પાળતુ કૂતરા મુદ્દે પડોશીઓ વચ્ચે વિવાદ ઉગ્ર બન્યો, ભાડૂત પરિવાર પર હુમલાના આક્ષેપ
વડોદરા તા.19
વડોદરાના તરસાલી વિસ્તારમાં આવેલી એક સોસાયટીમાં પાળતુ કૂતરો રાખવાના મુદ્દે શરૂ થયેલો વિવાદ એટલો ઉગ્ર બન્યો કે મામલો મારામારી સુધી પહોંચી ગયો. ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં શહેરમાં ભારે ચર્ચા જાગી છે. વીડિયોમાં એક મહિલા અને સગીર સાથે મારામારી થતી હોવાનું દેખાતા લોકોમાં રોષની લાગણી જોવા મળી રહી છે.
તરસાલી વિસ્તારની રહેણાંક સોસાયટીમાં ભાડે રહેતા પરિવાર અને કેટલાક સ્થાનિક રહીશો વચ્ચે પાળતુ કૂતરાને લઈને લાંબા સમયથી મતભેદ ચાલી રહ્યા હતા. પ્રાથમિક માહિતી મુજબ આ મુદ્દે ફરી એકવાર બોલાચાલી થતાં વાત વણસી ગઈ અને બંને પક્ષો વચ્ચે ઉગ્ર ઝઘડો સર્જાયો હતો.
ઘટનાના વાયરલ થયેલા વીડિયોમાં મહિલા અને એક સગીર સાથે મારામારી થતી હોવાના દૃશ્યો જોવા મળતા સમગ્ર મામલો ચર્ચાનું કેન્દ્ર બન્યો છે. ભાડૂત પરિવારે સોસાયટીના કેટલાક રહીશો પર હુમલાનો આક્ષેપ કર્યો છે, જ્યારે બીજી તરફ સમગ્ર ઘટનાની હકીકત જાણવા પોલીસ તપાસ શરૂ કરી છે.
ઘટના બાદ વિસ્તારમાં તણાવનો માહોલ સર્જાયો હતો અને સ્થાનિકોમાં વિવિધ ચર્ચાઓ ચાલી રહી છે. મકરપુરા પોલીસ દ્વારા વીડિયો અને અન્ય પુરાવાઓના આધારે સમગ્ર ઘટનાની તપાસ હાથ ધરવામાં આવી છે. પોલીસનું કહેવું છે કે તપાસ પૂર્ણ થયા બાદ જવાબદારો સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.