ફાયર બ્રિગેડની ત્વરિત કામગીરીથી આગ પર કાબૂ, મોટી દુર્ઘટના ટળી
રોકડ રકમ, ઘરેણાં, અનાજ અને ઘરવપરાશનો સામાન બળીને રાખ; લાખોનું નુકસાન
હાલોલ, તા. 8 જૂન, 2026
હાલોલ તાલુકાના જૂની ભાટ ગામમાં એક રહેણાંક મકાનમાં અચાનક લાગેલી આગને કારણે ભારે નુકસાન થયું હોવાની ઘટના સામે આવી છે. તા. 7 જૂન, રવિવારની રાત્રે ગામમા રાઠવા કોચરભાઈ માન્યાભાઈના મકાનમાં અગમ્ય કારણોસર ભીષણ આગ ફાટી નીકળી હતી, જેના કારણે સમગ્ર ઘરવખરી પળવારમાં આગની ઝપેટમાં આવી ગઈ હતી.
ઘટનાની જાણ થતાં જ હાલોલ ફાયર બ્રિગેડને તાત્કાલિક જાણ કરવામાં આવી હતી. કોલ મળતા જ ફાયર બ્રિગેડની ટીમ ઘટનાસ્થળે દોડી આવી હતી અને આગને વધુ ફેલાતી અટકાવવા માટે પાણીનો સતત મારો ચલાવ્યો હતો. ફાયર ફાઇટરોએ ભારે જહેમત બાદ આગ પર સંપૂર્ણ કાબૂ મેળવ્યો હતો. ફાયર વિભાગની સમયસરની કામગીરીને કારણે આસપાસના અન્ય મકાનો સુધી આગ ફેલાતી અટકી હતી અને મોટી દુર્ઘટના ટળી હતી.
આગ લાગવાનું ચોક્કસ કારણ હજુ સુધી જાણી શકાયું નથી. પ્રાથમિક અનુમાન મુજબ શોર્ટ સર્કિટ અથવા અન્ય કોઈ અગમ્ય કારણસર આગ લાગી હોવાનું માનવામાં આવી રહ્યું છે. જોકે સંબંધિત તંત્ર દ્વારા આગના કારણોની તપાસ હાથ ધરવામાં આવી છે.
આ આગની ઘટનામાં મકાનમાં રાખેલી રોકડ રકમ, કિંમતી સોના-ચાંદીના ઘરેણાં, બોરવેલની પાઇપો, ઘરવપરાશનો તમામ સરસામાન તેમજ અનાજ બળીને ખાખ થઈ ગયું હતું. પરિણામે મકાન માલિકને મોટું આર્થિક નુકસાન વેઠવાનો વારો આવ્યો છે.
સદનસીબે આ દુર્ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી, પરંતુ પરિવારની વર્ષોની મહેનતથી વસાવેલી ઘરવખરી નષ્ટ થતાં તેઓ ભારે મુશ્કેલીમાં મુકાયા છે. ગામલોકોમાં પણ આ ઘટનાને લઈને ચિંતા અને દુઃખની લાગણી જોવા મળી રહી છે. સ્થાનિકોએ અસરગ્રસ્ત પરિવારને તાત્કાલિક સહાય અને સરકારી રાહત મળવાની માંગ કરી છે.
રિપોર્ટર: યોગેશ ચૌહાણ