ભારતીય નાવિકના મોત બાદ કેન્દ્ર સરકારની ‘Seafarer-First’ પહેલ; પર્શિયન ગલ્ફ, હોર્મુઝ જળમાર્ગ અને ઓમાનની ખાડીમાં કામ કરતા દરેક ભારતીય નાવિક પર રહેશે રિયલ-ટાઈમ નજર, પરિવાર માટે પણ ખાસ વ્યવસ્થા
મિડલ ઈસ્ટમાં વધતા સમુદ્રી તણાવ અને હોર્મુઝ જળમાર્ગમાં વેપારી જહાજો પર થયેલા હુમલાઓ બાદ ભારત સરકારે ભારતીય નાવિકોની સુરક્ષાને સર્વોચ્ચ પ્રાથમિકતા આપતો મહત્વપૂર્ણ નિર્ણય જાહેર કર્યો છે. હવે પર્શિયન ગલ્ફ, હોર્મુઝ જળમાર્ગ અને ગલ્ફ ઑફ ઓમાન વિસ્તારમાં કાર્યરત દરેક ભારતીય નાવિક પર ભારત સરકાર સીધી નજર રાખશે, પછી ભલે તે ભારતીય ધ્વજ ધરાવતા જહાજમાં હોય કે કોઈ વિદેશી ધ્વજ ધરાવતા જહાજમાં કામ કરતો હોય. કેન્દ્ર સરકારે આ નવી પહેલને ‘Seafarer-First’ નામ આપ્યું છે.
આ નિર્ણય એવા સમયે લેવામાં આવ્યો છે જ્યારે હોર્મુઝ જળમાર્ગમાં બે વેપારી જહાજો પર થયેલા હુમલામાં એક ભારતીય નાવિકનું મોત થયું હતું અને અનેક ભારતીય નાવિકો ઘાયલ થયા હતા. આ ઘટનાએ ભારત સરકારને વધુ સક્રિય સુરક્ષા વ્યવસ્થા ઉભી કરવા પ્રેરિત કરી છે.કેન્દ્રીય બંદર, શિપિંગ અને જળમાર્ગ મંત્રી સર્વાનંદ સોનોવાલે ડિરેક્ટોરેટ જનરલ ઓફ શિપિંગ (DG Shipping)ને સ્પષ્ટ સૂચના આપી છે કે સંઘર્ષગ્રસ્ત વિસ્તારમાં કાર્યરત દરેક ભારતીય નાવિકની માહિતી એક જ ડિજિટલ સિસ્ટમમાં ઉપલબ્ધ હોવી જોઈએ. સરકાર હવે કોઈ પણ ભારતીય નાવિકની સ્થિતિ અંગે અજાણ નહીં રહે.
નવી વ્યવસ્થા હેઠળ એક વિશેષ રિયલ-ટાઈમ ઓપરેશનલ ડેશબોર્ડ તૈયાર કરવામાં આવશે. આ ડેશબોર્ડમાં જહાજનું વર્તમાન સ્થાન, તે કયા દેશના ધ્વજ હેઠળ નોંધાયેલું છે, માલિકી, કયો માલ લઈ જઈ રહ્યું છે, કેટલા ભારતીય નાવિકો કાર્યરત છે, તેમની સુરક્ષા સ્થિતિ, જોખમનું મૂલ્યાંકન, આગામી બંદર, તેમજ ખોરાક, ઇંધણ, દવાઓ અને સંચાર જેવી આવશ્યક સુવિધાઓની માહિતી સતત અપડેટ કરવામાં આવશે.
સરકારે પરિવારજનો માટે પણ ખાસ વ્યવસ્થા જાહેર કરી છે. હવે દરેક સંવેદનશીલ વિસ્તારમાં કાર્યરત ભારતીય નાવિકોના પરિવાર સાથે સતત સંપર્ક જળવાઈ રહે તે માટે લાયઝન ઓફિસરોની નિમણૂક કરવામાં આવશે. કોઈ પણ આકસ્મિક પરિસ્થિતિ સર્જાય તો પરિવારને તાત્કાલિક સત્તાવાર માહિતી આપવામાં આવશે અને જરૂરી સહાય ઉપલબ્ધ કરાવવામાં આવશે.
