Vadodara

45મી ભગવાન શ્રી જગન્નાથજીની રથયાત્રાનું ભવ્ય આયોજન,45 ટન શીરાનો મહાપ્રસાદ વહેંચાશે

બપોરે 2:30 વાગ્યે રેલવે સ્ટેશનથી પ્રારંભ – મેયર ગીતાબેન પાછિંદ વિધિ કરશે, 8 વાગ્યે બરોડા હાઈસ્કૂલ પાસે પૂર્ણાહુતિ

( પ્રતિનિધિ )વડોદરા,તા.14

વડોદરામાં આષાઢ સુદ બીજ આષાઢી બીજ ગુરુવાર તા. 16 જુલાઈના પાવન અવસરે ઈસ્કોન મંદિર વડોદરા દ્વારા શહેરની 45મી ભગવાન શ્રી જગન્નાથજીની ભવ્ય રથયાત્રા મહોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. પરંપરા અનુસાર વડોદરાના પ્રથમ નાગરિક મેયર ગીતાબેન મકવાણા અન્ય મહાનુભાવો સાથે રથયાત્રા પ્રારંભ પહેલાં પરંપરાગત પાછિંદ વિધિ સંપન્ન કરશે. રથની પાછળ શુદ્ધ દેશી ઘીમાં તૈયાર કરાયેલ 45,000 કિલોગ્રામ એટલે કે 45 ટન શીરાનો મહાપ્રસાદ હજારો શ્રદ્ધાળુઓને વહેંચવામાં આવશે.

ઈસ્કોનના સ્થાપકાચાર્ય પરમ પૂજ્ય શ્રી શ્રીમદ્ અભય ચરણારવિંદ ભક્તિવેદાંત સ્વામી શ્રીલ પ્રભુપાદે વિશ્વના અનેક શહેરોમાં રથયાત્રાની શરૂઆત કરીને તેને વૈશ્વિક આધ્યાત્મિક અને સાંસ્કૃતિક મહોત્સવનું સ્વરૂપ આપ્યું છે. આજે વિશ્વભરમાં દર વર્ષે ઇસ્કોન દ્વારા 1000થી વધુ રથયાત્રાઓનું આયોજન થાય છે, જેમાં લાખો લોકો શ્રદ્ધાપૂર્વક ભાગ લે છે. વડોદરાની આ રથયાત્રા શહેરનો સૌથી મોટો ધાર્મિક અને સાંસ્કૃતિક ઉત્સવ બની ગઈ છે. દર વર્ષે લાખો શ્રદ્ધાળુઓ અને નગરજનો ભારે ઉત્સાહ સાથે તેમાં જોડાય છે. રથયાત્રા બપોરે 2:30 વાગ્યે વડોદરા રેલવે સ્ટેશનથી શરૂ થશે અને અંદાજે સાંજે 8:00 વાગ્યે પોલો ગ્રાઉન્ડ સામે બરોડા હાઈસ્કૂલ પાસે સમાપન થશે. ઈસ્કોનના ઉપપ્રમુખ નિત્યાનંદ રામદાસ સ્વામીએ જણાવ્યું હતું કે, આ રથયાત્રા વડોદરા રેલવે સ્ટેશન, સયાજીબાગ, કાલાઘોડા, સલાટવાડા નાકા, કોઠી કચેરી, રાવપુરા મુખ્ય માર્ગ, જ્યુબિલી બાગ, પદ્માવતી શોપિંગ સેન્ટર, સુરસાગર, દાંડિયા બજાર, ખંડેરાવ માર્કેટ, લાલ કોર્ટ, મદનઝાંપા રોડ, કેવડાબાગ, પોલો ગ્રાઉન્ડ સામે બરોડા હાઈસ્કૂલ રોડ પર પહોંચશે. જગન્નાથ પુરીની પરંપરા અનુસાર વડોદરાના પ્રથમ નાગરિક મેયર ગીતાબેન મકવાણા અન્ય મહાનુભાવો સાથે રથયાત્રા પ્રારંભ પહેલાં પરંપરાગત પાછિંદ વિધિ સંપન્ન કરશે. રથની પાછળ શુદ્ધ દેશી ઘીમાં તૈયાર કરાયેલ 45,000 કિલોગ્રામ એટલે કે 45 ટન શીરાનો મહાપ્રસાદ હજારો શ્રદ્ધાળુઓને વહેંચવામાં આવશે. રથયાત્રા દરમિયાન છોડના રોપાઓનું વિતરણ કરવામાં આવશે. ભારતના વિવિધ શહેરો અને ગામડાઓમાંથી હજારો શ્રદ્ધાળુઓ આવીને ભાગ લેશે અને શ્રીલ પ્રભુપાદના દિવ્ય ગ્રંથોનું વિતરણ પણ થશે. ઇસ્કોન વડોદરા મંદિર ખાતે સાંજે 5:30 થી રાત્રે 9:00 વાગ્યા સુધી તમામ ભાવિકો માટે ભંડારા મહાપ્રસાદની વ્યવસ્થા રહેશે. કાર્યક્રમમાં સ્થાનિક રાજકીય અને સામાજિક આગેવાનો, ધારાસભ્યો, મહાનગરપાલિકાના કાઉન્સિલરો, ઇસ્કોનના આજીવન સભ્યો અને વિશાળ જનમેદની ઉપસ્થિત રહેશે.

Most Popular

To Top