વડોદરામાં અત્યાર સુધીમાં 8.20 લાખ મીટર પૈકી 2.50 ઘરોમાં સ્માર્ટ મીટર લાગ્યા, ડિસેમ્બર 2026 સુધીમાં તમામ ઘરોમાં સ્માર્ટ મીટરનો લક્ષ્યાંક પૂર્ણ કરાશે

વડોદરા શહેરમાં સ્માર્ટ મીટરને લઈને ચાલી રહેલા વિરોધ અને વિવિધ શંકાઓ વચ્ચે શહેરના ધારાસભ્ય કેયુર રોકડીયાએ પોતાના નિવાસસ્થાને વીજ કંપનીના અધિકારીઓની હાજરીમાં સ્માર્ટ મીટર લગાવ્યું હતું. સાથે જ નાગરિકોને સ્માર્ટ મીટર અંગેના ભ્રમ દૂર કરી તેના લાભો વિશે માહિતગાર કર્યા હતા.
ઉલ્લેખનીય છે કે, વડોદરા શહેરમાં અંદાજે 8.20 લાખ વીજ ગ્રાહકો સામે અત્યાર સુધીમાં લગભગ 2.50 લાખ સ્માર્ટ મીટર ઇન્સ્ટોલ કરવામાં આવ્યા છે. વીજ કંપની દ્વારા આગામી સમયમાં બાકીના ગ્રાહકોને પણ તબક્કાવાર સ્માર્ટ મીટર ઉપલબ્ધ કરાવવાની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે.
સયાજીગંજના ધારાસભ્ય કેયુર રોકડીયાએ જણાવ્યું હતું કે, હાલમાં જ સરકારની વિવિધ સિદ્ધિઓ અને સરાહનીય કામગીરીના ભાગરૂપે હું અને સાંસદશ્રી સુભાનપુરા MGVCLની ઓફિસ પર ગયા હતા. ત્યાં અમે MGVCL દ્વારા લોકો માટે જે કામગીરી કરવામાં આવે છે તે નિહાળી હતી અને સ્માર્ટ મીટરના ફાયદાઓને પણ વિગતવાર સમજ્યા હતા. આ ફાયદાઓથી પ્રભાવિત થઈને આજે મેં મારા ઘરેથી સાદું ડિજિટલ મીટર કઢાવીને સ્માર્ટ મીટર નંખાવવાનું નક્કી કર્યું છે.
તેઓએ વધુમાં જણાવ્યું હતું કે, લોકોને ચિંતા હતી કે જો અડધી રાત્રે બેલેન્સ પૂરું થઈ જાય તો રિચાર્જ કરવા ક્યાં જવું? આથી સરકારે સ્માર્ટ મીટરને પોસ્ટપેડ મોડમાં રાખવાનું નક્કી કર્યું છે, જેથી આ સમસ્યાનું નિરાકરણ આવી ગયું. કેટલાક લોકોને એવું લાગે છે કે, સ્માર્ટ મીટર વધુ ઝડપથી ફરે છે અને વીજ બિલ વધારે આવે છે. તેથી જે લોકોના મનમાં એવી શંકા છે તેઓ જૂના ડિજિટલ મીટરને જ બાજુમાં ચેક મીટર તરીકે રાખવા કહી શકે છે. જેથી લોકો બંને મીટરના રીડિંગ સરખાવીને આશ્વસ્ત થઈ શકે કે બંનેમાં રીડિંગ સરખું જ આવે છે.
જે ગ્રાહકોને ત્યાં પ્રીપેડ સ્માર્ટ મીટર લાગેલા છે, તેમને વીજ બિલમાં એનર્જી ચાર્જ પર 3%ની રિબેટ આપવામાં આવી રહી છે. આ ઉપરાંત, જે ગ્રાહકો સ્માર્ટ મીટર નંખાવે છે તેમને સવારે 11થી સાંજના 5 વાગ્યા દરમિયાન વપરાશ થતા પ્રતિ યુનિટ પર 60 પૈસાની રિબેટ પણ સરકાર આપી રહી છે. સ્માર્ટ મીટરનો સૌથી મોટો ફાયદો એ છે કે તમે રિયલ ટાઈમ એપ દ્વારા તમારા વીજ વપરાશ અને સોલર જનરેશનનું મોનિટરિંગ કરી શકો છો. આટલી પારદર્શક સિસ્ટમ હોવાથી મારો લોકોને અનુરોધ છે કે તેઓ પણ આ સુવિધાનો લાભ લે.
MGVCLના સુપ્રિટેન્ડેન્ટ એન્જિનિયર પી. એન. થાનાવાલાએ જણાવ્યું હતું કે, હાલમાં ધારાસભ્ય કેયુર રોકડીયા સાહેબના ઘરે સ્માર્ટ મીટર લગાવવાની કામગીરી ચાલી રહી છે. વડોદરા શહેરની વાત કરીએ તો માર્ચ 2024થી અમે સ્માર્ટ મીટર લગાવવાની શરૂઆત કરી હતી. ત્યારથી લઈને અત્યાર સુધીમાં વડોદરાના આશરે 8.20 લાખ ગ્રાહકોમાંથી 2.50 જેટલા ઘરોમાં સ્માર્ટ મીટર સફળતાપૂર્વક લગાવી દેવામાં આવ્યા છે.
તેઓએ વધુમાં જણાવ્યું હતું કે, હું ગ્રાહકોને સ્પષ્ટ કરવા માંગું છું કે સ્માર્ટ મીટર સામાન્ય મીટર જેવા જ છે અને તે બાય ડિફોલ્ટ પોસ્ટપેડ મોડમાં જ હોય છે. જો ગ્રાહક પોતે ઈચ્છે અને પોતાની સંમતિ આપે, તો જ તેને પ્રીપેડ મોડમાં કન્વર્ટ કરવામાં આવે છે. વળી, તેની એક્યુરેસી પણ અન્ય ડિજિટલ મીટર જેવી જ સચોટ છે, એટલે મનમાં કોઈ શંકા રાખવાની જરૂર નથી. શરૂઆતમાં જે વિરોધ કે ભ્રમણાઓ હતી તે હવે ગ્રાહકોને સ્માર્ટ મીટરના ફાયદા સમજાતા ઓછી થઈ ગઈ છે. હવે કોઈપણ પ્રકારની કમ્પ્લેઈન આવતી નથી અને લોકો સામે ચાલીને પોતાના ઘરે સ્માર્ટ મીટર નંખાવી રહ્યા છે.
તેઓએ વધુમાં જણાવ્યું હતું કે, વડોદરા શહેરમાં અમારું પ્રાથમિક લક્ષ્ય ડિસેમ્બર 2026 સુધીમાં કામગીરી પૂર્ણ કરવાનું છે, પરંતુ જો સમય લંબાય તો વધુમાં વધુ માર્ચ 2027 સુધીમાં સમગ્ર વડોદરાને સ્માર્ટ મીટરથી આવરી લેવાશે. આ કામગીરીમાં અમારી પ્રાથમિકતા પહેલા ઇન્ડસ્ટ્રિયલ અને કોમર્શિયલ ગ્રાહકોના મીટર બદલવાની છે, ત્યારબાદ બાકીના રહેણાંક વિસ્તારો પૂર્ણ કરવામાં આવશે.