માતા-પિતા બહાર ગયાનો લાભ લઈ ઘરમાં ઘૂસી યુવતીનો હાથ પકડી બાથ ભીડી શારીરિક અડપલાં કર્યા હોવાનો આક્ષેપ; માતા આવી જતાં ભાંડો ફૂટ્યો
વડોદરા, તા. 14
દીકરીઓ માટે સૌથી સુરક્ષિત મનાતું પોતાનું ઘર જ અસુરક્ષિત બનતું જાય છે તેવી ચિંતાજનક સ્થિતિ સર્જાઈ રહી છે. યુવતીઓ અને સગીરાઓની એકલતાનો લાભ લઈ તેમની સાથે છેડતી અને શારીરિક અડપલાંની ઘટનાઓ સતત સામે આવી રહી છે. આવી જ વધુ એક ચોંકાવનારી ઘટના પાદરા તાલુકાના એક ગામમાં પ્રકાશમાં આવી છે.
પોલીસ ફરિયાદ મુજબ, 19 વર્ષીય યુવતીના માતા-પિતા ઘરેથી બહાર ગયા હોવાથી તે ઘરે એકલી હતી. આ દરમિયાન પડોશમાં રહેતા વિનુભાઈ છીતાભાઈ રોહિત (ઉંમર 56 વર્ષ) ઘરમાં ઘૂસ્યા હતા. આરોપ છે કે તેમણે યુવતીની એકલતાનો લાભ લઈ તેનો હાથ પકડી બાથ ભીડી તેની સાથે શારીરિક અડપલાં કર્યા હતા.
આ ઘટનાથી યુવતી ગભરાઈ ગઈ હતી. દરમિયાન તેની માતા અચાનક ઘરે આવી પહોંચતા સમગ્ર ઘટનાનો ભાંડો ફૂટ્યો હતો. માતાએ વિરોધ કરતાં આરોપી સ્થળ પરથી ભાગી છૂટ્યો હોવાનું ફરિયાદમાં જણાવાયું છે.
ત્યારબાદ પરિવારે પોલીસનો સંપર્ક કરી સમગ્ર ઘટનાની જાણ કરતાં ફરિયાદ નોંધવામાં આવી હતી. પોલીસે આરોપી વિનુભાઈ છીતાભાઈ રોહિત વિરુદ્ધ ગુનો નોંધી તેની શોધખોળ શરૂ કરી છે.
તાજેતરમાં જ વડોદરાના છાણી વિસ્તારમાં પણ ઘરમાં એકલી રહેલી આઠ વર્ષની બાળકી સાથે દુષ્કર્મની ઘટના સામે આવી હતી. તેના થોડા જ દિવસોમાં પાદરા તાલુકામાં બનેલી આ ઘટનાએ ફરી એકવાર મહિલાઓ અને યુવતીઓની સુરક્ષા અંગે ગંભીર પ્રશ્નો ઉભા કર્યા છે.