ગુજરાતીમાં કહેવત છે કે ‘‘લાંબા સાથે ટૂંકો જાય, મરે નહીં તો માંદો થાય.’’ અમેરિકાનો સાથ આપી રહેલા ગલ્ફના દેશોને ભારે નુકસાન પછી આ કહેવત સમજાઈ છે. સાઉદી અરેબિયા, યુએઈ, કતાર, ઓમાન, બહેરીન વગેરે દેશોમાં અમેરિકાના સૈન્ય અડ્ડાઓ આવેલા છે, જેનો ઉપયોગ કરીને અમેરિકા ઈરાન પર હવાઈ હુમલાઓ કરી રહ્યું છે. આ દેશોને અમેરિકા તરફથી કોઈ પણ બાહ્ય આક્રમણ સામે રક્ષણની ગેરન્ટી પણ આપવામાં આવી હતી.
ગલ્ફ વોર શરૂ થઈ તે પછી ઈરાને આ દેશોના અમેરિકી સૈન્ય અડ્ડાઓને નિશાન બનાવીને સતત મિસાઈલ અને ડ્રોન વડે હુમલાઓ કર્યા છે, જેને કારણે આ દેશોના અર્થતંત્રને ભારે ધક્કો પહોંચ્યો છે. ગલ્ફના દેશોને અનુભવે સમજાઈ ગયું છે કે ઈરાનના હુમલાઓ સામે અમેરિકા તેમનું રક્ષણ કરી શકે તેમ નથી; ઉલટાનું તેમના દેશમાં અમેરિકાના સૈન્ય અડ્ડાઓ આવેલા હોવાથી તેઓ ઈરાનના આક્રમણનો ભોગ બની રહ્યા છે. આ કારણે ગલ્ફના કેટલાક દેશો હવે અમેરિકાનું સંરક્ષણ છોડીને ઈરાન સાથે વાટાઘાટો ચલાવી રહ્યા છે, જેના ગુપ્ત હેવાલો તાજેતરમાં ખળભળાટ મચાવી રહ્યા છે.
ન્યૂઝ એજન્સી રોઇટર્સે એક ખાસ અહેવાલમાં ચાર સૂત્રોને ટાંકીને દાવો કર્યો છે કે યુએઈ ઈરાનના સ્થગિત અબજો ડોલરના ભંડોળ મુક્ત કરવા સંમત થયું છે અને તેણે ત્રણ અબજ ડોલર તો મુક્ત કરી દીધા છે. આ રિપોર્ટ એવા સમયે આવ્યો છે જ્યારે ઈરાન અને અમેરિકા વચ્ચે યુદ્ધ સમાપ્ત કરવા માટેની વાતચીત અંતિમ તબક્કામાં ચાલી રહી છે. રાજદ્વારીઓ અને નિષ્ણાતો કહે છે કે વાટાઘાટોમાં અમેરિકી પ્રતિબંધો હેઠળ વિદેશી બેંકોમાં સ્થગિત ઈરાનના અબજો ડોલરના ભંડોળને મુક્ત કરવાનો પણ સમાવેશ થઈ શકે છે. આ ઉપરાંત કતારના ઈરાન સાથેના ગુપ્ત કરાર અંગે પણ દાવાઓ કરવામાં આવી રહ્યા છે. વોશિંગ્ટન પોસ્ટના અહેવાલ મુજબ કતારે ઈરાની હુમલાઓને રોકવા માટે તેહરાન સાથે ગુપ્ત કરાર કર્યો છે. જો કે, કતારે આ દાવાને ખોટો ગણાવીને ફગાવી દીધો છે અને કહ્યું છે કે આવા અહેવાલો મધ્યસ્થી પ્રયાસોને નુકસાન પહોંચાડી રહ્યા છે.
દુનિયામાં જ્યાં ચમત્કાર દેખાય ત્યાં જ નમસ્કાર કરવામાં આવતા હોય છે. ઈરાને ઈઝરાયેલ અને અમેરિકા સાથેના યુદ્ધમાં એવો ચમત્કાર દેખાડ્યો છે કે અત્યાર સુધી અમેરિકાની છાવણીમાં રહેલા ગલ્ફના દેશો પણ હવે ઈરાન સાથે કુલડીમાં ગોળ ભાંગી રહ્યા છે. ઘણા અહેવાલોમાં દાવો કરવામાં આવ્યો છે કે ઘણા દેશો હોર્મુઝ સ્ટ્રેટમાંથી જહાજો પસાર થાય અને હુમલાથી બચવા માટે ઈરાન સાથે ગુપ્ત વાટાઘાટો કરી રહ્યા છે. ઈરાને એવું પણ કહ્યું છે કે યુરોપિયન દેશો હોર્મુઝ સ્ટ્રેટમાંથી જહાજો પસાર કરવા અંગે તેની સાથે વાટાઘાટો કરી રહ્યા છે.
