World

અમેરિકા-ઈરાન તણાવમાં મોટો વળાંક! ઈરાને સ્વીકારી મોટી ભૂલ?

હાર્ડલાઇનર જૂથે વેપારી જહાજો પર હુમલો કરી વાટાઘાટો બગાડવાનો પ્રયાસ કર્યો હોવાનો અહેવાલહો,ર્મુઝની ખાડીમાં થયેલા હુમલાઓ બાદ અમેરિકા વધુ કડક બન્યું; જો કે ઈરાને ખાનગી સ્તરે ‘ભૂલ થઈ ગઈ’ હોવાનું સ્વીકાર્યાનો દાવો, હવે ઓમાનમાં ફરીથી રાજદ્વારી વાતચીત પર સૌની નજર

મધ્ય પૂર્વમાં અમેરિકા અને ઈરાન વચ્ચે છેલ્લા કેટલાક મહિનાથી ચાલતા ગંભીર તણાવ વચ્ચે હવે એક મહત્વપૂર્ણ રાજદ્વારી વળાંક સામે આવ્યો છે. આંતરરાષ્ટ્રીય મીડિયા અહેવાલો અનુસાર, ઈરાને અમેરિકાના પ્રતિનિધિઓ સમક્ષ ખાનગી વાતચીત દરમિયાન સ્વીકાર્યું છે કે હોર્મુઝની ખાડીમાંથી પસાર થતા વેપારી જહાજો પર થયેલા હુમલાઓ “ભૂલ” હતા અને આ હુમલાઓ ઈરાનની સમગ્ર સરકારના નિર્ણય નહીં પરંતુ કટ્ટરપંથી તત્વોની કાર્યવાહી હતી.આ ખુલાસા બાદ અમેરિકા તરફથી ઈરાન પર દબાણ વધુ વધી ગયું છે. વોશિંગ્ટને સ્પષ્ટ કર્યું છે કે માત્ર ખાનગી સ્વીકાર પૂરતો નથી, પરંતુ ઈરાને જાહેરમાં પણ જાહેરાત કરવી પડશે કે હોર્મુઝની ખાડીમાં વેપારી જહાજોની અવરજવર સંપૂર્ણપણે સુરક્ષિત રહેશે અને ભવિષ્યમાં આવા હુમલાઓ નહીં થાય.

‘વી સ્ક્રૂડ અપ’ – અમેરિકી અધિકારીઓનો દાવો
અમેરિકી અધિકારીઓના જણાવ્યા પ્રમાણે, ઈરાની પ્રતિનિધિઓએ ચર્ચા દરમિયાન કહ્યું કે વેપારી જહાજો પર થયેલા હુમલાઓને કારણે બંને દેશો વચ્ચે ચાલી રહેલી રાજદ્વારી પ્રક્રિયાને નુકસાન પહોંચ્યું. તેમના જણાવ્યા અનુસાર કેટલાક હાર્ડલાઇનર જૂથોએ ચર્ચાઓ નિષ્ફળ જાય તે હેતુથી આ હુમલાઓ કર્યા હતા. આ અંગે ઈરાને “અમે ભૂલ કરી બેઠા” જેવો સંદેશ આપ્યો હોવાનો દાવો કરવામાં આવ્યો છે.

હોર્મુઝની ખાડી કેમ છે દુનિયા માટે મહત્વપૂર્ણ?
હોર્મુઝની ખાડી વિશ્વના સૌથી મહત્વપૂર્ણ સમુદ્રી વેપાર માર્ગોમાંની એક છે. વિશ્વના કુલ ક્રૂડ ઓઇલના લગભગ પાંચમા ભાગ જેટલો જથ્થો આ જ માર્ગેથી પસાર થાય છે. સાઉદી અરેબિયા, યુએઈ, કુવૈત, કતાર અને અન્ય ગલ્ફ દેશોમાંથી નિકાસ થતું તેલ વિશ્વભરમાં પહોંચાડવા માટે આ જ માર્ગ સૌથી મહત્વપૂર્ણ માનવામાં આવે છે.જો આ માર્ગમાં અવરોધ ઊભો થાય તો આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઇલના ભાવમાં ભારે વધારો થઈ શકે છે અને તેની સીધી અસર પેટ્રોલ-ડીઝલ સહિત અનેક ચીજવસ્તુઓના ભાવ પર જોવા મળી શકે છે.

હુમલાઓ બાદ અમેરિકા સખત કાર્યવાહી પર ઉતર્યું
હોર્મુઝની ખાડીમાં વેપારી જહાજો પર હુમલાની ઘટનાઓ બાદ અમેરિકાએ ઈરાનના સૈન્ય લક્ષ્યો પર હવાઈ હુમલાઓ કર્યા હતા. અમેરિકાનું કહેવું છે કે નિર્દોષ વેપારી જહાજોને નિશાન બનાવવાની કાર્યવાહી આંતરરાષ્ટ્રીય કાયદાનો ભંગ છે અને તેનો યોગ્ય જવાબ આપવો જરૂરી હતો.તેના જવાબમાં ઈરાને પણ ગલ્ફ વિસ્તારમાં આવેલા અમેરિકી હિતોને નિશાન બનાવવાનો પ્રયાસ કર્યો હોવાના અહેવાલો સામે આવ્યા હતા, જેના કારણે સમગ્ર વિસ્તારમાં ફરી એક વખત યુદ્ધ જેવી સ્થિતિ સર્જાઈ ગઈ હતી.

