SURAT

એ રાજુ… કાયદો સમજાવી દઈશ’ કહી પડકાર ફેંકનાર કીર્તિ પટેલ સામે વધુ એક FIR, સસ્પેન્ડેડ કોન્સ્ટેબલ નયના પણ કાયદાના સકંજામાં

સોશિયલ મીડિયા પર પોતાના વિવાદિત નિવેદનો અને વાયરલ વીડિયોને કારણે સતત ચર્ચામાં રહેતી કીર્તિ પટેલ ફરી એકવાર કાયદાના સકંજામાં આવી છે. સુરતના પુણા પોલીસ સ્ટેશનમાં કીર્તિ પટેલ અને ભાવનગરની સસ્પેન્ડેડ મહિલા પોલીસ કોન્સ્ટેબલ નયના બારૈયા સામે ગંભીર કલમો હેઠળ ગુનો નોંધાયો છે. ભાવનગર જિલ્લાના બોરડા ગામના સરપંચના પતિ અને વેપારી રાજુ ભમ્મરે બંને સામે સોશિયલ મીડિયા મારફતે પરિવારની બદનક્ષી કરવા, ધમકી આપવા અને ખોટા આક્ષેપો કરીને માનહાનિ પહોંચાડવાનો આરોપ લગાવી ફરિયાદ નોંધાવી છે. ફરિયાદ મુજબ, છેલ્લા કેટલાક સમયથી કીર્તિ પટેલ સોશિયલ મીડિયા પર રાજુ ભમ્મર અને તેમના પરિવારને નિશાન બનાવી સતત વીડિયો અને રીલ્સ પોસ્ટ કરતી હતી. આ વીડિયોમાં પરિવારના સભ્યો અંગે અપમાનજનક અને અશોભનિય ટિપ્પણીઓ કરવામાં આવી હોવાનો આરોપ છે. રાજુ ભમ્મરનો દાવો છે કે આ સમગ્ર ઘટનાક્રમ પાછળ સસ્પેન્ડેડ મહિલા કોન્સ્ટેબલ નયના બારૈયાની ઉશ્કેરણી અને આયોજન જવાબદાર છે.

આ સમગ્ર મામલો ત્યારે વધુ ચર્ચામાં આવ્યો જ્યારે કીર્તિ પટેલ પુણા પોલીસ સ્ટેશન બહાર પહોંચી હતી અને ત્યાં જાહેરમાં બૂમો પાડી પોતાનો આક્રોશ વ્યક્ત કર્યો હતો. સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા વીડિયોમાં કીર્તિ કહેતી જોવા મળે છે કે હવે તે ખોટા કેસો સહન નહીં કરે. તેણે ફરિયાદી રાજુ ભમ્મરને ખુલ્લો પડકાર ફેંકતા કહ્યું કે જો ફરિયાદ કરવી હોય તો તે પોલીસ સ્ટેશનની બહાર જ ઊભી છે અને સામે આવીને વાત કરે. સાથે જ તેણે પોતાના વિરુદ્ધ કરવામાં આવેલી ફરિયાદોને ખોટી ગણાવી સામો બદનક્ષીનો કેસ કરવાની પણ ચીમકી આપી હતી. પુણાગામ પોલીસે ફરિયાદના આધારે ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા (BNSS)ની કલમ 296(બી), 351(2), 356(3), 54(આઈ) તેમજ ઇન્ફોર્મેશન ટેક્નોલોજી એક્ટની કલમ 67 હેઠળ ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. સમગ્ર કેસની તપાસ પોલીસ ઇન્સ્પેક્ટર આર. એચ. મોરીને સોંપવામાં આવી છે.