ન્યૂઝ એજન્સી રોઇટર્સે એક વિશિષ્ટ અહેવાલમાં દાવો કર્યો છે કે, “યુએઈ કુલ $10 બિલિયન રિલીઝ કરવા માટે સંમત થયું છે, જેમાંથી ૩ અબજથી વધુ ડોલર પહેલાથી જ રિલીઝ થઈ ચૂક્યા છે. આ વ્યવસ્થાથી પરિચિત બે અન્ય સૂત્રોએ રોઇટર્સને જણાવ્યું હતું કે કુલ ૨૦ અબજ ડોલરની ઈરાની સંપત્તિ સ્થગિત કરવામાં આવી છે અને યુએઈ પર ઈરાની હુમલાઓને રોકવાના બદલામાં આ કરાર થયો છે.
સમાચાર એજન્સીએ સૂત્રોને ટાંકીને જણાવ્યું છે કે ૩ અબજ ડોલરનો પહેલો હપ્તો પહેલાથી જ ઉપલબ્ધ કરાવી દેવામાં આવ્યો છે. જો કે, રોઇટર્સના અહેવાલમાં જણાવાયું છે કે ટ્રાન્સફર કરવા માટે બનાવાયેલ ભંડોળ UAEમાંથી હતું કે UAE બેંકિંગ સિસ્ટમમાં લાંબા સમયથી સ્થિર ઈરાની ખાતાંઓમાંથી હતું કે અન્યત્રથી જારી કરવામાં આવી રહ્યું હતું તેની હજુ સુધી પુષ્ટિ થઈ નથી. વ્હાઇટ હાઉસે ટિપ્પણી માટેની વિનંતીનો જવાબ આપ્યો ન હતો.
રોઇટર્સે અહેવાલ આપ્યો છે કે આ કરાર યુએઈ-ઈરાન સંબંધોમાં મોટો ફેરફાર દર્શાવે છે. ઈરાની હુમલાઓને કારણે દુબઈની હોટલો ખાલી થઈ ગઈ, કેટલાક વિદેશીઓ દેશ છોડીને ભાગી ગયા અને સુરક્ષા માટે દેશની પ્રતિષ્ઠાને નુકસાન પહોંચાડ્યું, જે તેને એક મુખ્ય વ્યાવસાયિક કેન્દ્ર તરીકે અલગ પાડે છે. આ પગલું અમેરિકા અને ઈરાન વચ્ચેના સંઘર્ષને ઉકેલવાનો માર્ગ પ્રદાન કરે છે.
ઈરાન દાવો કરી શકે છે કે તેને યુદ્ધના નુકસાન માટે વળતર મળ્યું છે, જ્યારે વોશિંગ્ટન કહી શકે છે કે તેણે કંઈ ચૂકવ્યું નથી. ચુકવણીના બદલામાં ઈરાન યુએઈ પર મિસાઈલ અને ડ્રોન હુમલા બંધ કરશે. રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે ઈરાને પણ આવી જ વ્યવસ્થા માટે ઓછામાં ઓછા બે અન્ય આરબ દેશોનો સંપર્ક કર્યો છે. વાટાઘાટો ઘણાં અઠવાડિયાં પહેલાં શરૂ થઈ હતી પરંતુ ગયા અઠવાડિયે ઈરાનના રિવોલ્યુશનરી ગાર્ડ્સના અધિકારીઓએ અબુ ધાબીની મુલાકાત લીધા પછી તેને વેગ મળ્યો હતો. ત્યાં તેઓએ યુએઈના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અને અબુ ધાબીના નાયબ શેખ તહનૌન બિન ઝાયેદ અલ નાહ્યાન સાથે મુલાકાત કરી હતી.
