પાકિસ્તાનના કરાચી શહેરમાં રવિવારે આતંકવાદીઓએ મોટો હુમલો કર્યો હતો. શહેરના ગુલિસ્તાન-એ-જૌહર વિસ્તારના બ્લોક-6માં આવેલા પાકિસ્તાન રેન્જર્સના મુખ્યાલય નજીક આત્મઘાતી હુમલો થતાં સમગ્ર વિસ્તારમાં અફરાતફરી મચી ગઈ હતી. વિસ્ફોટ બાદ હુમલાખોરો અને સુરક્ષા દળો વચ્ચે ભારે ગોળીબાર થયો હતો. પ્રાથમિક માહિતી મુજબ આ હુમલામાં ચાર આતંકીઓ માર્યા ગયા છે, જ્યારે સમગ્ર વિસ્તારને સુરક્ષા દળોએ ઘેરી લઈને સર્ચ ઓપરેશન શરૂ કર્યું છે.
માહિતી અનુસાર, એક આત્મઘાતી હુમલાખોરે રેન્જર્સના મુખ્યાલયને નિશાન બનાવીને વિસ્ફોટ કર્યો હતો. ત્યારબાદ તેના અન્ય સાથીઓએ સુરક્ષા દળો પર ગોળીબાર શરૂ કરી દીધો હતો. જેના કારણે વિસ્તારમાં લગભગ અડધો કલાક સુધી અથડામણ ચાલતી રહી હતી. સુરક્ષા દળોએ જવાબી કાર્યવાહી કરીને તમામ હુમલાખોરોને ઠાર માર્યાની માહિતી સામે આવી રહી છે. સ્થાનિક મીડિયા અહેવાલો મુજબ, સૌથી પહેલા ખૂબ જ જોરદાર વિસ્ફોટ થયો હતો. ત્યારબાદ બે નાના ધડાકા પણ સાંભળવામાં આવ્યા હતા. બ્લાસ્ટના કારણે આસપાસના વિસ્તારમાં દહેશતનો માહોલ ફેલાઈ ગયો હતો અને લોકો સુરક્ષિત સ્થળે ભાગવા લાગ્યા હતા. ઘટનાસ્થળે તરત જ પોલીસ, રેન્જર્સ અને અન્ય સુરક્ષા એજન્સીઓ પહોંચી ગઈ હતી.
આ હુમલો કરાચીના એવા વિસ્તારમાં થયો છે, જ્યાંથી કરાચી યુનિવર્સિટી સહિત અનેક શૈક્ષણિક સંસ્થાઓ તરફ જતો મુખ્ય માર્ગ પસાર થાય છે. આ વિસ્તાર પાકિસ્તાનના હવામાન વિભાગ તરફ પણ જાય છે, જેના કારણે અહીં સામાન્ય દિવસોમાં પણ લોકોની ભારે અવરજવર રહેતી હોય છે. હુમલા બાદ સમગ્ર વિસ્તારને સીલ કરી દેવામાં આવ્યો છે અને સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું છે. સુરક્ષા દળો આસપાસના વિસ્તારોમાં તપાસ કરી રહ્યા છે કે કોઈ અન્ય હુમલાખોર તો છુપાયો નથી ને. અત્યાર સુધી કોઈ આતંકવાદી સંગઠને આ હુમલાની જવાબદારી સ્વીકારી નથી.
પાકિસ્તાન રેન્જર્સ દેશનું મહત્વપૂર્ણ અર્ધલશ્કરી દળ છે, જે ગૃહ મંત્રાલય હેઠળ કાર્ય કરે છે. આ દળ સરહદોની સુરક્ષા ઉપરાંત આતંકવાદ વિરોધી અભિયાન, કાયદો અને વ્યવસ્થા જાળવવા, રમખાણો પર નિયંત્રણ અને સંવેદનશીલ વિસ્તારોમાં સુરક્ષા પૂરી પાડવાની જવાબદારી પણ નિભાવે છે. જરૂર પડ્યે રેન્જર્સ પાકિસ્તાની સેના સાથે મળીને પણ ઓપરેશન હાથ ધરે છે. પાકિસ્તાન રેન્જર્સને મુખ્યત્વે બે વિભાગમાં વહેંચવામાં આવ્યા છે. પંજાબ રેન્જર્સ ભારત-પાકિસ્તાન સરહદ નજીક પંજાબ વિસ્તારમાં સુરક્ષા સંભાળે છે, જ્યારે સિંધ રેન્જર્સ કરાચી સહિત સમગ્ર સિંધ પ્રાંતમાં કાયદો અને વ્યવસ્થા જાળવવાની જવાબદારી નિભાવે છે. કરાચીમાં આતંકવાદ વિરોધી અભિયાનમાં પણ સિંધ રેન્જર્સની મહત્વપૂર્ણ ભૂમિકા રહેતી હોવાથી ગુલિસ્તાન-એ-જૌહર સ્થિત તેમનું મુખ્યાલય હાઈ-સિક્યોરિટી ઝોન તરીકે ઓળખાય છે.
તાજેતરના સમયમાં પાકિસ્તાનમાં આતંકી હુમલાઓમાં ફરી વધારો જોવા મળી રહ્યો છે. ખાસ કરીને સુરક્ષા દળો અને સરકારી સંસ્થાઓને નિશાન બનાવીને થતા હુમલાઓને કારણે સુરક્ષા એજન્સીઓ સતત એલર્ટ પર છે. કરાચીમાં થયેલો આ હુમલો પણ સુરક્ષા વ્યવસ્થા સામે મોટો પડકાર માનવામાં આવી રહ્યો છે. હાલ સુરક્ષા એજન્સીઓ હુમલાની સંપૂર્ણ તપાસ કરી રહી છે. ફોરેન્સિક ટીમો ઘટનાસ્થળેથી પુરાવા એકત્ર કરી રહી છે, જ્યારે હુમલાખોરોની ઓળખ અને તેમના નેટવર્ક અંગે પણ તપાસ શરૂ કરવામાં આવી છે. અધિકારીઓનું કહેવું છે કે તપાસ પૂર્ણ થયા બાદ હુમલા પાછળના કારણો અને સંડોવાયેલા લોકો વિશે વધુ માહિતી જાહેર કરવામાં આવશે.