Vadodara

મકરપુરા GIDCની કંપનીમાં કરંટ લાગતા એપ્રેન્ટિસ યુવકનું મોત, કંપનીની બેદરકારીના આક્ષેપ

એકના એક પુત્રના મોતથી શોકની લાગણી, કંપનીની સેફ્ટી વ્યવસ્થા સામે ઉઠ્યા સવાલો

વડોદરા : શહેરના મકરપુરા જીઆઇડીસી વિસ્તારમાં આવેલી એરડા કંપનીમાં કરંટ લાગવાના ગંભીર અકસ્માતમાં એક એપ્રેન્ટિસ યુવકનું કરુણ મોત નીપજતાં વિસ્તારમાં શોકની લાગણી વ્યાપી ગઈ છે. અકસ્માત બાદ યુવકને તાત્કાલિક ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો, પરંતુ સારવાર મળે તે પહેલાં જ તેણે અંતિમ શ્વાસ લીધા હતા.
પ્રાપ્ત માહિતી અનુસાર મૃતક યુવક તેના માતા-પિતાની છત્રછાયા ગુમાવી ચૂક્યો હતો અને પરિવારનો એકમાત્ર આધારસ્તંભ હતો. આશાસ્પદ યુવકના અકાળે અવસાનથી તેના પાડોશીઓ તેમજ સ્થાનિક લોકોમાં ભારે શોકનો માહોલ છવાઈ ગયો છે.
ઘટના બાદ સ્થાનિક રહિશો અને યુવકના ઓળખીતાઓએ કંપની તંત્ર પર ગંભીર આક્ષેપો કર્યા છે. તેમના જણાવ્યા મુજબ કંપનીમાં પૂરતી સેફ્ટી વ્યવસ્થા અને સુરક્ષા સાધનોના અભાવને કારણે યુવકે જીવ ગુમાવ્યો છે. ઘટનાએ કંપનીમાં કર્મચારીઓની સુરક્ષા વ્યવસ્થા સામે અનેક સવાલો ઊભા કર્યા છે.
આ બનાવ અંગે મકરપુરા પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડ્યો છે. પોલીસે સમગ્ર ઘટનાની તપાસ શરૂ કરી છે અને અકસ્માત પાછળની વાસ્તવિક હકીકત જાણવા વધુ કાર્યવાહી હાથ ધરી છે.

Most Popular

To Top