમતામાં વધારો થશે.

આ નિર્ણયનો સીધો લાભ મુખ્યમંત્રી કાર્યાલય (CMO) સહિત રાજ્યના 26 વિભાગો અને 19 કચેરીઓને મળશે. વિવિધ વિભાગોમાં કામનો વધતો બોજ ઘટાડવા તેમજ અધિકારીઓ વચ્ચે જવાબદારીઓનું યોગ્ય વિતરણ કરવા માટે આ નવી વ્યવસ્થા અમલમાં મુકવામાં આવી છે.સરકારે કેડર સ્ટ્રેન્થની વ્યાપક સમીક્ષા કર્યા બાદ આ નિર્ણય લીધો છે. સમીક્ષા દરમિયાન જાણવા મળ્યું હતું કે અનેક વિભાગોમાં વધતી કામગીરીને પહોંચી વળવા માટે સેકશન ઓફિસરની સંખ્યા વધારવી જરૂરી બની ગઈ હતી. તેના આધારે નવા પદો મંજૂર કરવામાં આવ્યા છે.

ઉલ્લેખનીય છે કે રાજ્ય સરકારે ગયા વર્ષે સચિવાલય સંવર્ગના 68 નાયબ સેકશન અધિકારીઓ (વર્ગ-3)ને બઢતી આપી સેકશન ઓફિસર (વર્ગ-2) તરીકે નિયુક્ત કર્યા હતા. હવે નવા 28 પદોની મંજૂરી મળતા આ અધિકારીઓની કામગીરી વધુ અસરકારક રીતે ગોઠવી શકાશે.સરકારનું માનવું છે કે નવી વ્યવસ્થા અમલમાં આવ્યા બાદ ફાઈલોની અવરજવર વધુ સુગમ બનશે, નીતિગત નિર્ણયો ઝડપથી લેવામાં આવશે અને સામાન્ય નાગરિકોને પણ સરકારી સેવાઓનો લાભ ઓછા સમયમાં મળી શકશે.

વહીવટી સુધારાના ભાગરૂપે લેવામાં આવેલા આ નિર્ણયથી ગુજરાત સરકારના ગવર્નન્સ મોડલને વધુ મજબૂત આધાર મળશે. વિવિધ વિભાગો વચ્ચે સંકલન વધશે, કામગીરીમાં પારદર્શિતા આવશે અને વિકાસલક્ષી યોજનાઓના ઝડપી અમલીકરણને પણ પ્રોત્સાહન મળશે. સરકારના આ મહત્વપૂર્ણ નિર્ણયને રાજ્યના વહીવટી તંત્રને આધુનિક, જવાબદાર અને પરિણામલક્ષી બનાવવાના પ્રયાસ તરીકે જોવામાં આવી રહ્યો છે. આગામી સમયમાં પણ જરૂરિયાત મુજબ વિભાગીય માળખામાં સુધારા કરીને શાસન વ્યવસ્થાને વધુ કાર્યક્ષમ બનાવવાના પ્રયાસો ચાલુ રહેશે.

Most Popular

To Top