SURAT

હજીરાથી ઇન્ડોર સ્ટેડિયમ સુધી PM મોદીનો વ્યસ્ત કાર્યક્રમ, PMના પ્રવાસ માટે 6 હજાર પોલીસ જવાનો તૈનાત

વિશ્વ પર્યાવરણ દિવસના અવસરે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે સુરતની મહત્વપૂર્ણ મુલાકાતે આવી રહ્યા છે. તેમના આ પ્રવાસને લઈને સમગ્ર શહેરમાં ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે. વડાપ્રધાન બપોરે લગભગ 2 વાગ્યે સુરત એરપોર્ટ પર પહોંચશે અને ત્યારબાદ સીધા હજીરા સ્થિત લાર્સન એન્ડ ટુબ્રો (L&T)ના પ્લાન્ટની મુલાકાત લેશે. અહીં તેઓ દેશની સુરક્ષા અને હરિત ઊર્જા સાથે જોડાયેલા અનેક મહત્વપૂર્ણ પ્રોજેક્ટ્સનું નિરીક્ષણ કરશે. હજીરામાં પીએમ મોદી ‘મેક ઇન ઇન્ડિયા’ હેઠળ વિકસાવવામાં આવેલા અત્યાધુનિક સંરક્ષણ સાધનો અને ટેકનોલોજી વિશે માહિતી મેળવશે. તેઓ ખાસ કરીને સ્વદેશી ‘જોરાવર લાઇટ ટેન્ક’નું નિરીક્ષણ કરશે. આ ટેન્કને લદ્દાખ જેવા ઊંચા અને દુર્ગમ વિસ્તારોમાં ઉપયોગ માટે તૈયાર કરવામાં આવી છે. તેનું વજન ઓછું હોવાથી તેને સરળતાથી હવાઈ માર્ગે એક સ્થળેથી બીજા સ્થળે લઈ જઈ શકાય છે. આ ઉપરાંત પીએમ મોદી ભારતીય સેનામાં ઉપયોગમાં લેવાતી ‘K9 વજ્ર’ હોવિત્ઝર તોપ બનાવતી ફેસિલિટીની પણ મુલાકાત લેશે. આ તોપ લાંબા અંતર સુધી સચોટ નિશાન સાધવાની ક્ષમતા ધરાવે છે અને ભારતીય સેનાની મહત્વપૂર્ણ શક્તિ માનવામાં આવે છે. સાથે જ તેઓ ‘તીર’ ડ્રોન એર ડિફેન્સ સિસ્ટમ અને CIWS રડાર પ્રોજેક્ટનું પણ અવલોકન કરશે. આ ટેકનોલોજી દેશની હવાઈ સુરક્ષા મજબૂત બનાવવા માટે વિકસાવવામાં આવી છે.

વિશ્વ પર્યાવરણ દિવસ હોવાથી પીએમ મોદીના કાર્યક્રમમાં ગ્રીન હાઇડ્રોજન પ્લાન્ટ પણ વિશેષ આકર્ષણનું કેન્દ્ર બનશે. L&Tનો આ પ્લાન્ટ સોલાર ઊર્જા અને બેટરી સ્ટોરેજ સિસ્ટમના ઉપયોગથી ગ્રીન હાઇડ્રોજનનું ઉત્પાદન કરે છે. અહીં દરરોજ ઉચ્ચ શુદ્ધતા ધરાવતા ગ્રીન હાઇડ્રોજનનું ઉત્પાદન કરવામાં આવે છે, જે ભવિષ્યમાં પર્યાવરણમિત્ર ઇંધણ તરીકે મહત્વની ભૂમિકા ભજવી શકે છે. હજીરાનો કાર્યક્રમ પૂર્ણ કર્યા બાદ વડાપ્રધાન સાંજે લગભગ 4:15 વાગ્યે સુરતના ઇન્ડોર સ્ટેડિયમ ખાતે પહોંચશે. અહીં તેઓ વિશાળ જનસભાને સંબોધન કરશે અને દક્ષિણ ગુજરાતના વિકાસ માટે રૂ. 18,778 કરોડના વિવિધ પ્રોજેક્ટ્સનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે. આ પ્રોજેક્ટ્સનો લાભ સુરત, નવસારી, ભરૂચ, વલસાડ, તાપી, ડાંગ અને નર્મદા સહિતના સાત જિલ્લાઓને મળશે. કુલ 24 વિકાસ પ્રકલ્પોમાંથી રૂ. 13,926 કરોડના કાર્યોનું લોકાર્પણ કરવામાં આવશે, જ્યારે રૂ. 4,852 કરોડના નવા પ્રોજેક્ટ્સનું ખાતમુહૂર્ત કરવામાં આવશે. આ યોજનાઓથી રસ્તા, પાણી, ઉદ્યોગ, ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને જાહેર સુવિધાઓમાં નોંધપાત્ર સુધારો થવાની આશા છે.