સરકારના જણાવ્યા અનુસાર, હોર્મુઝ વિસ્તારમાં તાજેતરમાં હુમલાનો ભોગ બનેલા બે વેપારી જહાજોમાં કુલ 30 ભારતીય નાવિકો કાર્યરત હતા. એક જહાજમાં ભારતીય નાવિક રોહન કુમારનું મોત થયું હતું, જ્યારે અન્ય અનેક ભારતીય નાવિકો ઘાયલ થયા હતા, જેમાંથી કેટલાકની હાલત ગંભીર હોવાનું જણાવાયું છે. આ ઘટનાને ધ્યાનમાં રાખીને સુરક્ષા વ્યવસ્થા વધુ મજબૂત બનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
ભારત સરકારે સ્પષ્ટ કર્યું છે કે હવે જહાજ ભારતીય છે કે વિદેશી, તે મુદ્દો ગૌણ રહેશે. સૌથી મહત્વનું એ રહેશે કે તેમાં ભારતીય નાગરિક કાર્યરત છે કે નહીં. જો કોઈ ભારતીય નાવિક જોખમગ્રસ્ત વિસ્તારમાં ફરજ બજાવી રહ્યો હશે તો તેની સુરક્ષા અને સ્થિતિ પર સરકાર સતત નજર રાખશે.વિદેશ મંત્રાલયે પણ વેપારી જહાજો પર થયેલા હુમલાની કડક નિંદા કરી છે અને આંતરરાષ્ટ્રીય સમુદ્રી માર્ગોની સુરક્ષા જાળવવા પર ભાર મૂક્યો છે. સરકારે સંબંધિત દેશો સમક્ષ પોતાની ચિંતા વ્યક્ત કરી છે અને વેપારી જહાજો પરના હુમલા તાત્કાલિક બંધ થાય તેવી માંગ કરી છે.
સરકારી આંકડાઓ મુજબ, પશ્ચિમ એશિયામાં શરૂ થયેલા સંઘર્ષ દરમિયાન ભારતીય નાવિકોને અસર કરતી ઘટનાઓ નોંધાઈ છે. વેપારી જહાજો પર હુમલા, ઇજાઓ અને જાનહાનિના બનાવોને ધ્યાનમાં રાખીને હવે સમગ્ર સુરક્ષા વ્યવસ્થાને વધુ સુવ્યવસ્થિત બનાવવામાં આવી રહી છે.તેમજ મેરિટાઈમ સુરક્ષા નિષ્ણાતોનું માનવું છે કે ભારતનો આ નિર્ણય હજારો ભારતીય નાવિકો અને તેમના પરિવારો માટે મહત્વપૂર્ણ સાબિત થશે. મહત્વ નું છે કે ભારતીય નાવિકો વિશ્વભરના હજારો વેપારી જહાજોમાં સેવા આપે છે અને મધ્ય પૂર્વના સમુદ્રી માર્ગો વૈશ્વિક ઊર્જા અને વેપાર માટે અત્યંત મહત્વપૂર્ણ ગણાય છે. આવા સંજોગોમાં સરકાર દ્વારા રિયલ-ટાઈમ મોનિટરિંગ શરૂ કરવું એક મોટું સુરક્ષા પગલું માનવામાં આવી રહ્યું છે.
કેન્દ્ર સરકારે સંબંધિત તમામ એજન્સીઓને પરસ્પર સંકલન વધારવા, જોખમવાળા વિસ્તારોમાં ભારતીય નાવિકોની સુરક્ષા સુનિશ્ચિત કરવા અને કોઈ પણ કટોકટીમાં ઝડપી પ્રતિસાદ આપવા માટે સૂચનાઓ આપી છે. સાથે જ નાવિકોની સુરક્ષા, કલ્યાણ અને પરિવારજનોને સમયસર માહિતી પહોંચાડવાની વ્યવસ્થા હવે વધુ મજબૂત બનાવવામાં આવશે.
ભારત સરકારનો આ નિર્ણય માત્ર એક નીતિગત જાહેરાત નહીં પરંતુ વૈશ્વિક સંઘર્ષ વચ્ચે સમુદ્રમાં ફરજ બજાવતા ભારતીય નાવિકોની સુરક્ષા પ્રત્યેની પ્રતિબદ્ધતાનો મહત્વપૂર્ણ સંદેશ માનવામાં આવી રહ્યો છે. હવે કોઈપણ ભારતીય નાવિક, ભલે તે વિશ્વના કોઈપણ દેશના ધ્વજ હેઠળ ચાલતા જહાજમાં કેમ ન હોય, તેની સુરક્ષા અને કલ્યાણ અંગે ભારત સરકાર સતત સતર્ક રહેશે.