Gujarat

ઓલપાડ પોલીસ ફરી સવાલોના ઘેરામાં: ગાંધીનગર SMCએ દાભારીમાં નશાના કારોબાર પર દરોડો પાડી રૂ. 13.37 લાખનો મુદ્દામાલ ઝડપી પાડ્યો

સુરત જિલ્લાના ઓલપાડ પોલીસ સ્ટેશનની કામગીરી ફરી એકવાર સવાલોના ઘેરામાં આવી છે. ઓલપાડ પોલીસની હદમાં ચાલી રહેલા નશા ના કાળા કારોબારનો પર્દાફાશ ગાંધીનગર સ્ટેટ મોનિટરિંગ સેલ (SMC)ની ટીમે કર્યો છે. ઓલપાડ તાલુકાના દાભારી ગામે પાડવામાં આવેલા દરોડા દરમિયાન દેશી દારૂની ભઠ્ઠી ઝડપાઈ હતી અને લાખો રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો.

સ્ટેટ મોનિટરિંગ સેલના પોલીસ ઇન્સ્પેક્ટર બી.પી. દેસાઈને મળેલી ચોક્કસ બાતમીના આધારે તેમની ટીમે દાભારી ગામમાં દરોડો પાડ્યો હતો. કાર્યવાહી દરમિયાન સ્થળ પરથી મોટા પ્રમાણમાં તૈયાર દેશી દારૂ , દારૂ બનાવવા માટે ઉપયોગમાં લેવાતો આથો (કાચો માલ) મળી આવ્યો હતો.SMCની ટીમે કુલ અંદાજે રૂ. 13,37,131નો મુદ્દામાલ કબજે કર્યો છે. જેમાં 2,944 લીટર દેશી દારૂ, જેની અંદાજિત કિંમત રૂ. 6,07,200, ઉપરાંત 27,200 લીટર દેશી દારૂનો આથો, જેની કિંમત અંદાજે રૂ. 6,80,000, તેમજ રૂ. 30,000 કિંમતનું એક વાહન જપ્ત કરવામાં આવ્યું છે.

દરોડા દરમિયાન પોલીસે ચાર આરોપીઓને સ્થળ પરથી જ ઝડપી પાડ્યા હતા. જો કે ધરપકડ કરાયેલા આરોપીઓમાં દીપકકુમાર બલ્લુ હઠીલા, ચેતનકુમાર મુકેશ પટેલ, શશિકાંત ખુશાલ પટેલ અને અરવિંદ જગદીશ પટેલનો સમાવેશ થાય છે. તમામ આરોપીઓ સામે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
આ કેસમાં હજુ પણ આઠ આરોપીઓ પોલીસ પકડથી દૂર છે. પોલીસે જેમને વોન્ટેડ જાહેર કર્યા છે તેમાં કાંતિ પટેલ, અર્જુન પટેલ, નરેશ (રહે. લવાછા), મનહર (રહે. કામરેજ) તેમજ અંબાલાલ, બાબુકાકા, લાખો અને કાંતુ (તમામ રહે. દાભારી)નો સમાવેશ થાય છે. તમામ ફરાર આરોપીઓની શોધખોળ માટે SMC અને સ્થાનિક પોલીસ દ્વારા અલગ-અલગ ટીમો કાર્યરત કરવામાં આવી છે.

આ સમગ્ર કાર્યવાહી બાદ સૌથી મોટો સવાલ ઓલપાડ પોલીસની કામગીરી સામે ઊભો થયો છે. સ્થાનિક પોલીસની હદમાં લાંબા સમયથી ચાલી રહેલો દેશી દારૂનો ગેરકાયદેસર ધંધો બહારની એજન્સી એટલે કે સ્ટેટ મોનિટરિંગ સેલે ઝડપી પાડતા અનેક પ્રશ્નો ઊભા થયા છે. સ્થાનિક પોલીસને આ ગેરકાયદેસર પ્રવૃત્તિની જાણ કેમ ન થઈ? અને જો જાણ હતી તો સમયસર કાર્યવાહી કેમ કરવામાં આવી નહીં? તેવા સવાલો હવે ચર્ચાનો વિષય બન્યા છે.

SMCની આ મોટી કાર્યવાહી બાદ દાભારી સહિત સમગ્ર ઓલપાડ પંથકના બુટલેગરોમાં ફફડાટ ફેલાયો છે. પોલીસ હવે ફરાર આરોપીઓને ઝડપી પાડવા માટે સર્ચ ઓપરેશન ચલાવી રહી છે. સાથે જ સમગ્ર નેટવર્કમાં અન્ય કોણ-કોણ સંડોવાયેલું છે તેની પણ તપાસ શરૂ કરવામાં આવી છે.રાજ્યમાં દારૂબંધી હોવા છતાં સુરત જિલ્લામાં સતત દેશી દારૂના અડ્ડાઓ ઝડપાઈ રહ્યા છે. ત્યારે ફરી એકવાર બહારની એજન્સીએ કાર્યવાહી કરતાં સ્થાનિક પોલીસની કામગીરી સામે ગંભીર સવાલો ઊભા થયા છે.

Most Popular

To Top