રાત્રિના અંધારામાં કેમિકલ યુનિટોમાંથી ઝેરી ગેસ છોડાતો હોવાના આક્ષેપ; તાલુકાજનોમાં રોષ, કડક કાર્યવાહી કરવાની માંગ
શ્વાસની તકલીફથી લઈને પાકને નુકસાન સુધીની ફરિયાદો, પ્રદૂષણ નિયંત્રણ બોર્ડની કામગીરી સામે પણ સવાલો
સાવલી: સાવલી તાલુકાના લામડાપુરા, ટુંડાવ, રાણીયા સહિતના ઔદ્યોગિક વિસ્તારોમાં આવેલી કેટલીક કેમિકલ કંપનીઓ દ્વારા રાત્રિના સમયે ઝેરી ગેસ છોડવામાં આવતો હોવાના આક્ષેપો સાથે તાલુકાજનોમાં ભારે રોષ ફેલાયો છે. સ્થાનિકોના જણાવ્યા મુજબ ગેસના કારણે શ્વાસ લેવામાં તકલીફ, આંખોમાં બળતરા, ગળામાં ચચરાટ, એલર્જી, ખંજવાળ અને અન્ય આરોગ્ય સંબંધિત સમસ્યાઓ વધી રહી છે. વૃદ્ધો, બાળકો અને શ્વાસના દર્દીઓ પર તેની સૌથી વધુ અસર જોવા મળી રહી હોવાનું સ્થાનિકોનું કહેવું છે.
સ્થાનિકોના આક્ષેપ મુજબ કેમિકલ ઉત્પાદન દરમિયાન નીકળતા વેસ્ટ ગેસના નિયંત્રણ માટે જરૂરી પ્રદૂષણ નિયંત્રણ ઉપકરણોનો પૂરતો ઉપયોગ કરવામાં આવતો નથી. ખર્ચ બચાવવા માટે કેટલાક ઉદ્યોગો રાત્રિના અંધકારનો લાભ લઈને ગેસ છોડતા હોવાની ફરિયાદ છે. આ ઉપરાંત ઝેરી ગેસના કારણે ખેડૂતોના ઉભા પાકને પણ નુકસાન થતું હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે.
વારંવાર રજૂઆતો છતાં ઉકેલ નહીં; આંદોલનની ચીમકી
સ્થાનિકોના જણાવ્યા અનુસાર ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ (GPCB) સમક્ષ અનેક વખત રજૂઆતો કરવામાં આવી છે. જોકે, તપાસના નામે માત્ર ઔપચારિક કાર્યવાહી થતી હોવાના અને જવાબદાર ઉદ્યોગો સામે અસરકારક પગલાં લેવામાં આવતા ન હોવાના આક્ષેપો પણ કરવામાં આવ્યા છે. આ સ્થિતિ યથાવત રહેશે તો આગામી સમયમાં તાલુકાજનો દ્વારા ઉગ્ર આંદોલન કરવામાં આવે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. સ્થાનિકોએ સંબંધિત વિભાગને તાત્કાલિક તપાસ કરી જવાબદાર ઉદ્યોગો સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે.
ઝેરી ગેસથી જીવન પર કેવી અસર થઈ શકે?
* શ્વસનતંત્ર પર અસર: શ્વાસ લેવામાં તકલીફ, દમ અને ફેફસાના રોગોનું જોખમ વધી શકે.
* આંખ અને ત્વચા: આંખોમાં બળતરા, પાણી આવવું, એલર્જી અને ખંજવાળ જેવી સમસ્યાઓ.
* વૃદ્ધો અને બાળકો: રોગપ્રતિકારક શક્તિ ઓછી હોવાથી વધુ અસર થવાની સંભાવના.
* ખેતીને નુકસાન: પાકની વૃદ્ધિ પર અસર, પાંદડા બળી જવા અથવા ઉત્પાદન ઘટવાની શક્યતા.
*પર્યાવરણ: હવાની ગુણવત્તા બગડે, આસપાસની વનસ્પતિ અને જીવસૃષ્ટિ પર પ્રતિકૂળ અસર.
* દીર્ઘકાલીન જોખમ: લાંબા સમય સુધી પ્રદૂષિત હવાના સંપર્કમાં રહેવાથી ગંભીર આરોગ્ય સમસ્યાઓનું જોખમ વધી શકે.
રિપોર્ટર: વિમલ પટેલ