તે મુલાકાત પછી UAE ના અધિકારીઓએ તેહરાનની મુલાકાત લીધી ત્યારે અન્ય પાસાંઓ પર ચર્ચા કરવામાં આવી હતી. UAE-ઈરાન સમજૂતી એક જટિલ નાણાંકીય પૃષ્ઠભૂમિ સામે આગળ વધવાની તૈયારીમાં છે, જેમાં દુબઈ મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી શકે છે. દુબઈ એ UAEનું મુખ્ય વ્યાપાર કેન્દ્ર છે અને ઈરાનની મહત્ત્વપૂર્ણ આર્થિક જીવનરેખાઓમાંનું એક માનવામાં આવે છે. દુબઈની બેંકોએ ઈરાન સાથે જોડાયેલાં મોટાં ખાતાંઓ સ્થગિત કરી દીધાં છે. આમાંથી મોટા ભાગનાં ખાતાંઓ અમેરિકન પ્રતિબંધોને કારણે નિષ્ક્રિય છે. આ પ્રતિબંધો ઈરાન સાથે વ્યવસાય કરતાં કોઈ પણ દેશને અમેરિકી નાણાંકીય નેટવર્કમાંથી બાકાત રાખવાના જોખમમાં મૂકે છે. એક ઈરાની સૂત્રે જણાવ્યું હતું કે અમેરિકા કતાર અને અન્ય વિદેશી બેંકોમાં રાખેલી ઈરાની સંપત્તિઓ મુક્ત કરવા સંમત થયું છે.
દરમિયાન, વોશિંગ્ટન પોસ્ટે એક અહેવાલ પ્રકાશિત કર્યો હતો જેમાં દાવો કરવામાં આવ્યો હતો કે કતારે તેના ગેસ સંકુલ રાસ લફાનને હુમલાઓથી બચાવવા માટે ઈરાન સાથે ગુપ્ત વાટાઘાટો કરી હતી. માર્ચના મધ્યમાં કતાર પર ઈરાની મિસાઈલ હુમલા બાદ વિશ્વની સૌથી મોટી કુદરતી ગેસ ઉત્પાદન સુવિધા રાસ લાફાનમાંથી ધુમાડાના ગોટેગોટા નીકળતા જોવા મળ્યા હતા. આ હુમલામાં પ્લાન્ટના કેટલાક ભાગો નાશ પામ્યા હતા, જે વિશ્વના ગેસ પુરવઠાનો લગભગ પાંચમો ભાગ પૂરો પાડે છે, જેના કારણે ચીન અને અન્ય દેશો સાથેના અબજો ડોલરના કરારો જોખમમાં મુકાયા હતા. અમેરિકા અને ઈરાન વચ્ચે મધ્યસ્થી કરવામાં મુખ્ય ભૂમિકા ભજવતું કતાર આ સંઘર્ષમાં ફસાઈ ગયું, જેના કારણે યુદ્ધનો અંત લાવવાના તેના પ્રયાસોમાં અવરોધ ઊભો થયો.
વોશિંગ્ટન પોસ્ટના અહેવાલ મુજબ યુદ્ધની શરૂઆતમાં કતારે વિશ્વના સૌથી મોટા કુદરતી ગેસ ઉત્પાદન સુવિધા રાસ લફાનને ઈરાની હુમલાઓથી બચાવવા માટે તેહરાન સાથે ગુપ્ત કરાર કરવાનો પ્રયાસ કર્યો હતા. કતારે ઈરાનને પ્રસ્તાવ મૂક્યો હતો કે જો રાસ લફાનને નિશાન બનાવવામાં ન આવે, તો તે પોતે જ ગેસનું ઉત્પાદન બંધ કરી દેશે. આનાથી વૈશ્વિક ઊર્જાના ભાવમાં વધારો થયો હોત અને અમેરિકા અને ઇઝરાયલ પર યુદ્ધ ઝડપથી સમાપ્ત કરવા માટે આર્થિક દબાણ આવ્યું હોત.
કતારને ઈરાન તરફથી કોઈ સ્પષ્ટ ખાતરી મળી ન હતી, તેમ છતાં, યુદ્ધના ત્રીજા દિવસે રાસ લફાન ખાતે ઉત્પાદન બંધ કરી દેવામાં આવ્યું હતું. પાછળથી ઉપગ્રહની છબીઓમાં નુકસાનના કોઈ સંકેતો જોવા મળ્યા નથી. CIA સહિતની અમેરિકન ગુપ્તચર એજન્સીઓ અને ટ્રમ્પ વહીવટીતંત્ર કતારના ઈરાન સાથેના ગુપ્ત સોદાથી વાકેફ હતાં, પરંતુ આનાથી અમેરિકા અને કતાર વચ્ચેના સંબંધોમાં તણાવ વધ્યો નથી. કતારે આ આરોપોને નકારી કાઢ્યા છે. તે કહે છે કે ઈરાન સાથે કોઈ ગુપ્ત સોદો કરવામાં આવ્યો ન હતો અને ઉત્પાદન બંધ કરવાનો નિર્ણય માળખાગત સુવિધાઓ અને ઊર્જા સ્થાપનોના રક્ષણ માટે લેવામાં આવ્યો હતો.
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.