યુદ્ધવિરામ પર ફરી પ્રશ્નચિહ્ન
અમેરિકા અને ઈરાન વચ્ચે અગાઉ થયેલા અસ્થાયી યુદ્ધવિરામ બાદ બંને દેશો વચ્ચે વાતચીત શરૂ થઈ હતી. પરંતુ હોર્મુઝમાં વેપારી જહાજો પર થયેલા હુમલાઓ બાદ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે જાહેર કર્યું કે અગાઉનું યુદ્ધવિરામ હવે સમાપ્ત થઈ ગયું છે.તેમ છતાં અમેરિકાએ રાજદ્વારી વાતચીતના દરવાજા સંપૂર્ણપણે બંધ કર્યા નથી અને જો ઈરાન જાહેરમાં ખાતરી આપે તો ચર્ચા આગળ વધારી શકાય તેવો સંકેત આપ્યો છે.

ઓમાનમાં ફરી થશે મહત્વપૂર્ણ બેઠક
આ સમગ્ર ઘટનાક્રમ વચ્ચે ઈરાનના વિદેશ મંત્રી અબ્બાસ અરાઘચી ઓમાનની મુલાકાતે જવાના છે. ઓમાન લાંબા સમયથી અમેરિકા અને ઈરાન વચ્ચે મધ્યસ્થ તરીકે મહત્વની ભૂમિકા ભજવી રહ્યું છે.બંને દેશો વચ્ચે યોજાનારી બેઠકમાં હોર્મુઝની સુરક્ષા, વેપારી જહાજોની સલામતી, પરમાણુ કાર્યક્રમ અને ભવિષ્યના સંબંધો જેવા મુદ્દાઓ પર ચર્ચા થવાની શક્યતા છે.

અમેરિકાની મુખ્ય માંગ શું છે?
અમેરિકાએ ઈરાન સમક્ષ કેટલીક સ્પષ્ટ શરતો મૂકી છે. તેમાં મુખ્યત્વે:
હોર્મુઝની ખાડીમાં વેપારી જહાજો પર હુમલા નહીં કરવાની જાહેર ખાતરી.
આંતરરાષ્ટ્રીય જહાજોને સુરક્ષિત માર્ગ ઉપલબ્ધ કરાવવો.
પરમાણુ કાર્યક્રમ અંગે પારદર્શિતા વધારવી.
ઉચ્ચ સ્તરના સમૃદ્ધ યુરેનિયમના જથ્થા અંગે સમજૂતી તરફ આગળ વધવું.
ભવિષ્યમાં કટ્ટરપંથી જૂથો દ્વારા આવી કાર્યવાહી નહીં થાય તેની ખાતરી આપવી.
અમેરિકાએ ચેતવણી પણ આપી છે કે જો ઈરાન તરફથી સ્પષ્ટ જાહેર પ્રતિબદ્ધતા નહીં મળે તો આર્થિક પ્રતિબંધો અને સૈન્ય દબાણ બંને વધુ વધી શકે છે.

ઈરાનની આંતરિક રાજનીતિ પણ ચર્ચામાં
વિશ્લેષકોનું માનવું છે કે ઈરાનમાં હાલમાં મધ્યમવર્ગીય નેતૃત્વ અને કટ્ટરપંથી જૂથો વચ્ચે નીતિગત મતભેદો વધી રહ્યા છે. કેટલાક કટ્ટરપંથી તત્વો અમેરિકા સાથે કોઈપણ પ્રકારની સમજૂતીના વિરોધમાં હોવાનું માનવામાં આવે છે.
અહેવાલો મુજબ વેપારી જહાજો પરના હુમલાઓ પણ આવા જ જૂથોની કાર્યવાહી હોઈ શકે છે, જેથી અમેરિકા સાથેની વાટાઘાટો અટકી જાય અને બંને દેશો ફરી સીધા સંઘર્ષ તરફ ધકેલાઈ જાય. જોકે આ દાવાની સ્વતંત્ર પુષ્ટિ થઈ નથી.

વિશ્વભરની નજર હવે ઓમાન બેઠક પર
આગામી દિવસોમાં ઓમાનમાં યોજાનારી બેઠક અત્યંત નિર્ણાયક માનવામાં આવી રહી છે. જો બેઠક સફળ રહેશે તો હોર્મુઝમાં ફરીથી સામાન્ય સ્થિતિ સર્જાઈ શકે છે અને વૈશ્વિક ઊર્જા બજારમાં સ્થિરતા આવવાની શક્યતા રહેશે.પરંતુ જો ચર્ચા નિષ્ફળ જશે અથવા ફરી કોઈ હુમલો થશે તો મધ્ય પૂર્વમાં વધુ મોટું સૈન્ય સંકટ ઊભું થઈ શકે છે,વૈશ્વિક અર્થતંત્ર, તેલના ભાવ અને આંતરરાષ્ટ્રીય વેપાર પર સીધી જોવા મળી શકે છે.

અમેરિકા હાલ ઈરાન પાસેથી જાહેર પ્રતિબદ્ધતાની રાહ જોઈ રહ્યું છે. બીજી તરફ ઈરાન રાજદ્વારી માર્ગ ખુલ્લો રાખવા માંગે છે, પરંતુ દેશની અંદરના કટ્ટરપંથી તત્વો આ પ્રક્રિયામાં અવરોધ ઉભો કરી શકે છે.આગામી દિવસોમાં ઓમાનમાં યોજાનારી બેઠક અને હોર્મુઝની ખાડીમાં સ્થિતિ કેવી રહે છે તેના પર સમગ્ર વિશ્વની નજર ટકેલી છે. જો બંને દેશો વચ્ચે સમજૂતી થાય તો મધ્ય પૂર્વમાં તણાવ ઘટી શકે છે, પરંતુ જો વાટાઘાટો ફરી નિષ્ફળ જશે તો આ સંઘર્ષ વધુ ગંભીર સ્વરૂપ ધારણ કરવાની શક્યતા નકારી શકાય નહીં.

Most Popular

To Top