જૂનાગઢ જિલ્લાના મજેવડી ગામ નજીક શનિવારે (11 જુલાઈ) વહેલી સવારે એક ગમખ્વાર માર્ગ અકસ્માત સર્જાયો હતો. સોમનાથ ખાતે અસ્થિ વિસર્જન માટે જઈ રહેલા બનાસકાંઠાના એક પરિવારની કાર હાઈવે પર બંધ હાલતમાં ઉભેલી ટ્રકની પાછળ જોરદાર ઝડપે અથડાઈ હતી. આ ભયાનક અકસ્માતમાં કારમાં સવાર ચાર લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા, જ્યારે અન્ય ચાર લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે. મળતી માહિતી મુજબ, બનાસકાંઠાનો પરિવાર પોતાના સ્વજનના અસ્થિ વિસર્જન માટે કારમાં સોમનાથ જવા નીકળ્યો હતો. રસ્તામાં જૂનાગઢ જિલ્લાના મજેવડી ગામ નજીક ફોર ટ્રેક રોડ પર હાઈવે પર ઉભેલી એક બંધ ટ્રક પાછળ તેમની કાર ધડાકાભેર ઘૂસી ગઈ હતી.
અકસ્માત એટલો ભયંકર હતો કે કારનો આગળનો ભાગ સંપૂર્ણપણે ચકનાચૂર થઈ ગયો હતો. ટક્કર બાદ કારમાં સવાર ચાર લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા, જ્યારે અન્ય ચાર લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા. અકસ્માત બાદ આસપાસના લોકો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને બચાવ કામગીરી શરૂ કરી હતી. ઘટનાની જાણ થતાં સ્થાનિક પોલીસ તેમજ 108 એમ્બ્યુલન્સની ટીમ પણ સ્થળ પર પહોંચી હતી. ઘાયલોને તાત્કાલિક સારવાર માટે જૂનાગઢ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
હોસ્પિટલના સૂત્રોના જણાવ્યા મુજબ, ઇજાગ્રસ્તોમાંથી બે લોકોની હાલત અત્યંત ગંભીર હોવાથી તેમને ICUમાં દાખલ કરીને સઘન સારવાર આપવામાં આવી રહી છે, જ્યારે અન્ય બેની પણ સારવાર ચાલુ છે. પોલીસે મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યા છે અને અકસ્માત કેવી રીતે સર્જાયો તેની તપાસ શરૂ કરી છે. પ્રાથમિક તપાસમાં કાર બંધ હાલતમાં ઉભેલી ટ્રકની પાછળ અથડાઈ હોવાનું સામે આવ્યું છે. પોલીસે ટ્રક રસ્તા પર શા માટે ઉભી હતી અને અકસ્માત માટે અન્ય કોઈ કારણ જવાબદાર છે કે કેમ તે સહિતના તમામ મુદ્દાઓની તપાસ હાથ ધરી છે. આ દુર્ઘટનાથી બનાસકાંઠાના પરિવાર પર શોકનું મોજું ફરી વળ્યું છે. અસ્થિ વિસર્જન માટે નીકળેલો પરિવાર પળવારમાં જ દુર્ઘટનાનો ભોગ બનતા સમગ્ર વિસ્તારમાં શોકની લાગણી પ્રસરી ગઈ છે.