વિશ્વ પર્યાવરણ દિવસના સંદેશને વધુ અસરકારક બનાવવા માટે સુરત મહાનગરપાલિકા અને જિલ્લા વહીવટીતંત્ર દ્વારા અનોખી પહેલ કરવામાં આવી છે. કાર્યક્રમમાં ઉપસ્થિત રહેતા વીઆઈપી મહેમાનો, અધિકારીઓ તેમ જ નાગરિકોને પ્લાસ્ટિકની બોટલો અને ડિસ્પોઝેબલ ગ્લાસના બદલે પરંપરાગત માટલાં અને માટીના કુલ્હડમાં પાણી પીરસવામાં આવશે. પર્યાવરણ સંરક્ષણ, પ્લાસ્ટિક મુક્ત જીવનશૈલી અને ભારતીય સંસ્કૃતિને પ્રોત્સાહન આપવાના હેતુથી લેવામાં આવેલા આ નિર્ણયને ખાસ મહત્વ આપવામાં આવી રહ્યું છે. આધુનિક ભારતના વિકાસ સાથે પ્રકૃતિ અને પરંપરાના સમન્વયનો સંદેશ આપતી આ પહેલ કાર્યક્રમનું વિશેષ આકર્ષણ બની છે.

વડાપ્રધાનના પ્રવાસને ધ્યાનમાં રાખીને સુરતમાં સુરક્ષાની ખાસ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. સમગ્ર શહેરને લોખંડી કિલ્લામાં ફેરવી દેવામાં આવ્યું છે. 6 હજારથી વધુ પોલીસ કર્મચારીઓ, SRPની 5 કંપનીઓ, અનેક ઉચ્ચ અધિકારીઓ તેમ જ SPG અને NSGના જવાનો સુરક્ષા વ્યવસ્થામાં જોડાયા છે. ટ્રાફિક વ્યવસ્થા જળવાઈ રહે તે માટે શહેરની કેટલીક બસ સેવાઓમાં પણ ફેરફાર કરવામાં આવ્યો છે. 12 સિટી બસ રૂટને અસ્થાયી રીતે બંધ રાખવામાં આવ્યા છે, જ્યારે BRTSના બે રૂટ ડાયવર્ટ કરવામાં આવ્યા છે. મુસાફરોને વૈકલ્પિક માર્ગોનો ઉપયોગ કરવાની સલાહ આપવામાં આવી છે. પીએમ મોદીની આ મુલાકાત દક્ષિણ ગુજરાત માટે વિકાસના નવા દ્વાર ખોલનારી મુલાકાત માનવામાં આવી રહી છે. એક તરફ દેશની સંરક્ષણ ક્ષમતા અને ગ્રીન એનર્જી ક્ષેત્રે થઈ રહેલી પ્રગતિનું પ્રદર્શન થશે, તો બીજી તરફ હજારો કરોડના વિકાસ કાર્યોના કારણે સમગ્ર વિસ્તારમાં રોજગારી, ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને આર્થિક વિકાસને નવી ગતિ મળશે.

Most Popular

To Top