ચાલકને માથા-આંખે ગંભીર ઇજા,ગાડીની ચાવી પણ ઝૂંટવી લીધી
( પ્રતિનિધિ )વડોદરા,તા.28
વડોદરા શહેરના ગોરવા વિસ્તારમાં વારિસ પાર્ક મધુનગર ખાતે ફોર વ્હીલ ગાડીના ચાલક પર ચાર શખ્સોએ જીવલેણ હુમલો કરીને કારમાં તોડફોડ કર્યાની ઘટના સામે આવી છે. આરોપીઓએ ડ્રાઇવરને ઢોર માર મારી માથાના ભાગે અને આંખ પર પથ્થર મારી ગંભીર ઇજા પહોંચાડી હતી અને બળજબરીથી ગાડીની ચાવી પણ ઝૂંટવી લીધી હતી.
ગોરવા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ફરિયાદ મુજબ, મૂળ ગોધરાના વાવડી બુજર્ગના અને હાલ સમા વિસ્તારમાં ભરવાડવાસ, બાપા સીતારામ મઢુલી પાસે રહેતા 32 વર્ષીય ફરિયાદી સત્યરાજસિંહ રાઠોડ પોતાના માલિકની ફોર વ્હીલ લઈને મધુનગર ગોરવા ખાતે જઈ રહ્યા હતા. રસ્તા પર રેતી હોવાના કારણે ગાડીનું બેલેન્સ જતાં ત્યાં હાજર ફૈઝલ વિજય રાઠોડ, યાસીન યામાભાઈ પટેલ, વસીમભાઈ તથા અન્ય એક અજાણ્યા ઇસમે અચાનક ગાડી ઉપર પથ્થર તથા ઇંટના ટુકડા મારવાનું શરૂ કર્યું હતું. ફરિયાદી ગાડી સાઇડમાં કરી તેઓ સાથે વાતચીત કરવા માટે નીચે ઉતર્યા ત્યારે ચારેય શખ્સોએ અપશબ્દો બોલીને ગડદાપાટુનો માર મારી તેમને નીચે પાડી દીધા હતા. ત્યારબાદ પથ્થર વડે માથાના ભાગે તથા આંખ પર ઘા મારી ગંભીર ઇજા પહોંચાડી હતી. આરોપીઓએ ગાડીના કાચ તથા અંદરના ભાગે નુકસાન કરીને આશરે રૂ. 55 હજાર જેટલું નુકસાન કર્યું હતું. મારામારી બાદ આરોપીઓ બળજબરીપૂર્વક ગાડીની ચાવી કાઢી લઈને ફરાર થઈ ગયા હતા. આ બનાવ અંગે ગોરવા પોલીસે ગુનો નોંધીને ચારેય આરોપીઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.