ફરિયાદમાં કરવામાં આવેલા દાવા અનુસાર રાજુ ભમ્મર અને નયના બારૈયા આશરે 21 મહિના સુધી લિવ-ઇન રિલેશનશિપમાં રહ્યા હતા. સંબંધ સમાપ્ત થયા બાદ બંને વચ્ચે મતભેદ ઊભા થયા હતા. રાજુ ભમ્મરનો આરોપ છે કે ત્યારબાદ નયના બારૈયાએ કીર્તિ પટેલની મદદથી સોશિયલ મીડિયા પર તેમના પરિવારને બદનામ કરવાનો પૂર્વયોજિત પ્રયાસ શરૂ કર્યો હતો. ફરિયાદમાં એવો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે 5 જૂન, 2026ના રોજ કીર્તિ પટેલે વ્હોટ્સએપ કોલ કરીને રાજુ ભમ્મરને ધમકી આપી હતી. આ દરમિયાન તેમની પત્ની, જે ગામના સરપંચ છે, તેમજ તેમના ભાઈ અંગે ગંભીર અને ખોટા આક્ષેપો કરવામાં આવ્યા હતા. ફરિયાદીનો દાવો છે કે કોલ દરમિયાન અત્યંત અભદ્ર ભાષાનો ઉપયોગ કરીને “હું તને જોઈ લઈશ” જેવી ધમકીઓ પણ આપવામાં આવી હતી.

આ ઘટનાના થોડા સમય બાદ કીર્તિ પટેલે પોતાના ઓફિશિયલ ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી અનેક વીડિયો અને રીલ્સ પોસ્ટ કર્યા હતા. આ વીડિયોમાં રાજુ ભમ્મરના પરિવારના સભ્યો અંગે અપમાનજનક ટિપ્પણીઓ કરવામાં આવી હોવાનો આરોપ છે. ફરિયાદ મુજબ આ વીડિયોના કારણે સમગ્ર પરિવારની સામાજિક પ્રતિષ્ઠાને ભારે નુકસાન પહોંચ્યું છે. ફરિયાદમાં વધુમાં એવો પણ દાવો કરવામાં આવ્યો છે કે કીર્તિ પટેલે વીડિયોમાં રાજુ ભમ્મર પર અનેક મહિલાઓની જિંદગી બગાડવાના ગંભીર આરોપો લગાવ્યા હતા. ઉપરાંત, જ્યાં સામે મળશે ત્યાં નયના કપડાં ઉતરાવી દેશે જેવી ધમકીભરી વાતો પણ કરવામાં આવી હતી. ફરિયાદીનું કહેવું છે કે આવા નિવેદનો દ્વારા તેમની છબી ખરાબ કરવાની સાથે બ્લેકમેલ કરવાનો પણ પ્રયાસ કરવામાં આવ્યો હતો.

આ કેસમાં સસ્પેન્ડેડ મહિલા કોન્સ્ટેબલ નયના બારૈયાની ભૂમિકાને પણ મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે. પોલીસ ફરિયાદ અનુસાર, કીર્તિ પટેલ દ્વારા પોસ્ટ કરાયેલા વીડિયો અને રીલ્સને નયના બારૈયાએ પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર સ્ટોરી અને સ્ટેટસ તરીકે શેર કર્યા હતા. ફરિયાદીનો આરોપ છે કે આ રીતે નયનાએ પણ બદનક્ષી ફેલાવવામાં સક્રિય ભૂમિકા ભજવી હતી. ઉલ્લેખનીય છે કે કીર્તિ પટેલ અગાઉ પણ અનેક વિવાદો અને પોલીસ કેસોને લઈને ચર્ચામાં રહી ચૂકી છે. સોશિયલ મીડિયા પર આપત્તિજનક નિવેદનો અને વાયરલ વીડિયોના કારણે તેનું નામ અનેક વખત વિવાદોમાં આવ્યું છે. હવે સુરત પોલીસે આ નવા કેસમાં બંને આરોપીઓ સામે કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે. પોલીસનું કહેવું છે કે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરાયેલા વીડિયો, કોલ રેકોર્ડ, ડિજિટલ પુરાવા અને અન્ય સામગ્રીના આધારે સમગ્ર મામલાની વિગતવાર તપાસ કરવામાં આવશે. તપાસ પૂર્ણ થયા બાદ પુરાવાના આધારે આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.

Most Popular

To Top