Editorial

યુરોપમાં ગરમીનું વધેલું પ્રમાણ આખા વિશ્વ માટે ભારે ચિંતાનો વિષય છે

વર્તમાન સમયમાં સમગ્ર યુરોપ ખરા અર્થમાં ભઠ્ઠીની જેમ શેકાઈ રહ્યું છે. ફ્રાન્સ, બ્રિટન, સ્પેન અને ઈટાલી જેવા દેશો, જ્યાં સામાન્ય રીતે ઉનાળો પણ ખુશનુમા હોય છે, ત્યાં આજે તાપમાનનો પારો 40 ડિગ્રીને ને પાર પહોંચી ગયો છે. આકાશમાંથી વરસી રહેલી આ આગે માત્ર જનજીવનને જ અસ્તવ્યસ્ત નથી કર્યું, પરંતુ વૈશ્વિક સ્તરે પર્યાવરણવાદીઓ અને વૈજ્ઞાનિકો માટે એક મોટો ચિંતાનો વિષય ઊભો કર્યો છે. ફ્રાન્સમાં શાળાઓ બંધ કરવી પડી છે, નદી-તળાવોમાં નહાવા ગયેલા લોકોના ડૂબી જવાથી મોતના અહેવાલો આવી રહ્યા છે, અને કેટલાય શહેરોમાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. પ્રશ્ન એ થાય છે કે, ઠંડી આબોહવા માટે જાણીતા યુરોપમાં આ વર્ષે આવી ભયાનક સ્થિતિ શા માટે સર્જાઈ?

હવામાન વૈજ્ઞાનિકોના મતે, યુરોપમાં ચાલી રહેલી આ અભૂતપૂર્વ હીટવેવ પાછળ બે મુખ્ય ભૌગોલિક અને વાતાવરણીય પરિબળો એકસાથે સક્રિય થયા છે. જેમાં હીટ ડોમ એટલે કે વાતાવરણમાં ઉચ્ચ દબાણનો એક વિશાળ ગુંબજ (ડોમ) સર્જાયો છે. આ ગુંબજ ગરમ હવાને એક જ જગ્યાએ ફસાવી રાખે છે.

સૂર્યની ગરમી પૃથ્વી પર આવે છે, પરંતુ આ ઊંચા દબાણને કારણે તે બહાર નીકળી શકતી નથી. પરિણામે, તે વિસ્તાર એક ગરમ ઓવન જેવો બની જાય છે અને દિવસ-રાત તાપમાન સતત વધતું રહે છે. જ્યારે ઓમેગા બ્લોક એટલે કે  આ એક વિશિષ્ટ મોસમી પ્રણાલી છે, જેનો આકાર ગ્રીક અક્ષર ‘ઓમેગા’ જેવો હોય છે. આ બ્લોકિંગ સિસ્ટમને કારણે ઉત્તર આફ્રિકાના સહારા રણમાંથી આવતા અત્યંત ગરમ પવનો યુરોપ તરફ ધકેલાય છે અને ત્યાં જ અટકી જાય છે. આ પશ્ચિમી પવનોને આગળ વધતા રોકે છે, જેથી ગરમીનો ગાળો લાંબો ખેંચાય છે.

હિટવેવ માટે અદ્રશ્ય પણ સૌથી મોટો વિલન ભલે હીટ ડોમ અને ઓમેગા બ્લોક તાત્કાલિક કારણો હોય, પરંતુ આ ઘટનાઓની તીવ્રતા પાછળનું અસલી કારણ ક્લાઈમેટ ચેન્જ છે. ઔદ્યોગિક ક્રાંતિ પછી માનવીએ કાર્બન ઉત્સર્જન, જંગલોનો વિનાશ અને પ્રદૂષણ દ્વારા પૃથ્વીના કુદરતી સંતુલનને જે નુકસાન પહોંચાડ્યું છે, તેનું આ પરિણામ છે. વૈશ્વિક તાપમાનમાં થઈ રહેલો આ વધારો આવી ચરમ મોસમી ઘટનાઓની ફ્રીકવન્સી વધારી રહ્યો છે. જે હીટવેવ દાયકાઓમાં એકાદ વાર આવતી હતી, તે હવે દર વર્ષે અથવા દર બીજા વર્ષે વધુ ઘાતક બનીને ત્રાટકી રહી છે. આ હીટવેવ માત્ર અકળામણ પૂરતી મર્યાદિત નથી, તેની અસરો બહુઆયામી અને ચિંતાજનક છે. અચાનક વધેલી ગરમીને કારણે હીટ સ્ટ્રોક, ડિહાઇડ્રેશન અને હૃદય સંબંધિત બીમારીઓ વધી છે.

ફ્રાન્સ અને સ્પેન જેવા દેશોમાં ગરમીના કારણે જાનહાનિના આંકડા વધી રહ્યા છે. નદીઓ અને જળાશયોના સ્તર ઝડપથી ઘટી રહ્યા છે, જેના કારણે પીવાના પાણીની અને વીજળીની કટોકટી સર્જાઈ શકે છે. સૂકા વાતાવરણ અને અતિશય ગરમીને કારણે યુરોપના જંગલોમાં આગ લાગવાની ઘટનાઓ પણ વકરી રહી છે, જે પર્યાવરણને વધુ પ્રદૂષિત કરે છે. યુરોપની આ સ્થિતિ સમગ્ર વિશ્વ માટે એક ચેતવણી સમાન છે. જો વિકસિત અને પર્યાપ્ત સુવિધાઓ ધરાવતા યુરોપના દેશો આ ગરમી સામે લાચાર થઈ જતા હોય, તો એશિયા અને આફ્રિકાના વિકાસશીલ દેશો માટે આવી કટોકટી કેટલી ભયાનક હોઈ શકે તેની કલ્પના જ ધ્રુજાવી દે તેવી છે.

હવે માત્ર વાતો કે આંતરરાષ્ટ્રીય કરારો કરવાનો સમય પૂરો થઈ ગયો છે. દરેક દેશે ગ્રીનહાઉસ ગેસોના ઉત્સર્જનમાં મોટો ઘટાડો કરવો પડશે, પુનઃપ્રાપ્ય ઊર્જા તરફ ઝડપથી વળવું પડશે અને શહેરી વિસ્તારોમાં ગ્રીન કવર એટલે કે વૃક્ષોનું પ્રમાણ વધારવું પડશે. જો આજે પણ માનવજાત પ્રકૃતિના આ આકરા મિજાજને સમજીને પોતાના પગલાં નહીં સુધારે, તો ભવિષ્યમાં આનાથી પણ વધુ ભયાનક દિવસો જોવા તૈયાર રહેવું પડશે. હજુ તો હીટવેવ છે પરંતુ ક્લાયમેટ ચેન્જને કારણે અતિવ્રુષ્ટિ કે દુકાળ પડવાની પણ સંભાવના છે. હીટવેવને તો પહોંચી વળાશે પરંતુ અતિવ્રુષ્ટિ અને દુકાળને કેવી રીતે પહોંચી વળવું તે મોટો પ્રશ્ન ઉભો થશે. જેને પ્રલય કહેવામાં આવતો હતો તે આ જ હોવાનું માનીને  કુદરત આપણને સુધરવાની છેલ્લી તકો આપી રહી છે, નિર્ણય આપણા હાથમાં છે. જો આપણે નહીં ધ્યાન રાખીએ તો ભવિષ્યમાં ધરતીનો નાશ નક્કી છે.

Most Popular

To Top