સુરત શહેરમાં ચોમાસાએ આખરે જોરદાર હાજરી નોંધાવી છે. મોડી રાત્રે ગાજવીજ, વીજળીના કડાકા અને તેજ પવન સાથે વરસેલા વરસાદે શહેરના અનેક વિસ્તારોને પાણીમાં ગરકાવ કરી દીધા. થોડા જ કલાકોમાં સરેરાશ એકથી દોઢ ઇંચ જેટલો વરસાદ નોંધાતા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા અને લોકો માટે અવરજવર મુશ્કેલ બની ગઈ.
ભીમનગર-લીંબાયત સહિતના વિસ્તારોમાં ઘૂંટણસમા પાણી ભરાઈ જતાં રહેવાસીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો. અનેક સોસાયટીઓ, શેરીઓ અને મુખ્ય માર્ગો પર વરસાદી પાણી ભરાતા વાહનચાલકોને ધીમી ગતિએ વાહન ચલાવવાની ફરજ પડી. કેટલાક સ્થળોએ તો પાણી ભરાવાને કારણે રસ્તા અને ગટર વચ્ચેનો તફાવત પણ સમજાતો ન હોવાથી અકસ્માતની ભીતિ સર્જાઈ હતી.રાત્રિના સમયે શરૂ થયેલા વરસાદ સાથે ફૂંકાયેલા તોફાની પવનના કારણે અનેક વિસ્તારોમાં વૃક્ષોની ડાળીઓ તૂટી પડી હતી. કેટલાક સ્થળોએ વીજ પુરવઠા પર પણ અસર જોવા મળી હતી.વરસાદથી છેલ્લા ઘણા દિવસોથી અનુભવાતી ગરમી અને બફારાથી શહેરવાસીઓને રાહત મળી હતી, પરંતુ ભારે વરસાદના કારણે જનજીવન અસ્તવ્યસ્ત બની ગયું હતું.
શહેરના મુખ્ય માર્ગો પર પાણી ભરાતા ટ્રાફિકની ગતિ ધીમી પડી ગઈ હતી. ઓફિસ, હોસ્પિટલ અને અન્ય જરૂરી કામે નીકળેલા લોકોને મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો. વરસાદી પાણીના કારણે અનેક બે-ચક્રી વાહનો બંધ પડી જવાના બનાવો પણ સામે આવ્યા હતા. સ્થાનિક લોકો દ્વારા પાણીના ઝડપી નિકાલ માટે તંત્ર પાસે માંગ ઉઠાવવામાં આવી હતી. મહત્વ નું છે કે હવામાનમાં આવેલા અચાનક પલટાના કારણે આખું શહેર વરસાદી માહોલમાં રંગાઈ ગયું હતું. ગાજવીજ સાથે વરસેલા વરસાદે વાતાવરણમાં ઠંડક પ્રસરી દીધી હતી, પરંતુ સાથે જ નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યા ફરી એકવાર સામે આવી હતી. દર વર્ષે ચોમાસાની શરૂઆતમાં સર્જાતી આવી સ્થિતિને લઈને લોકોમાં પણ પ્રશ્નો ઉઠી રહ્યા છે.
શહેરના વિવિધ વિસ્તારોમાં વરસાદનું પ્રમાણ અલગ-અલગ નોંધાયું હતું, છતાં સરેરાશ એકથી દોઢ ઇંચ વરસાદથી જ અનેક સ્થળોએ પાણી ભરાઈ જતાં ડ્રેનેજ વ્યવસ્થાની કાર્યક્ષમતા અંગે ચર્ચા શરૂ થઈ છે. સ્થાનિકોનું કહેવું છે કે વરસાદ શરૂ થતાં જ રસ્તાઓ પાણીમાં ફેરવાઈ જાય છે, જેના કારણે રોજિંદા જીવન પર સીધી અસર પડે છે.
હવામાન વિભાગે આગામી દિવસોમાં પણ દક્ષિણ ગુજરાતમાં ગાજવીજ સાથે વરસાદની શક્યતા વ્યક્ત કરી છે. નાગરિકોને સાવચેતી રાખવા, અનાવશ્યક મુસાફરી ટાળવા અને વરસાદ દરમિયાન નીચાણવાળા વિસ્તારોમાં ખાસ ધ્યાન રાખવાની સલાહ આપવામાં આવી છે. જો આગામી દિવસોમાં પણ વરસાદનો આ જ માહોલ યથાવત રહેશે તો શહેરમાં પાણી ભરાવાની સમસ્યા વધુ ગંભીર બની શકે છે.