યુરોપ હાલમાં છેલ્લા ઘણા વર્ષોની સૌથી ભીષણ ગરમીનો સામનો કરી રહ્યો છે. હીટવેવના કારણે સમગ્ર યુરોપમાં જનજીવન પર ગંભીર અસર પડી છે. સતત વધી રહેલા તાપમાનને કારણે અત્યાર સુધીમાં 1300થી વધુ લોકોના મોત થયા હોવાનું સામે આવ્યું છે. સૌથી વધુ અસર ફ્રાન્સમાં જોવા મળી રહી છે, જ્યાં માત્ર ગરમીના કારણે જ 1000થી વધુ લોકોએ જીવ ગુમાવ્યો છે. મૃતકોમાં લગભગ 85 ટકા લોકો 65 વર્ષ કે તેથી વધુ વયના વરિષ્ઠ નાગરિકો હોવાનું જણાવવામાં આવ્યું છે. યુરોપના અનેક દેશોમાં લોકો માટે બહાર નીકળવું મુશ્કેલ બની ગયું છે. દિવસ દરમિયાન રસ્તાઓ સૂમસામ દેખાઈ રહ્યા છે, જ્યારે હોસ્પિટલોમાં ગરમીથી બિમાર પડતા દર્દીઓની સંખ્યા સતત વધી રહી છે. ડોક્ટરો અને આરોગ્ય વિભાગ લોકો, ખાસ કરીને બાળકો, વૃદ્ધો અને ગંભીર બીમારી ધરાવતા લોકોને ઘરની બહાર ન નીકળવાની સલાહ આપી રહ્યા છે.
વિશ્વ આરોગ્ય સંગઠન (WHO)એ પણ યુરોપની હાલની સ્થિતિ અંગે ગંભીર ચેતવણી આપી છે. WHOના મહાનિર્દેશક ટેડ્રોસ અધાનમ ઘેબ્રેયસસે જણાવ્યું કે યુરોપ હાલમાં વિશ્વનો સૌથી ઝડપથી ગરમ થતો ખંડ બની ગયો છે. અહીં વૈશ્વિક સરેરાશની તુલનામાં લગભગ બમણી ઝડપે તાપમાન વધી રહ્યું છે. તેમના જણાવ્યા અનુસાર, હાલ લગભગ 15 કરોડ લોકો આ હીટવેવની સીધી અસર હેઠળ છે. ગરમીના કારણે અનેક દેશોમાં સામાન્ય જીવન સંપૂર્ણપણે ખોરવાઈ ગયું છે. ઘણી જગ્યાએ શાળાઓને તાત્કાલિક બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. બીજી તરફ, એર કન્ડિશનર અને અન્ય ઠંડક આપતા ઉપકરણોના વધેલા ઉપયોગને કારણે વીજળીની માંગમાં ભારે વધારો થયો છે. પરિણામે કેટલાક વિસ્તારોમાં પાવર ગ્રીડ પર ભારે દબાણ આવ્યું છે અને વીજ પુરવઠો પણ ખોરવાયો છે.
વૈજ્ઞાનિકોનું માનવું છે કે આટલી ભીષણ ગરમી સામાન્ય વાત નથી. તેમના અનુસાર, આબોહવા પરિવર્તન એટલે કે ક્લાઈમેટ ચેન્જના કારણે જ આવી સ્થિતિ સર્જાઈ છે. જો ગ્લોબલ વોર્મિંગ પર નિયંત્રણ નહીં આવે તો આગામી વર્ષોમાં આવી હીટવેવ વધુ ગંભીર બની શકે છે. આ ગરમી દરમિયાન યુરોપના અનેક દેશોમાં તાપમાનના નવા રેકોર્ડ નોંધાયા છે. ચેક રિપબ્લિકમાં તાપમાન 41.9 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચ્યું, જે ત્યાંનો અત્યાર સુધીનો સૌથી ગરમ દિવસ ગણાયો છે. જર્મનીમાં 41.7 ડિગ્રી અને પોલેન્ડમાં 40.5 ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાતા જૂના તમામ રેકોર્ડ તૂટી ગયા છે.
માત્ર લોકો જ નહીં, પરંતુ માળખાકીય સુવિધાઓ પણ ગરમીથી પ્રભાવિત થઈ રહી છે. અનેક શહેરોમાં રસ્તાઓની કોંક્રિટ ગરમીના કારણે તિરાડ પડવા લાગી છે. જર્મનીના લીપઝિગ શહેરમાં તો રેલવે ટ્રેક ગરમીના કારણે પીગળી ગયા હતા, જેના કારણે ટ્રામ સેવા અટકાવવાની ફરજ પડી હતી. બીજી તરફ, એક ટ્રેનમાં એર કન્ડિશનિંગ સિસ્ટમ બંધ થઈ જતા અંદર બેઠેલા લગભગ 600 મુસાફરોને ભારે ગરમીનો સામનો કરવો પડ્યો હતો. ઘણા મુસાફરોની તબિયત બગડતા તેમને તાત્કાલિક ટ્રેનમાંથી બહાર કાઢીને સારવાર આપવામાં આવી હતી. ગરમીના કારણે જંગલોમાં લાગેલી આગ પણ યુરોપ માટે મોટો પડકાર બની છે. ખાસ કરીને જર્મનીમાં અનેક વિસ્તારોમાં જંગલની આગ ઝડપથી ફેલાઈ રહી છે. જોકે અહીં સૌથી મોટી મુશ્કેલી એ છે કે બીજા વિશ્વયુદ્ધ દરમિયાન દટાયેલા અનેક બોમ્બ અને દારૂગોળા હજુ પણ જમીનની અંદર છે. આગ અને વધતા તાપમાનના કારણે આ બોમ્બમાં વિસ્ફોટ થવાના બનાવો પણ બની રહ્યા છે, જેના કારણે આગ પર કાબૂ મેળવવાનું કામ વધુ જોખમી બની ગયું છે.
અગ્નિશામક દળોને આગ બુઝાવતી વખતે ખૂબ જ સાવધાની રાખવી પડી રહી છે, કારણ કે કોઈ પણ સમયે દટાયેલા વિસ્ફોટકો ફાટી શકે છે. દક્ષિણ-પશ્ચિમ જર્મનીના ટ્રેઇસેન ગામમાં સ્થિતિ એટલી ગંભીર બની ગઈ હતી કે સુરક્ષાના કારણોસર લગભગ 650 લોકોને તેમના ઘર છોડીને સુરક્ષિત સ્થળે ખસેડવા પડ્યા હતા. નિષ્ણાતોનું કહેવું છે કે જો આગામી દિવસોમાં તાપમાનમાં ઘટાડો નહીં થાય તો સ્થિતિ વધુ ગંભીર બની શકે છે. આરોગ્ય વિભાગે લોકોને પૂરતું પાણી પીવાની, બપોરના સમયે બહાર ન નીકળવાની, વૃદ્ધો અને બાળકોની ખાસ કાળજી રાખવાની અને ગરમીથી બચવા માટે તમામ જરૂરી સાવચેતી રાખવાની અપીલ કરી છે. યુરોપમાં હાલની હીટવેવ માત્ર એક મોસમી ઘટના નથી, પરંતુ આબોહવા પરિવર્તનના ગંભીર પરિણામોની ચેતવણી પણ છે. વધી રહેલું તાપમાન, વધતા મૃત્યુઆંક, જંગલની આગ અને માળખાકીય નુકસાન એ દર્શાવે છે કે હવે વિશ્વભરના દેશોએ ક્લાઈમેટ ચેન્જ સામે વધુ અસરકારક પગલાં લેવાની જરૂર છે.