એક તરફ અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ઈરાન સાથે વાત કરવા તૈયાર છે પરંતુ બીજી તરફ તેઓ ઈરાનને ધમકી પણ આપી રહ્યા છે. આ દરમિયાન ઈરાનના સુપ્રીમ લીડર મોજતબા ખામેનીએ એક મહત્વપૂર્ણ નિવેદન જારી કર્યું છે. મોજતબા ખામેનીએ પોતાના પિતા આયાતુલ્લા અલી ખામેનીના “નિર્દોષ લોહી”નો બદલો લેવાની પ્રતિજ્ઞા લીધી છે. પોતાના પિતા અને ભૂતપૂર્વ સુપ્રીમ લીડરના અંતિમ સંસ્કાર પછીના પોતાના પહેલા સંદેશમાં સુપ્રીમ લીડર મોજતબા ખામેનીએ રાજ્ય મીડિયા પર પ્રકાશિત એક લેખિત નિવેદનમાં કહ્યું હતું કે “બદલો આપણા રાષ્ટ્રની માંગ છે અને તે ચોક્કસપણે પૂર્ણ થવી જોઈએ.”
ખામેનીએ તેમના પિતાના અંતિમ સંસ્કારમાં હાજર રહેલા એ લોકોનો આભાર વ્યક્ત કર્યો જેઓ “ઐતિહાસિક અને દુશ્મનને હરાવવાની જબરજસ્ત નેમ” સાથે હાજર રહ્યા હતા. તેમના પિતા અને ભૂતપૂર્વ સર્વોચ્ચ નેતા 86 વર્ષીય આયાતુલ્લાહ અલી ખામેનીનું 28 ફેબ્રુઆરીના રોજ ઈરાન-ઈરાન યુદ્ધની શરૂઆતમાં હવાઈ હુમલામાં મૃત્યુ થયું હતું. ઈરાને આ અઠવાડિયે એક દિવસ ચાલેલા અંતિમ સંસ્કાર સમારોહ પછી તેમને દફનાવ્યા હતા, જે દરમિયાન તેમના જનાજાને ઈરાન અને ઈરાકના અનેક શહેરોમાં લઈ જવામાં આવ્યો હતો.
બીજી તરફ ઈરાનના વિદેશ પ્રધાન અબ્બાસ અરાઘચી હોર્મુઝ સ્ટ્રેટ પર ચાલી રહેલી વાટાઘાટો માટે ઓમાન પહોંચ્યા છે. પાકિસ્તાનના વડા પ્રધાન શાહબાઝ શરીફે ઈરાનના રાષ્ટ્રપતિ મસૂદ પેઝેશ્કિયાન સાથે ફોન પર વાતચીતમાં એમઓયુ હેઠળ આપવામાં આવેલા વચનો પૂરા કરવાના મહત્વ પર ભાર મૂક્યો હતો.
ટ્રમ્પની ધમકી, અરાઘચીએ ચેતવણી આપી
યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું છે કે જો ઈરાન તેમની હત્યા કરવાનો પ્રયાસ કરશે તો યુનાઇટેડ સ્ટેટ્સ ઈસ્લામિક રિપબ્લિક ઓફ ઈરાન પર 1,000 મિસાઇલો છોડવા માટે તૈયાર છે, ત્યારબાદ હજારો વધુ મિસાઇલો છોડવા માટે તૈયાર છે. તેમની ધમકી બાદ ઈરાનના વિદેશ પ્રધાન અબ્બાસ અરાઘચીએ વચગાળાના કરારનું પાલન ન કરવા બદલ અમેરિકાની ટીકા કરી અને ચેતવણી આપી કે વહીવટીતંત્રના પગલાં સ્પષ્ટપણે આપેલા વચનોનું ઉલ્લંઘન કરે છે.
ઈરાને 24 કલાકથી ઓછા સમયમાં ક્ષતિગ્રસ્ત પુલનું સમારકામ કર્યું
ઈરાનની રેડિયો અને ટેલિવિઝન ન્યૂઝ એજન્સીના અહેવાલ મુજબ ઈરાની અધિકારીઓએ જણાવ્યું હતું કે ગોલેસ્તાન પ્રાંતના અક્કાલા કાઉન્ટીમાં આવેલ પુલ જે અગાઉ યુએસ હુમલામાં નુકસાન પામ્યો હતો તે હવે ફરીથી કાર્યરત છે. ગોલેસ્તાનના ગવર્નર અલી-અસગર તહમાસ્બીએ જણાવ્યું હતું કે હુમલાના 24 કલાકથી ઓછા સમયમાં ક્ષતિગ્રસ્ત પુલને ફરીથી ખોલવો એ “દુશ્મનના ખતરા અને કાર્યવાહીનો પ્રાંત તરફથી વ્યવહારુ પ્રતિભાવ” છે.