જયપુરમાં એક 24 વર્ષની LLBનો અભ્યાસ કરતી પુત્રી આયુષીએ પોતાની જ સગી માતા ને ગાડી નીચે કચડીને મોતને ઘાટ ઉતારી દીધી હતી. આ પાપી કૃત્ય પાછળનો હેતુ માત્ર એટલો જ હતો કે તેને તેની માતાની સરકારી નોકરી જોઈતી હતી. હજુ તો સમાજ આ આઘાતમાંથી બહાર આવ્યો ન હતો ત્યાં આ કેસમાં એક નવો અને અત્યંત ચોંકાવનારો વળાંક આવ્યો છે, જે સાંભળીને કોઈના પણ હોશ ઊડી જાય. આયુષીના સગા મામા રાકેશ શર્માએ તેની પર એક વર્ષ પહેલાં પોતાના પિતા વિજય શર્માની પણ હત્યા કરવાનો ગંભીર આરોપ લગાવ્યો છે. મામાના મતે, આયુષીએ સરકારી નોકરી અને મિલકત મેળવવાની લાલચમાં માતા અને પિતા બંનેની વાર્તા પોતાના હાથે જ ખતમ કરી નાખી છે.
પિતાના કથિત મર્ડરનો પ્લાન: કેવી રીતે કાવતરું ઘડાયું?
આયુષીના મામા રાકેશ શર્માએ જયપુરના પ્રતાપ નગર પોલીસ સ્ટેશનમાં આ મામલે એક સત્તાવાર FIR દાખલ કરાવી છે, જેમાં ચોંકાવનારા દાવા કરવામાં આવ્યા છે:
ફીડિંગ પાઈપ હટાવી દીધી: મામાના આરોપ મુજબ, એપ્રિલ 2025માં જ્યારે પિતા વિજય શર્મા ગંભીર બીમારીની સારવાર હેઠળ હતા, ત્યારે આયુષીએ તેના પિતરાઈ ભાઈ બલરામ સાથે મળીને એક ક્રૂર કાવતરું ઘડ્યું હતું. તેમણે સારવાર દરમિયાન પિતાની જીવાદોરી સમાન ‘ફીડિંગ પાઈપ’ હટાવી દીધી હતી, જેના કારણે તેમનું મૃત્યુ નીપજ્યું હતું.
પરિવારને અંધારામાં રાખ્યો: પિતાને બ્રેઈન હેમરેજ થયું હતું. આયુષીએ એ સમયે પરિવારને ખોટું કહ્યું કે તેણે એક સિનિયર ડૉક્ટર સાથે વાત કરી છે અને વધુ સારા ઇલાજ માટે પિતાને બીજી હોસ્પિટલમાં શિફ્ટ કરવા પડશે. ત્યારબાદ તે અને બલરામ પિતાને પોતાની સાથે લઈ ગયા અને લગભગ ત્રણ મહિના સુધી પરિવારને તેમની સાચી લોકેશન જણાવી ન હતી.
લાચાર માતા પણ પુત્રીની ચાલ ન સમજી શકી
જ્યારે મૃતક માતા નીરજ શર્મા જીવતા હતા ત્યારે તેઓ સતત પુત્રીને તેના પતિની તબિયત અને લોકેશન વિશે પૂછતા હતા. પરંતુ આયુષી તેમને માત્ર એટલું જ કહેતી કે પિતા દિલ્હી રોડ પર આવેલી એક ખાનગી હોસ્પિટલમાં દાખલ છે. માતા પોતાની ખરાબ તબિયત અને અન્ય કૌટુંબિક કારણોસર ત્યાં રૂબરૂ જઈ શક્યા ન હતા અને પુત્રીની આ ઘાતક ચાલને સમજી શક્યા નહીં.
કાયદાનો સકંજો અને તપાસ શરૂ
પોતાની માતાની હત્યાના ગુનામાં પાપી પુત્રી આયુષી અત્યારે જેલના સળિયા પાછળ જ છે. હવે મામા દ્વારા સત્તાવાર ફરિયાદ નોંધાયા બાદ, જયપુર પોલીસે પિતા વિજય શર્માના શંકાસ્પદ મોત મામલે પણ હત્યાની કલમો હેઠળ નવી તપાસ શરૂ કરી દીધી છે. જો આ આરોપ સાબિત થશે, તો લાલચ અને ક્રૂરતાની તમામ હદો વટાવનારી આ પુત્રીને કડક માં કડક સજા થવી નિશ્ચિત છે.